ક્રૂડતેલમાં વૈશ્વિક સ્તરે વર્ષના ઉત્તરાર્ધમાં માગની પીછેહઠ ચાલુ રહેશે : ભાવ ઉછાળા ટકશે નહિં


- ચીન યુએસથી આયાત વધારશે

વૈશ્વિક સ્તરે કોમોડિટીઝ બજારોના મોટા- મોટા ખેલાડીઓની નજર હંમેશા ક્રુડતેલની બજાર પરઠરતી રહે છે. હકીકતમાં વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં થતી વધઘટની અસર વિવિધ કોમોડિટીઝ તથા કરન્સીના બજારો પર ઓછા વત્તા અંશે પડતી હોય છે અને તેના પગલે ખેલાડીઓ ક્રુડતેલના ભાવ પર બારીક નજર રાખતા રહે છે. ૨૦૨૦ના વર્ષમાં અત્યાર સુધીના ગાળામાં વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં બેતરફી અફડાતફડી વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. આ ગાળામાં વર્ષના આરંભમાં ભાવ ઉંચા રહ્યા પછી કોરોના વાયરસનો ઉપદ્રવ વધતાં તથા વિવિધ દેશોમાં લોકડાઉનના પગલે વેપાર- ઉદ્યોગ જગતમાં ફરતા ચક્રોની ગતી ધીમી પડી જતાં તથા વિમાની સેવાઓ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ચહલ પહલ ઠંડી પડતાં ક્રુડતેલની માગને ફટકો પડયો હતો તથા એક તબક્કે ભાવ ગબડતા રહી નેગેટીવ ટેરેટરીમાં જતા રહ્યા હતા. જોકે ત્યાર પછી ક્રુડતેલના વિવિધ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં વધુ કાપ મુકવાનું નક્કી કરતાં તથા વિવિધ દેશોમાં લોકડાઉનની શરતો હળવી કરાતાં વૈશ્વિક સ્તરે ક્રુડતેલની માગમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને તેના પગલે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ તળીયેથી પાછા ઉંચકાતા જોવા મળ્યા છે. જોકે તાજેતરમાં ક્રુડતેલના વૈશ્વિક ભાવ જાણે બેતરફી સાંકડી વધઘટે અથડાઈ ગયા હોય એવી પરિસ્થિતિ જોવા મળી છે. ન્યુયોર્ક ક્રુડતેલના ભાવ બેરલદીઠ ૪૨થી ૪૩ ડોલર વચ્ચે ફરતા રહ્યા છે જ્યારે બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના ૪૫થી ૪૬ ડોલર વચ્ચે અથડાતા જોવ મળ્યા છે.

આ દરમિયાન તાજેતરમાં વિવિધ દેશોની સરકારોએ પોતાના દેશમાં કરાયેલા અર્થતંત્રને પીઠબળ આપવા મોટા પ્રમાણમાં સ્ટીમ્યુલ્સ પેકેજો આપવાની શરૂઆત કરી છે તથા તેના પગલે આ દેશોમાં આર્થિક ગતિવિધિ વધી રહ્યાના તથા આવા માહોલમાં વૈશ્વિક સ્તરે ક્રુડતેલની માગમાં સુધારો થઈ રહ્યાના સમાચારો દરીયાપારથી વહેતા થયા છે. જોકે કોરોનાનો ઉપદ્રવ શરૂ થયો એ અગાઉ વૈશ્વિક સ્તરે ક્રુડતેલની જેટલી માગ જોવા મળતી હતી એ સ્તરે હવે પછી આવી માગ ક્યારે પહોંચશે એ વિશે વિશ્વબજારના જાણકારો વિરોધાભાસી અભિપ્રાયો બતાવી રહ્યા છે.

હાલના સંજોગો જોતાં વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ આગળ ઉપર  ૫૦ ડોલરની સપાટી પાર કરે છે કે નહિં તેના પર હવે ખેલાડીઓની નજર રહી છે. આ તરફ અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન કરતી ઓઈલ રીગ્સની સંખ્યામાં ઘટાડો થયાન ાવાવડ મળ્યા છે. અમેરિકામાં આવી ઓઈલ રીગ્સની સંખ્યા ઘટી તાજેતરમાં ૧૭૦ નજીક ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. ત્યાં ઓઈલના ઉત્પાદનમાં આ પૂર્વે ૨૦૦૫માં આવી ધીમી ગતી જોવા મળી છે જે હાલ ફરી જોવાઈ રહી છે. આવા માહોલમાં ત્યાં ક્રુડનું ઉત્પાદન ઘટયું છે.

જોકે ત્યાં ક્રુડનો સ્ટોક ઉંચો રહ્યો છે. દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં વિવિધ પ્રશ્ને મતભેદો વધ્યા છે ત્યારે ક્રુડ બજારમાં એક પ્રોત્સાહક સમાચાર આવ્યા છે. આ સમાચાર મુજબ ચીન દ્વારા અમેરિકા ખાતેથી ક્રુડતેલની આયાત ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં વિશેષ પ્રમાણમાં વધારવાનું નક્કી કરાયું છ. વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ ચીન દ્વારા આ ગાળામાં આવી આયાતનું પ્રમાણ વધારી આશરે બે કરોડ બેરલ્સ જેટલું થવાની શક્યતા છે. ચીનના આ વ્યુહથી વિશ્વબજારના ખેલાડીઓ ખાસ્સી ચર્ચા જન્મી છે. જોકે ચીનની માગ અમેરિકા ખાતે વધી રહ્યાના સંકેતો મળ્યા છે ત્યારે બીજી તરફ ક્રુડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના સૂત્રોએ કરેલી આગાહી મુજબ ૨૦૨૦ના વર્તમાન વર્ષમાં વૈશ્વિક સ્તરે ક્રુડતેલની માગ ધીમી રહેવાની શક્યતા છે તથા ૨૦૨૧ના આવતા વર્ષમાં પણ આવી માગનું ચિત્ર વિશેષ આશાસ્પદ જણાતું નથી.

ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે વૈશ્વિક સ્તરે ક્રુડતેલની દૈનક માગમાં ૯૦ લાખ ૬૦ હજાર બેરલ્સ જેટલી પીછેહટ જોવા મળશે એવી શક્યતા છે. આ પૂર્વે ઓપેક દ્વારા આવો આંકડો દૈનિક ૮૯ લાખ ૫૦ હજાર બેરલ્સનો અંદાજવામાં આવ્યો હતો તથા હવે આવા માગ ઘટાડાનો અંદાજ વધુ વધારવામાં આવતાં વિશ્વબજારમાં ક્રુડતેલના ખેલાડીઓમાં અજંપો પણ જોવા મળ્યો છે. ૨૦૨૦નો પૂર્વાર્ધ પુરો થઈ ગયો છે ત્યારે હવે ઉત્તરાર્ધમાં પણ ક્રુડની માગમાં પીછેહટ જોવા મળશે એવી ભીતી ઓપેકના ક્રુડ ઉત્પાદક દેશો પોતે જ બતાવી રહ્યા છે.  જેના પગલે વૈશ્વિક સ્તરે આ પ્રશ્ને ખાસ્સી ચકચાર જાગી છે. જોકે ઓપેકના જણાવ્યા મુજબ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧ના આગામી વર્ષમાં ક્રુડતેલની વૈશ્વિક માગ દૈનિક ધોરણે આશરે ૭૦ લાખ બેરલ્સ જેટલી ઉંચી જવાની શક્યતા છે. ઓપેકના દેશોમાં ક્રુડતનું કુલ ઉત્પાદન જોકે જુલાઈમાં ૯ લાખ ૮૦ હજાર બેરલ્સ દૈનિક વધી દૈનિક ધોરણે ૨૩૧.૭૦ લાખ બેરલ્સ થયું છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aR3uiz
via Latest Gujarati News

Post a Comment

0 Comments