ભારતે EU સાથે કોવિડ-19નો સામનો કરવા માટેની પોતાની પદ્ધતિ શેર કરી


નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2020, સોમવાર

ભારતે કોવિડ-19ના પ્રસારને અટકાવવાની પોતાની પદ્ધતિ યુરોપિયન સંઘ સાથે શેર કરી છે જેમાં જાન્યુઆરી 2020માં સરકારે જે બૃહદ સ્તરની પ્રતિક્રિયા જાહેર કરેલી તે પણ સામેલ છે. યુરોપિયન સંઘના ભારતીય પ્રતિનિધિ ગાયત્રી ઈસર કુમારે જણાવ્યું કે, મિશને બેલ્જિયમની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને આવાસ અને ચિકિત્સા સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ત્વરિત સંપર્ક કર્યો હતો. સાથે જ નવી દિલ્હીએ ભારતથી જરૂરી ચિકિત્સા પુરવઠો યુરોપિયન સંઘને સતત મળતો રહે તે પણ સુનિશ્ચિત કર્યું હતું. 

સરહદો બંધ કરવી પડકારજનક રહ્યું

યુરોપિયન સંઘની સ્થિતિ કેવી છે તેનો જવાબ આપતા ગાયત્રી ઈસરે જણાવ્યું કે, એક રીતે યુરોપિયન સંઘ વધારે પ્રભાવિત થયું છે કારણ કે, વાયરસ સીધો યુરોપમાં ફેલાયો હતો અને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌ પ્રથમ વાયરસ ઈટાલીમાં ફેલાયો અને ત્યાર બાદ સ્પેન, બેલ્જિયમ, જર્મની અને અન્ય યુરોપિયન સંઘના સદસ્ય રાજ્યોમાં ફેલાયો હતો. 

એક અહેવાલ પ્રમાણે આજે યુરોપિયન સંઘની ચિંતાજનક સ્થિતિમાં થોડો સુધારો જણાઈ રહ્યો છે. સરહદો બંધ કરવી, લોકડાઉન લાગુ કરવું અને નિવારણ માટેના અન્ય ઉપાયો યુરોપિયન સંઘના નાગરિકો અને સરકાર માટે પડકારજનક રહ્યા પરંતુ તેઓ તેમાં સફળ થયા છે. યુરોપિયન સંઘના નેતૃત્વે ઝડપથી 'ગ્રીન લેન' બનાવીને યુરોપિયન સંઘની આંતરિક સરહદોના માધ્યમથી જરૂરી સામાનનો પુરવઠો કોઈ પણ જાતની અડચણ વગર ચાલુ રાખીને સુપરમાર્કેટમાં તંગી નહોતી સર્જાવા દીધી.

શિસ્તપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

ગાયત્રીના કહેવા પ્રમાણે હાઈજિન અને અન્ય સાવધાનીઓ લોકોના સામાન્ય વ્યવહારમાં સામેલ થઈ ગયા છે અને તેઓ શિસ્તપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યા છે. સાથે જ તેમણે બેલ્જિયમમાં ભારતીય સમુદાય સુરક્ષિત છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. 

ભારત-EUએ સમન્વય સાધીને કામ કર્યું

કોરોના મહામારીના પગલે 13મી માર્ચ, 2020ના રોજ યોજાનારા ભારત-યુરોપિય સંઘના શિખર સંમેલનને સ્થગિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતમાં લોકડાઉન જાહેર કરાયું તે સાથે જ ભારતથી EUમાં જરૂરી ચિકિત્સા સામગ્રી અને યુરોપિય નાગરિકોને સ્વદેશ મોકલવા કામગીરી કરાઈ હતી. ત્યાંની સરકારે ઈટાલી અને હેગમાં ફસાયેલા ભારતીય નાગરિકોને અમેરિકા અને કેનેડાના રસ્તેથી સ્વદેશ મોકલ્યા હતા જ્યારે ભારતે વિવિધ રાજ્યમાં ફસાયેલા 20,000 યુરોપિયન સંઘના નાગરિકોને તેમના સદસ્ય રાજ્ય સુધી પહોંચવામાં મદદ કરી હતી. સાથે જ નેતાઓ એકબીજાના સંપર્કમાં રહીને અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eW0lj5
via Latest Gujarati News

Post a Comment

0 Comments