
મુંબઈ, તા.2 મે, 2020, શનિવાર
એક તરફ કોરોના વાઈરસના કહેરને કારણે આવી પડેલી તાળાબંધીને પગલે લોકોના જીવન જાણે કે થંભી ગયા છે ત્યારે બીજી તરફ મહિલાઓ, ખાસ કીરને ગરીબ કે નીચલા મધ્યમ વર્ગની સ્ત્રીઓ અલગ જ સમસ્યાનો સામનો કરી રહી છે. કન્ટેનમેન્ટ ઝોન્સમાં રહેતી અને આર્થિક સંકટમાં આવી પડેલી આ મહિલાઓને સેનિટરી નેપકીન્સનો અભાવ કનડી રહ્યો છે. કોઈપણ સ્ત્રી માટે સેનિટરી નેપકીન્સ અનિવાર્ય કે અત્યાવશ્યક ગણાય. પરંતુ અત્યાર સુધી સરકાર અથવા મહાપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી અનિવાર્ય વસ્તુઓમાં તેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો.
જોકે હવે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ વિભાગ સાથે મળીને ઝૂંપડપટ્ટીઓમાં રહેતી તેમજ રોજમદાર સ્ત્રીઓને સમગ્ર શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં જઈને સેનિટરી નેપકીન્સનું નિઃશુલ્ક વિતરણ કરી રહી છે. વાસ્તવમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં રહેતી મહિલાઓ બહાર નથી નીકળી શકતી અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતી કે રોજ મજૂરી કરીને પેટિયું રળતી સ્ત્રીઓને હમણાં તેની પાછળ ખર્ચ કરવાનું પોસાય તેમ નથી. તેથી સ્લમ વિસ્તારોમાં કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓ તેમજ મહિલાઓનું કલ્યાણ કરતાં જૂથોએ બીએમસીને વિનંતી કરી હતી કે તેઓ આવી મહિલાઓને સેનિટરી નેપકીન્સ નિઃશુલ્ક પૂરાં પાડે. તેમની વિનંતીને ધ્યાનમાં લઈને બીએમસીએ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ વિભાગને મોટા પ્રમાણમાં સેનિટરી નેપકીન્સ ઉપલબ્ધ કરાવી આપવાની વિનંતી કરી હતી.
બીએમસીના વ્યવસાય વિકાસ વિભાગના વડા શશી બાલાએ કહ્યું હતું કે સેનિટરી નેપકીન્સની જરૃરિયાત માટે વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી વિનંતીને પગલે અમે તેનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો. લગભગ એક લાખ જેટલી સ્ત્રીઓને તેની જરૃર છે. તેથી અમે કૌશલ્ય વિકાસ વિભાગને તે મુજબની વિનંતી મોકલી હતી. અત્યાર સુધી અમને જેટલા પેકેટ્સ મળ્યાં છે તે અમે વિતરિત કરી દીધાં છે અને હજી વધુ પેકેટ્સ આવે તેની રાહ જોઈ રહ્યાં છીએ.
દરમિયાન, વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરતી કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળની નવોત્પાદક સોસાયટી સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબિલિટી) અને ક્રાઉડ ફંડિંગ ઈનિશિયેટિવ્ઝના માધ્યમથી સેનિટરી નેપકીન્સના ઉત્પાદકો પાસેથી તેના પેકેટ્સ મેળવશે.
'મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન સોસાયટી'ના કોર્પોરેટ બાબતોના વ્યવસ્થાપક રૃચિ સિંઘાણીયાએ કહ્યું હતું કે સેનિટરી નેપકીન્સ શોખની નહીં, બલ્કે જરૃરિયાતની વસ્તુ છે. તેથી અમે તેની ગણના આવશ્યક વસ્તુઓમાં કરી છે. અમને સેનિટરી નેપકીન્સના પાંચ લાખ પેકેટ્સની જરૃર છે. પાંચ લાખ જેટલા નાના- મોટા પેકેટ્સમાં લગભગ ૩૦થી ૩૫ લાખ સેનિટરી નેપકીન્સ આવે. અત્યાર સુધી અમને ૯,૮૨,૪૦૦ જેટલાં સેનિટરી નેપકીન્સ મળ્યાં છે જે અમે વિતરિત કરી દીધાં છે. હવે અમે વધુ સેનિટરી પેડ્સ મેળવવા પ્રયાસરત છીએ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c0f3DD
via Latest Gujarati News
0 Comments