
મુંબઈ, તા.6 મે 2020, બુધવાર
નવો કોરોના વાઈરસ દુનિયાભરમાં દરરોજ હજારો કરૂણાંતિકાઓ સર્જી રહ્યો છે. આ વાઈરસને કારણે મોતના મુખમાં ધકેલાતા લોકો ઉપરાંત અન્ય વ્યાધિઓથી પીડાઈ રહેલા લોકોની સારવારમાં થતો વિલંબ તેમના માટે જીવલેણ બની રહ્યો છે. આવા જ એક બનાવામાં હૃદયની શસ્ત્રક્રિયા વિલંબમાં પડતાં એક ૧૫ વર્ષીય તરૂણે જીવ ગુમાવ્યો હતો.
વાંદરા સ્થિત ભારતનગર ઝૂંપડપટ્ટીમાં આવેલા એક નાનકડા પેઈન્ટ વર્કશોપમાં ૧૫ વર્ષના ફિરદોસનો મૃતદેહ ૧૪ કલાક સુધી પડી રહ્યો. તેના પિતા કાસીમ અન્સારી પોતાના પુત્રની દફનવિધિ કરવા મુંબઈથી ૧૯૦૦ કિ.મી.ના અંતરે આવેલા ઝારખંડના ગિરિડિહ ખાતે જવા માટેની પરવાનગી મેળવવા તબીબોથી લઈને મહાપાલિકાના અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સધારકો પાસે દોડધામ કરી રહ્યાં હતાં. મૃતકની માતા ફાહિમાએ કહ્યું હતું કે લોકડાઉન લોકોના જીવન શી રીતે બચાવશે? તેને કારણે લોકોને જાનથી હાથ ધોવા પડી રહ્યાં છે.
વાસ્તવમાં કાસિમ અન્સારી અને તેમની પત્ની ફાહિમા તેમના પુત્ર ફિરદોસના હૃદયની શસ્ત્રક્રિયા કરાવવા ઝારખંડથી મુંબઈ આવ્યાં હતાં. પરંતુ શસ્ત્રક્રિયા હાથ ધરાય તેનાથી પહેલાં લોકડાઉન આવી પડયું. તેઓ ખિસ્સામાં માત્ર ૨૩૦૦૦ રૂપિયા લઈને સાતમી ફેબુ્રઆરીએ મુંબઈ પહોંચ્યા હતા. ફિરદોસની શસ્ત્રક્રિયા વોકહાર્ટ હોસ્પિટલ ખાતે નવમી ફેબુ્રઆરીએ હાથ ધરવામાં આવનાર હતી, પરંતુ તે વિલંબમાં પડી. હોસ્પિટલે આ પરિવારને ૫.૭૫ લાખ રૂપિયા એકઠા કરવામાં મદદ કરી અને ઓપરેશન કરવા ૩૧ માર્ચ નિશ્ચિત કરવામાં આવી. પરંતુ ૨૫મી માર્ચે દેશવ્યાપી તાળાબંધીની જાહેરાત કરાતા અનેક શસ્ત્રક્રિયાઓ રદ્દ કરવામાં આવી હતી. ફિરદોસની સર્જરી પણ અનિશ્ચિત સમય સુધી વિલંબિત કરવામાં આવી. ઝારખંડના કિસાન કાસિમ અન્સારીએ કહ્યું હતું કે અમે મુંબઈમાં અટવાઈ પડયાં. અમે અહીં રેલવે માર્ગે આવ્યાં હતાં. પરંતુ બધું અચાનક બંધ થઈ ગયું. તેથી અમે આ નાનકડા વર્કશોપમાં અમારા સંબંધીઓ સાથે રહેવા લાગ્યા.
અહીંના ત્રણ માસના રહેણાંક દરમિયાન જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા કે ખાવાપીવાની વસ્તુઓ લેવા જવા સિવાયતેઓ ભાગ્યે જ વર્કશોપથી બહાર નીકળ્યા હતા. ફિરદોસને દર ૨૧ દિવસે બેન્ઝાથીન પેનિસિલિનનું ઈન્જેકશન અપાવવું પડતું. પરંતુ તેને માટે ઈન્જેકશન મેળવવું અસંભવ બની ગયું હતું. ફિરદોસને છેલ્લે પચીસ દિવસ પહેલાં ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ક્યાંયથી ઈન્જેકશન નહોતું મળ્યું.
કાસિમ અન્સારી કહે છે કે સોમવારે રાત્રે ફિરદોસ તેના મોબાઈલ પર ઓનલાઈન ગેમ્સ રમતો હતો. તે વખત સુધી ફિરદોસ વાતચીત પણ કરી રહ્યો હતો. તે રમજાનના રોજા પણ રાખતો. પરંતુ સોમવારે રાત્રે સુતા પછી અમે પરોઢિયે પાંચ વાગે જાગ્યા ત્યારે ફિરદોસનું શરીર ટાઢું પડેલું જણાયું. જો લોકડાઉન ન હોત તો અત્યારે અમારો પુત્ર જીવંત હોત.
મંગળવારે પોલીસે આ પરિવારને ફિરદોસનું ડેથ સર્ટિફિકેટ લેવાનું કહ્યું હતું. છેવટે કાસિમ અન્સારીએ એક તબીબને શોધી કાઢ્યાં. તેમણે કહ્યું હતું કે ફિરદોસનું નિધન કાર્ડિયોરેસ્પિરેટરી ફેલ્યરને કારણે થયું છે, ત્યારબાદ પોતાના મૂળ વતનમાં જવાની પરવાનગી લેવા કાસિમ અન્સારી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમને 'શું તમારા પુત્રનું નિધન 'કોવિડ-૧૯'ને લીધે થયું છે? શું તમને પણ આ મહામારી થઈ છે? શું એમ્બ્યુલન્સ ડ્રાઈવર પાસે ફિટનેસ પ્રમાણપત્ર છે? જેવા સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. જોકે કાસિમ અન્સારીએ બધા ઉત્તરો શાંતિથી આપ્યા હતા જેથી તેમને પુત્રના મૃતદેહને મૂળ વતન લઈ જવાની પરવાનગી ઝટ મળે. જ્યારે ખેરવાડી પોલીસ થા માટે કોવિડ-૧૯ સિવાયના દરદીનો મૃતદેહ અન્યત્ર લઈ જવા પરવાનગી આપવાનો લોકડાઉનકાળનો આ પ્રથમ બનાવ હતો.
ખેરવાડી પોલીસ થાણાના અધિકારીએ કહ્યું હતું કે અન્ય રાજ્યોના પોલીસો આ પરિવાર પાસેથી અન્ય ક્યા દસ્તાવેજો માગશે તે અમે નથી જાણતા. આ મહામારીના વિકટકાળમાં ઘણાં નિયમો બદલાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિરદોસના માતાપિતાને ઝારખંડ સુધી પહોંચવા પુત્રના મૃતદેહ સાથેની એમ્બ્યુલન્સમાં બેસીને ૩૬ કલાકની અવધિમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહાર એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થવાનું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SLHAFA
via Latest Gujarati News
0 Comments