
- ખાસ વાત એ છે કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટવાથી આ ગાબડું નથી ભરાયું, પરંતુ તેની પાછળ અન્ય કારણ જવાબદાર છે
અમદાવાદ, તા. 27 એપ્રિલ 2020, સોમવાર
વર્તમાન સમયે આખી દુનિયા કોરોના નામની મહામારી સામે લડી રહી છે. ચારે તરફ ભય અને ચિંતાનો માહોલ છે, તેવા સમયે વિજ્ઞાનીઓએ એક મોટી રાહત અને ખુશીના સમાચાર આપ્યા છે. આ સમાચાર કોરોના સાથે નહીં પરંતુ ઓઝોન સ્તર જોડાયેલા છે. તાજેતરમાં જ વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ઓઝોન સ્તરમાં પડેલું ઇતિહાસનું સૌથી મોટું ગાબડું ભરાયું છે. આ મહિનાની શરુઆતમાં જ વિજ્ઞાનીઓને ઓઝોનના સ્તરમાં આ ગાબડું દેખાયું હતું. 10 લાખ ચોરચ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આ ગાબડું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું ગાબડું હતું. જે ઉત્તર ધ્રુવ પર આર્કટિકની ઉપર આવેલું હતું.
પૃથ્વીના બાહ્ય વાતાવરણમાં રહેલું ઓઝોનનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પારજાંબલી કિરણો સામે પૃથ્વીની રક્ષા કરે છે. આ કિરણો ચામડીના કેન્સરનું મુખ્ય કારણ છે. આર્કટિક પર રહેલું આ ગાબડું જો માનવવસતી વાળા પૃથ્વીના મધ્ય કે દક્ષિણ ભાગ તર આગળ વધે તો માણસો માટે મોટું જોખમ ઉભું થાય. તેવામાં યુરોપિયન યુનિયનના અર્થ મોનિટરિંગ પ્રોગામ કોપરનિક્સે જાણકારી આપી છે કે ઓઝોન સ્તરનું આ ગાબડું આપમેળે ભરાયું છે. કોપરનિક્સ એટમોસ્ફિયર મોનટરિંગ સર્વિસ અને કોપરનિક્સ ચેન્જ સર્વિસે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
વર્તમાન સમયે દુનિયાના ઘણાખરા દેશોમાં લોકડાઉન છે, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, પરંતુ આ ગાબડું પુરાવા પાછળ પ્રદૂષણમાં ઘટાડો કે લોકડાઉન બંનેમાંથી એક પણ જવાબદાર નથી. ઓઝોન સ્તરું આ ગાબડું તો પોલાર વોર્ટેક્સના કારણે ભરાયું છે. પૃથ્વીના ધ્રુવિય વિસ્તાર એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના ઉપરી વાયુમંડળમાં જે હવાના ચક્રાવાત ચાલે છે, તેને પોલાર વોર્ટેક્સ કહેવામાં આવે છે. આ પોલાર વોર્ટેક્સનું કામ ધ્રુવ પ્રદેશોમાં ઠંડી હવા લઇ જવાનું હોય છે.
કોપરનિક્સ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પોલાર વોર્ટેક્સ ઘણા શક્તિશાળી હતા, તેમનું તાપમાન પણ ઘણું નીચું હતું. જેના કારણે સ્ટ્રેટોસ્ફેરિક વાદળની ઉત્પતિ થઇ, જેણે સીએઇસી ગેસ સાથે પ્રક્રિયા કરીને ઓઝોન સ્તરને નષ્ટ કર્યું. તેવામાં છેલ્લા કેટલાક સમયથી આ પોલાર વોર્ટિક્સ નબળા પડ્યા છે. જેને કારણે ઓઝોન સ્તરનું ગાબડું બુરાયું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KA8iMD
via Latest Gujarati News
0 Comments