
- એફડીઆઈ ધોરણ સખત બનાવાતા વીજ સંચાલિત વાહનોનું ઘરઆંગણે ઉત્પાદન વધારવાનું મુશકેલ બનશે
મુંબઈ, તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર
વર્તમાન મંદીના સમયમાં તકનો લાભ લઈ દેશમાં ઘૂસણખોરી કરવાનો ઈરાદો ધરાવતી વિદેશી કંપનીઓ ખાસ કરીને ચીનની કંપનીઓને અટકાવવા ભારત સરકારે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ધોરણોને સખત બનાવવાના લીધેલા નિર્ણયથી દેશના ઓટો ક્ષેત્રને ફટકો પડવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. નવા નિયમ પ્રમાણે વિદેશી કંપનીઓ ભારતમાં ઓટોમેટિક રુટ મારફત રોકાણ કરી નહીં શકે. રોકાણ દરખાસ્ત સરકાર સમક્ષ રજુ કરવાની રહેશે.
નાણાં વર્ષ ૨૦૧૯માં દેશમાં આવેલા ૬૪.૩૭ અબજ ડોલરના એફડીઆઈમાંથી ચીન ખાતેથી ૬.૨૦ અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. ભારતમાં જે ક્ષેત્રોમાં એફડીઆઈનું પ્રમાણ વધુ છે તે ટોચના દસ ક્ષેત્રોમાં ઓટો ક્ષેત્ર પ્રથમ ક્રમે છે. દેશમાં બેન્કિંગ. આઈટી, ટેલિકમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર એફડીઆઈ જોવા મળે છે. ભારત એફડીઆઈને આકર્ષવા વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડતું આવ્યું છે અને કેટલાક ક્ષેત્રોમાં તો મર્યાદા વધારીને ૧૦૦ ટકા કરી નંખાઈ છે.
ભારતને તેના ધોરણમાં કરેલો ફેરબદલ ચીનને ધ્યાનમાં રાખીને જ કર્યો છે, જેને કારણે ચીન ખાતેથી ઓટો ક્ષેત્રમાં આવનારા એફડીઆઈમાં ઘટાડો નોંધાશે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. ઓટો ઉપરાંત ઓટો સાધનોના ઉત્પાદન કરતી કંપનીઓમાં પણ ચીનનું નોંધપાત્ર રોકાણ રહે છે. આ બન્ને ક્ષેત્રો આજે વિશ્વમાં ઝડપી વિકાસ હાંસલ કરી રહ્યા છે.
ભારતમાં વીજ સંચાલિત વાહનોનું ઉત્પાદન વધારવા સરકાર આતુર છે અને આ ક્ષેત્રમાં ચીને ઘણો જ વિકાસ હાંસલ કર્યો છે. પ્રદૂષણ ઘટાડવા વીજ સંચાલિત વાહનો દોડતા થાય તે ભારત માટે જરૂરી બની ગયું છે ત્યારે સખત એફડીઆઈ ધોરણો આ ક્ષેત્રના વિકાસ માટે અવરોધરૂપ બની શકે છે. ૨૦૩૦ સુધીમાં દેશમાં દરેક વાહનો વીજ સંચાલિત કરવાની યોજના છે.
વીજથી ચાલતા વાહનોમાં વપરાતી બેટરીના ઉત્પાદન માટે આવશ્યક લિથિયમનો ચીન મોટો પૂરવઠેદાર દેશ છે. વિશ્વની લિથિયમ માઈન્સમાંથી સાત ટકા માઈન્સ પર ચીનની એક કંપનીનું પ્રભુત્વ રહેલું છે. આવી સ્થિતિમાં ચીનની કંપનીઓને જો ભારતમાં રોકાણ વધારવા અથવા તેમના રોકાણને અવરોધવામાં આવશે તો ભારત માટે વીજ વાહનો તથા તેમાં વપરાતી બેટરીસનું ઘરઆંગણે ઉત્પાદન તરફ વળવાનું મુશકેલ બની શકે છે અથવા તો તેની આયાત માટે ચીન પરની નિર્ભરતા વધારવી પડશે, એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VVqDZU
via Latest Gujarati News
0 Comments