
મુંબઇ, તા. 6 મે 2020, બુધવાર
આ મહામનગરમાં કોવિડ-૧૯ના કેસ કૂદકેને ભૂસકે વધતા જાય છે ત્યારે આ મહામારીના પોઝિટીવ દરદીઓએ હોસ્પિટલમાં બેડ (બિછાનું) મેળવવા અદ્ધર જીવે કલાકો સુધી રાહ જોવી પડે છે. વિશેષ કરીને કોવિડ (કોરોના વાઇરસના) વધુ કેસની ભાળ લાગી છે તેવા પાલિકાના વોર્ડમાં હવે હોસ્પિટલનો બેડ મેળવવા ત્રણ દિવસ સુધીની પ્રતીક્ષા કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો ઉપદ્રવ શરૂ થયો તેવામાં તે બે કલાકમાં કોરોનાના દરદીને હોસ્પિટલમાં બેડ મળી જતો,.
સૌથી વધુ ખરાબ સ્થિતિ આઇસીયુના કેસ તેમજ અન્ય બિમારીવાળા પોઝિટીવ દરદીઓના કેસમાં છે. જો કે, મુંબઇ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે આઇસીયુના એડમિશનો વ્યવસ્થિત રીતે આપવામાં આવે તે માટે એક સેન્ટ્રલલાઇઝડ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. મુંબઇમાં હાલમાં કોવિડના ૯૯૪૫ પોઝિટીવ કેસમાંથી ૧૫૦ દરદીઓ નાજુક સ્થિતિમાં છે.
તબીબી કોલેજો સાથે સંકળાયેલી કે.ઇ.એમ અને નાયર જેવી હોસ્પિટલોના આઇસીયુના બેડ સૌ પ્રથમ ફાળવવામા આવે છે. એક ડોક્ટરે જણાવ્યું હતું કે આઇસીયુના દરદીએ હોસ્પિટલમાં ઓછામાં ઓછું ૧૨ દિવસ રોકાવું પડતું હોય છે. આથી આઇસીયુના બેડ લાંબા સમય સુધી રોકાયેલા રહે છે.
વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે મુંબઇમાં ૫૦૦ આઇસીયુ બેડ છે અને આઈસીયુ અથવા ઓક્સિજન સપોર્ટની સુવિધાવાળા બેડની જરૂર હોય તેવા દરદીઓને માર્ગદર્શન આપવાની જવાબદારી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ને સોંપવામા આવી છે.
સમન્વયની સમસ્યા હતી જે હવે અમે દૂર કરી છે. જો કે, પોઝિટીવ દરદીઓએ ઉતાવળે હોસ્પિટલોમાં દોડી જવાની જરૂર નથી. તેમણે વોર્ડ ઓફિસમાંથી પોનકોલ આવે તેની એકબે કલાક રાહ જોવી જોઇએ. પછી ક્યાં પગલાં લેવા તેનું માર્ગદર્શન વોર્ડ ઓફિસ આપશે એમ તેમણે ઉમેર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3doLtIa
via Latest Gujarati News
0 Comments