
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 5 મે 2020, મંગળવાર
મુંબઇમાં કોરોનાનો પ્રકોપ બેકાબૂ છે ત્યારે સરકારે લોકડાઉન ત્રણમાં થોડીક રાહત આપી હતી. જેમાં દારૂની દુકાન ખુલ્લી કરતા દુકાનની બહાર લોકોના ટોળાઓ થવા લાગ્યા હતા. લોકડાઉનના નિયમોનો ઉલ્લંઘન થતો જોઇને આવતીકાલથી મુંબઇમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ તેમજ દવાની દુકાન સિવાય દારૂની દુકાન સહિત તમામ બિન આવશ્યક વસ્તુનું વેચાણ કરતી દુકાનોને બંધ કરતો આદેશ મુંબઇ મહાનગર પાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ આપ્યો હતો.
એટલું જ નહિ જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી દુકાનો બંધ રહેશે. એટલે કે કેન્દ્ર સરકાર લાદેલા ૧૭મે સુધી મુંબઇમાં દારૂની દુકાનો સહિત બિનજીવનાવશ્યક દુકાનો બંધ રહેશે. આ અંગેનો તાબડતોબ કમિશનર પ્રવીણ પરદેશીએ બહાર પાડયો હતો. આદેશનું કડક પાલન કરાવવાનું મુંબઇ પોલીસતંત્રને સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લોકડાઉન ૧૭ મે સુધી લંબાવ્યો છે પણ તેમાં કેટલીક શરતોના આધારે દારૂની દુકાન સહિત અન્ય દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી. પરંતુ બે દિવસથી દારૂની દુકાનો પર કિડયારૂ ઉભરાતું હોય તેમ લોકો ઉમટી પડયા હતા. આ દ્રશ્ય જોતા સરકાર અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં નારાજગી વ્યાપી હતી. લોકો સોશ્યલ ડિસ્ટન્ટનું પાલન કરતા ન હતા. તેમજ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું નજરે પડતું હતું. જો આવી પરિસ્થિતિ મુંબઇમાં રહી તો કોરોનાને નાથવું શક્ય નથી. અને ૩૧મે સુધી મુંબઇને ગ્રીન ઝોનમાં લાવવાના સરકારના આદેશ પર શક્ય નહિ થાય. આથી પાલિકા કમિશનરે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ અને દવાની દુકાન સિવાય દારૂની દુકાનો સહિત તમામ બિન જરૂરિયાતોની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
આ સિવાય પોલીસ કમિશનરે ૧૭મે સુધી રાતે ૮થી સવારે ૭ વાગ્યા સુધી શહેરમાં ૧૪૪ કલમ લાગુ કરી દીધી છે. મુંબઇમાં કોરોનાની સંખ્યા દસ હજાર નજીક આવી ગઇ છે. ભીડ ટાળવા માટે આ મહત્વનો નિર્ણય પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ લીધો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zcQ7KM
via Latest Gujarati News
0 Comments