
મુંબઈ,તા.11, મે, 2020, સોમવાર
કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા લોકડાઉન મૂકાતાં અનેકોના કામધંધા બંધ થઈ ચૂક્યા છે. તેવામાં પરપ્રાંતીય મજૂરો કે જેઓ રોજનું કમાઈ રોજ પેટિયું રળે છે, તેમની સ્થિતિ સાવ કફોડી બની છે. કારણ તેમની પાસે અહીંનું રાશનકાર્ડ ન હોવાથી તેમને રેશનિંગમાંથી પણ કોઈ રાહત મળતી નથી.
આવી જ સ્થિતિ ભોગવે છે ચેમ્બૂરનો એક પરિવાર. ફેક્ટરીમાં કામ કરતાં મજૂર અને તેના પરિવારને બે દિવસે એકવાર જમવાનું મળે તેવી સ્થિતિ થઈ છે. કારણ અત્યારે લોકડાઉન હોવાથી તેના કામધંધા બંધ છે અને અત્યાર સુધીના પૈસાં પણ વપરાઈ ગયા છે, ત્યારે હવે એનજીઓ સમી કોઈ સંસ્થા ફૂડ પેકેટ્સ આપવા આવે ત્યારે તેના પર જ તેમનો આધાર ટકી રહ્યો છે. જ્યારે બીજી તરફ મુલુન્ડના સ્લમ વિસ્તારમાં રહેતાં પરપ્રાંતીય મજૂરોની પણ એવી ફરિયાદ રહી છે કે, અમારી પાસે રેશન કાર્ડ કે આધાર કાર્ડ અહીંનું ન હોવાથી અમને કોઈ સરકારી સહાય મળતી નથી. આથી અમને અન્ય લોકો પર અથવા આજુબાજુમાંથી માગીને ખાવાના વારા આવ્યા છે. સરકારે અમારે માટે પણ કંઈક વિચારવું જોઈએ.
સ્ટાન્ડર્ડ વર્કર્સ એક્શન નેટવર્ક (સ્વેન)ના અહેવાલ અનુસાર, આશરે ૯૬ ટકા પરપ્રાંતીય મજૂરોને સરકારી રેશન મળ્યું નથી. ત્યારે આ બાબતે સરકારી સહાય સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. એ સાથે જ સ્વેનને મળેલાં ફોનકોલ્સ પરથી જાણવા મળ્યું છે કે, ૭૫ ટકા મજૂરો પાસે હવે ૧૦૦ રૃપિયાથી ઓછી રકમ બચી છે અને ૮૧ ટકા કામગારોને તો તેમની કંપનીઓમાંથી લોકડાઉન દરમ્યાન પગાર જ આપવામાં આવ્યો નથી.
આવી સ્થિતિથી કંટાળેલા મજૂરોને હવે તેમના વતન પાછું જવું છે, પરંતુ ત્યાં સુધી પહોંચવામાં પણ કોઈ પ્રકારનો ચેપ લાગવાનો ભય તેમજ ક્વારેન્ટીન થવું પડશે, તેવી બીકે અનેક મજૂરો ઘરની બહાર નથી નીકળતાં. પરંતુ ભાડાના મકાનોમાં મુંબઈ જેવા શહેરોમાં રહેતાં અને છેલ્લાં દોઢ મહિનાથી નોકરી વિનાના બેઠેલાં મજૂરોની સ્થિતિ ખરેખર દયનીય બની હોવાના દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SWJjb5
via Latest Gujarati News
0 Comments