કોરોનાઃ ડોક્ટર્સની ચિંતામાં નવો ઉમેરો, દર્દીઓના શરીરમાં જામી રહ્યું છે લોહી


ન્યૂયોર્ક, તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના વાયરસ સાથે સંકળાયેલા એક નવા સમાચારના કારણે ડોક્ટર્સની ચિંતામાં વધારો થયો છે. અમેરિકામાં ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ્સના રિપોર્ટ પ્રમાણે આ વાયરસના કારણે દર્દીઓના શરીરમાં લોહી જામી રહ્યું છે. આ ઉપરાંત દર્દીઓની કિડનીમાં પણ લોહી જામી રહ્યું હોવાથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વૃદ્ધિ નોંધાઈ છે. 

માઉન્ટ સિનાઈ હોસ્પિટલના ડોક્ટર જે. મોક્કોએ આ બીમારીના કારણે લોહી જામી રહ્યું છે તેને ચોંકાવનારી ઘટના ગણાવી હતી. તેમના કહેવા પ્રમાણે અનેક કેસમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યા અનુભવાઈ છે. ડોક્ટર મોક્કોએ માર્ચ મહીનાના ત્રણ સપ્તાહમાં જ મસ્તિષ્કમાં લોહીના બ્લોકેજ સાથે હાર્ટ એેટેક આવ્યો હોય તેવા 32 દર્દીઓને તપાસ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, 32 પૈકીના અડધાથી વધારે દર્દીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ તરફ ચીનમાં કોરોનાગ્રસ્ત એક દર્દીનો સાજા થયાના 70 દિવસ બાદ ફરી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચીનની ચિંતા વધી ગઈ છે. વુહાનના એક 50 વર્ષીય શખ્સને કોરોનાના લક્ષણો જણાતા બે હોસ્પિટલમાં તેણે રિપોર્ટ કરાવ્યા હતા જે નેગેટિવ આવ્યા હતા. ત્યાર બાદ ફરી લક્ષણો જણાતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચીનમાં અનેક લોકોને સાજા થયાના 50-60 દિવસ બાદ ફરી કોરોના થઈ રહ્યો છે અને અમુક લોકોમાં તેના કોઈ લક્ષણો પણ નથી જણાઈ રહ્યા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xUv7rO
via Latest Gujarati News

Post a Comment

0 Comments