
મુંબઇ, તા.11 મે, 2020, સોમવાર
કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના દરદીઓ સાજા થવાનો (રિકવરી) મહારાષ્ટ્રનો દર (રેટ) રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં ઘણો પાછળ છે. મહારાષ્ટ્રનો રિકવરી રેટ ૧૯ ટકાનો જ્યારે દેશનો ૩૧ ટકાનો રેટ છે. પરંતુ કોરોનાના દરદીઓની હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવાની કેન્દ્રની નવી નીતિ ગઇકાલ રવિવારથી અમલમાં મૂકાવા સાથે રાજ્યના રિકવરી રેટમાં છેવટે કેટલોક સુધારો થવાની ધારણા છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે શનિવારે ડિસ્ચાર્જ નિયમો હળવા કર્યા હતા. ડોક્ટરોએ ડિસ્ચાર્જ માટેના નમવા નિયમોને આવકારતા જણાવ્યું હતું કે આ નિયમોથી હોસ્પિટલોના બેડ (બિછાના) ઝડપથી ખાલી થશે તથા વારંવાર કોરોના ટેસ્ટ કરવામાં વપરાતી સાધનસામગ્રીની બચત થશે.
જોકે, મુંબઇ મહાનગર પાલિકાએ કેન્દ્રના નિર્ણયના ઓછામાં ઓછા એક સપ્તાહ અગાઉ ડિસ્ચાર્જ નીતિ અમલમાં મૂકી હતી. લોરેટરીઓનો કાર્યબોજ ઓછો કરવા પાલિકાએ બે નેગેટિવ રીપોર્ટની આવશ્યક્તાને પણ પડતી મૂકી હતી. આમ છતાં મુંબઇનો કોરોના રિકવરી રેટ ૨૨ ટકાની આસપાસનો રહ્યો છે.
ડોક્ટરોએ જણાવ્યું છે કે, દરદીમાં ગંભીર ક્લિનિકલ લક્ષણો ન હોય તો પણ તેને નેગેટીવ (કોરોના મુક્ત હોવાનું પુરવાર) થતા પહેલા તેના ક્યારેક સાત જેટલા ટેસ્ટ કરવા પડે છે.
અંધેરીની કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરોએ કરેલા અભ્યાસમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની અતિ ગંભીર તથા હળવી અસર ધરાવતા દરદીઓએ તેમના સ્વેબ સેમ્પલ નેગેટિવ પુરવાર થાય ત્યાં સુધી વધારાના સાતથી દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું હતું. તદુપરાંત બે નેગેટિવ ટેસ્ટ મેળવવા પ્રત્યેક દરદીનો બેથી ૧૧ વખત ટેસ્ટ કરવા પડયા હતા. અભ્યાસમાં કોરાનાની ગંભીર અસરવાળા ૧૩ તથા તેટલી જ સંખ્યાના હળવી અસરવાળા મળીને ૨૬ દરદીઓને આવરી લેવાયા હતાં.
કોરોનાનો પ્રત્યેક દરદી ડિસ્ચાર્જ થવા સાથે રિકવરી રેટ વધશે એવી આશા રાજ્યના અધિકારીઓને છે. રાજ્યમાં સારવાર હેઠળના ૧૭૫૦૦ દરદીઓમાંના ઓછામાં ઓછા ૬૦ ટકા લક્ષણો વગરના છે અને તેઓ જલદી સાજા થાય તેવી ધારણા છે. ગંભીર સ્થિતિ હોય તેવા દરદીઓ લગભગ બે ટકા છે. જેમણે કદાચ લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zrP35K
via Latest Gujarati News
0 Comments