ડાયાલિસિસ સેન્ટરો ૨૪ કલાકથી વધુ બંધ રાખી શકાય નહિઃ બીએમસી



મુંબઇ, તા.27 એપ્રિલ, 2020, સોમવાર

ડાયાલિસીસ સેન્ટરોના કોઇ કર્મચારીનો કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય તો પણ આ સેન્ટરોને ૨૪ કલાકથી વધુ સમય બંધ રાખી શકાય નહી. ઉલટાનું આવા સેન્ટરોએ તેમના કોરોનાનો ચેપ લાગ્યો ન હોય તેવા બાકીના કર્મચારીઓ સાથે તેમનું કામકાજ ચાલુ રાખવું જોઇએ. એમ મુંબઇ મહાનગર પાલિકાએ જારી કરેલા નવા નિયમોમાં જણાવાયું હતું.

દરદીઓને ડાયાલિસીસ સારવાર અવરોધ વગર મળી રહે તથા તે સાથે કોરોનાના સંક્રમણના જોખમની પણ તકેદારી રખાય તે નિશ્ચિત કરવા માટેના વિવિધ પગલાં પાલિકાએ ડાયાલિસિસ ક્લિનિકો માટે જારી કરેલા નવા નિયમો (પ્રોટોકોલ)માં જણાવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રચેલા ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો. સંજય ઓકે કરેલા સૂચનોને આધારે ડાયાલિસિસ ક્લિનિકો માટેનો આ પ્રોટોકોલ તૈયાર કરાયો છે.

ડાયાલિસિસ ક્લિનિકના કોઇ કર્મચારી ટેસ્ટ પોઝિટીવ આવે તો આ પ્રોટોટોલમાં જણાવ્યા મુજબ આવા ક્લિનિક કે સેન્ટરનું ફ્યુમિગેશન (જંતુનાશક દવાઓનો છંટકાવ) કરવું તથા તેની ફરક એક ટકા જેટલા સોડિયમ હાયપોક્લોરાઇટ દ્વારા સાફ કરવી પરંતુ સેન્ટરને ૨૪ કલાકથી વધુ સમય બંધ રાખવું જોઇએ નહીં.

પ્રોટોકોલમાં એમ પણ જણાવાયું છે કે પોઝિટીવ દરદીના સંપર્કમાં આવ્યા ન હોય તેવા તમામ કર્મચારીઓ તથા દરદીઓ સંબંધીત કેન્દ્ર ખાતે ડાયાલિસિસની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે.

કોવિડ-૧૯ના દરદીના સંસર્ગમાં આવેલા ડોક્ટરો, નર્સો તથા ટેક્નિશિયનોમાં કોરોનાના લક્ષણો જોવા ન મળે ત્યાં સુધી તેમના ટેસ્ટ કે તેમને ક્વોરન્ટીન કરવાની જરૃર નથી પણ દરદીના સંસર્ગ વખતે તેમણે પર્સનલ પ્રોટક્શન ક્વિપમેન્ટ (પીપીઇ-સ્વસુરક્ષા ઉપકરણો) પહેરેલાં હોવા જોઇએ એમ પ્રોટોકોલમાં જણાવાયું છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/359eOn8
via Latest Gujarati News

Post a Comment

0 Comments