મુંબઈ મેટ્રોપોલિટન રિજન છોડી સમગ્ર મહારાષ્ટ્રમાં દારૂનું ધૂમ વેચાણ


મુંબઈ,તા. 06 મે 2020, બુધવાર

લોકડાઉનના ત્રીજા તબક્કામાં અમુક છૂટ અને શિથિલતા આપવાની સાથે સરકારે દારૂની દુકાનો ખોલવાની પણ પરવાનગી આપી હતી. જોકે સમગ્ર મહારાષ્ટ્રમાં આ છૂટ આપ્યા બાદ લગભગ તમામ સ્થળોએ દારૂની દુકાન બહાર લાંબી લાઈન લાગી ગઈ હતી અને લોકોએ સોશિયલ ડિસ્ટંસિંગને નેવે મૂકતા મુંબઈના પાલિકા કમિશ્નરે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

આ ઉપરાંત મુંબઈ એમએમઆર રિજનમાં સમગ્ર થાણે જિલ્લાના મોટા શહેરોની દારૂની દુકાનો પણ આજે બંધ રહી હતી. ગત બે દિવસમાં મહારાષ્ટ્રમાં ૬૨.૫૫ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હોવાનું રાજ્ય ઉત્પાદ શુલ્ક વિભાગના કમિશ્નર કાંતિલાલ ઉમપે સ્પષ્ટ કર્યું હતું. આજે પણ મુંબઈ અને થાણે જિલ્લો છોડી મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં દારૂનું વેચાણ મોટા પાયે થયું હતું. 

કોરોનાના વ્યાપક પ્રભાવ વચ્ચે સરકારે દારૂની દુકાન શરૂ કરવાની પરવાનગી આપતાં વિવિધ સ્તરેથી મોટા પાયે સરકારની આલોચના કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે આ બાબતે મુખ્યપ્રધાનને મોટા પાયે વિરોધ નોંધાવતા પત્રો લખવાનું નક્કી કર્યું છે.

સરકારનો આ નિર્ણય પોલીસોને પણ ગમ્યો નથી. સરકારે દારૂ વેચવાની પરવાનગી આપતાં બંધાણીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ દારૂ ખરીદવા નીકળી પડયા હતા. પરિણામે પહેલેથી જ તાણગ્રસ્ત પોલીસો પર તાણ વધતી ગઈ હતી. પોલીસોને રસ્તા પર ભર તડકે લોકોને લાઈનમાં શિસ્તમાં ઊભા રાખવા પડયા હતા. તેથી પોલીસમાં પણ નારાજગી વ્યાપી છે.

દારૂડિયાઓની ગિરદીને લીધે જે જિલ્લામાં દારૂ બંધ કરવામાં આવી તેમાં મુંબઈ, ઉસ્માનાબાદ, લાતૂર સમાવિષ્ટ છે. જ્યારે દારૂનું વેચાણ આજે પણ ચાલું રહ્યું તેવા જિલ્લામાં પુણે, નાશિક, કોલ્હાપુર, સાંગલી, સિંધુદુર્ગ, રત્નાગિરી, ધુળે, જળગાંવ, બુલઢાણાનો સમાવેશ થતો હતો. જ્યારે થાણે, નાગપુર, હિંગોલી, અમરાવતી, અકોલા, વાશીમ, યવતમાળ, સોલાપુર, સાતારા, ઔરંગાબાદ, બીડ, જાલના, નાંદેડ, પરભણીમાં દારૂની વિક્રી બંધ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SHVUPj
via Latest Gujarati News

Post a Comment

0 Comments