રૂની આયાત 16 લાખ ગાંસડી થવાની ધારણા


અનલોકની પ્રક્રિયા દરમિયાન છેલ્લાં બે-ત્રણ   મહિનાઓમાં સીસીઆઈએ લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કરેલી કપાસની આક્રમક ખરીદી અને રૂના વધેલા પ્રેસીંગને કારણે  વર્ષ ૨૦૧૯- ૨૦૨૦માં રૂનું ઓવરઓલ ઉત્પાદન જૂન- ૨૦ના ૩૩૫.૫૦ લાખ ગાંસડી સામે ૧૯ લાખ ગાંસડી વધીને ૩૫૪.૫૦ લાખ ગાંસડી થવાની શક્યતા  કોટન એસો. ઓફ ઈન્ડિયાએ જુલાઈ- ૨૦ના અંદાજમાં વ્યક્ત કરી હતી.

સીએઆઈની ક્રોપ કમિટીએ તૈયાર કરેલા સુધારિત વાર્ષિક અંદાજમાં નોર્થ ઝોનમાં ૩ લાખ ગાંસડી, સેન્ટ્રલ ઝોનમાં ૧૩ લાખ ગાંસડી, સાઉથ ઝોનમાં ૩.૨૫ લાખ ગાંસડીનો વધારો કર્યો છે. જ્યારે ઓરિસ્સાનું ઉત્પાદન ૨૫૦૦૦ ગાંસડી ઘટવાની ધારણા વ્યક્ત કરી છે.

સીએઆઈના સૂત્રોએ  જણાવ્યું હતું કે ૧૯- ૨૦ના કુલ ૩૫૪.૫૦ લાખ ગાંસડીના રૂના ઉત્પાદનમાંથી જુલાઈ- ૨૦ સુધીના દસ મહિનામાં રૂની ૩૪૫.૪૦ લાખ ગાસંડીની આવકો થઈ ગઈ હોવાનો અંદાજ છે તેમાં નોર્થ ઝોનમાં ૬૦.૨૫ લાખ ગાંસડી, સેન્ટ્રલ ઝોનમાં ૧૮૯.૪૦ લાખ ગાંસડી અને સાઉથ ઝોનમાં ૯૧ લાખ ગાંસડીની આવકો થઈ હતી. ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ૪.૭૫  લાખ ગાંસડી આવી હતી.

૨૦૧૯- ૨૦૨૦માં મજૂરોની અછત અને લાંબા સમયના લોકડાઉનને કારણે કામકાજ ખોરવાઈ જતાં, રૂનો સ્થાનિક વપરાશ અગાઉના ૨૮૦ લાખ ગાંસડીના અંદાજથી ૩૦ લાખ ગાંસડી ઘટીને ૨૫૦ લાખ ગાંસડી રહેવાની શક્યતા સીએઆઈએ વ્યક્ત કરી હતી. તેમાં  જુલાઈ- ૨૦ સુધીનો વપરાશ ૨૦૬ લાખ ગાંસડી રહેવા પામ્યો છે.

સીએઆઈએ વર્ષ દરમિયાન રૂની આયાત ગત વર્ષની ૩૨ લાખ ગાંસડી સામે ઘટીને ૧૬ લાખ ગાંસડી અને નિકાસ ૪૨ લાખ ગાંસડી સામે ૮ લાખ ગાંસડી વધીને ૫૦ લાખ ગાંસડી રહેવાની ધારણા મૂકી છે. ઈન્ટરનેશનલ માર્કટમાં ભારતીય રૂના ભાવ નીચા રહેતા આયાતમાં ઘટાડો અને નિકાસમાં વૃધ્ધિ અપેક્ષિત છે. જુલાઈ- ૨૦ સુધીમાં આયાત ૧૫ લાખ ગાંસડી અને નિકાસ ૪૩ લાખ ગાંસડી થઈ છે. સપ્ટેમ્બર- ૨૦ને અંતે પૂરી થતી ૧૯- ૨૦ની સિઝનમાં દેશમાં રૂનો ક્લોઝીંગ સ્ટોક ૧૦૨.૫૦ લાખ ગાંસડી રહેવાની અપેક્ષા છે.

કોરોના લોકડાઉનના છેલ્લાં પાંચેક મહિનાના અંકુશો, નિયંત્રણો, પાબંધીઓને કારણે સ્થાનિક સ્પિનિંગ મિલોની ઠપ્પ થઈ ગયેલી કામગીરી અનલોકની પ્રક્રિયા આરંભાયા બાદ પણ હજી મૂળ સ્થિતિમાં આવી નથી. મિલો અત્યારે માંડ ૭૦થી ૭૫ ટકા ક્ષમતાએ કામ કરી રહી છે. મજૂરોની અછત, નાણાભીડ, મિલો દ્વારા ઉત્પાદિત માલોમાં લેવાલીનો અભાવ, બાકી ઉઘરાણી અને ધાર્યા મુજબના વેપાર થતા ન હોવાથી બધા ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે. એવો વસવસો ઉદ્યોગ લેવલે વ્યક્ત કરાઈ રહ્યો છે.

કોટન એસો ઓફ ઈન્ડિયા (સીએઆઈ)ના સૂત્રોએ કહ્યું હતું કે પ્રતિકુળ સંજોગો અને વિકટ સ્થિતિમાંથી સ્થાનિક મિલોને ઉગારવા અને તેઓને કાચોમાલ- રૂ પોષાણયુક્ત ભાવિ મળી રહે એ માટે સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ને બજારલક્ષી અભિગમ સાથે ડિસ્કાઉન્ટ આધારિત વેચાણ નિતી અપનાવવાનું સુચન કરાયું હતું. તેનું પ્રોત્સાહક પરિણામ જોવા મળ્યું છે. છેલ્લાં વીસેક દિવસમાં સીસીઆઈ ૩૩ લાખ ગાંસડી વેચવામાં સફળ રહી છે. 

સૂત્રોએ કહ્યું હતું સીસીઆઈ ખેડૂતોના હિતમાં કપાસના બજારભાવ, સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)થી નીચા જાય ત્યારે એમએસપી ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરે છે. સિઝન વર્ષ ૨૦૧૯- ૨૦૨૦માં સીસીઆઈ અને મહારાષ્ટ્ર ફેડરેશન પાસે ૧૯- ૨૦ની ખરીદી અને જૂની સિઝનના સ્ટોક સાથે કુલ ૧૩૩ લાખ ગાંસડીનો સ્ટોક હતો તેમાંથી ૩૩ લાખ ગાંસડીનું વેચાણ બાદ કરતા હજી તેઓ પાસે ૧૦૦ લાખ ગાંસડીનો માતબર સ્ટોક છે.

સૂત્રોએ કહ્યું હતું કે સીસીઆઈના તાજેતરના વેચાણનો જથ્થો સ્થાનિક મિલોની ઓક્ટોબર સુધીની ભુખ સંતોષવા કાફી થઈ રહેશે. સીસીઆઈએ જૂનો માલ બોજો હળવો કરવા અને નવાની તૈયારી રૂપે ડિસ્કાઉન્ટ સ્કીમને વધુ આકર્ષક બનાવી વેચાણ વધારવાનું આવશ્યક છે, કારણ કે સપ્ટેમ્બર અંત સુધીમાં નવી સિઝન (૨૦૨૦- ૨૦૨૧)નો નવો ફાલ આવતો થઈ જશે. નવો માલ આવે એટલે જૂના માલો ડિસ્કાઉન્ટમાં બોલાવા લાગે છે. જૂના માલોમાં ક્વોલીટી પણ નબળી પડતી જાય છે. કલર, સ્ટ્રેન્ગ્થ, સ્ટેપલ અને ઓવરઓલ ગુણવત્તા ઢીલી પડે છે. સીસીઆઈએ વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરીને વેચાણ વધારવું જોઈએ.

દરમિયાન, કોટનની બેલેન્સસીટ તૈયાર કરતા રૂ સલાહકાર બોર્ડ (સીએબી)ની કામગીરી આટોપી લેવાઈ હોવાની બજારમાં વ્યાપક ચર્ચાના અનુસંધાનમાં રૂ બજારના જાણકારોના જણાવ્યા મુજબ સરકાર હવે રૂના આંકડાઓની જવાબદારી ક્યા મંત્રાલય ઉપર નાખે છે એ જોવું રહ્યું. સ્થાનિક મિલો દર મહિને રૂ વપરાશના આંકડા સીએબીને પૂરા પાડે છે. ઉપરાંત ઉત્પાદન, આયાત, નિકાસ, પાક પાણીના વરતારો સીસીઆઈ, સીએઆઈ, સીટી જેવી સંસ્થાઓ પણ સીએબી સમક્ષ રજૂ કરતી આવી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31mQHBf
via Latest Gujarati News

Post a Comment

0 Comments