વિકલ્પ શોધવાની દૂનિયાના દેશોની પહેલ ચીનની પડતીનો પ્રારંભ સાબિત થશે


- કોરોનાવાઇરસ સંબંધે ચીનના વિચિત્ર વલણને લીધે હવે તેના પરથી વિશ્વનો વિશ્વાસ ઊઠી ગયો છે

એક જ વ્યક્તિની કમાણી પર ઘર ચાલતું હોય અને એ વ્યક્તિ જ ન રહે તો એ પરિવારની આથક સ્થિતિ કેટલી ખરાબ થઈ જાય એ બાબતની જાણકારી લગભગ બધાને હોય છે. કોરોનાના સમયમાં આવી રીતે કોણ જાણે કેટલાંય કુટુંબોની માઠી દશા થઈ હશે. આવી સ્થિતિ સર્જાય નહીં એ માટેનો રસ્તો છે જીવનવીમો. જો એકલી કમાનાર વ્યક્તિનો પૂરતો જીવનવીમો હોય તો એ રકમમાંથી પરિવારનો ભવિષ્યનો  રોજબરોજનો ખર્ચ ચાલી શકે છે.  લાંબે ગાળે તે  રકમ પણ ખૂટવા લાગે છે. ટૂંકમાં, એટલું જ કહેવાનું કે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર રહેવાથી ચાલતું નથી.

કોરોનાના કાળમાં હવે દુનિયાના બધા જ દેશોને સમજાઈ ગયું છે કે પોતપોતાને આવશ્યક વસ્તુઓ માટે એકલા ચીન પર નિર્ભર રહેવું જોઈએ નહીં. જે રીતે એક પરિવારના મોભીના જીવનવીમાની જરૂર પડે છે એ જ રીતે દરેક દેશના સર્વોચ્ચ સત્તાધીશને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં ક્યાંય અવરોધ આવવો જોઈએ નહીં એવી સ્થિતિની જરૂર પડે છે. 

આવી સ્થિતિ લાવવા માટે અનેક જગ્યાઓએ પહેલ થઈ ચૂકી છે, પરંતુ કોરોનાને પગલે હવે ચીનથી થતા પુરવઠા પરની નિર્ભરતા ઓછી કરવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને પહેલ કરી છે. આ પહેલને સપ્લાય ચેન રીઝિલિયન્સ ઇનિશિયેટિવ (એસસીઆરઆઇ) નામ આપવામાં આવ્યું છે. 

ખરું પૂછો તો સપ્લાય ચેન રીઝિલિયન્સ કોઈ નવી વાત નથી. એક સમયે અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં આવી પહેલ થઈ ચૂકી છે. આ શહેર વૈશ્વિક સપ્લાય ચેનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આયાત-નિકાસનું આ કેન્દ્ર ઘણું અગત્યનું હોવા છતાં તેમાં એક જોખમ છે. લોસ એન્જલસમાં ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવવાનું જોખમ વધારે છે. જો એ કારણસર ત્યાંનાં બંદરો પર કામકાજ બંધ થઈ જાય તો દેશ અને દુનિયાને ઘણી વસ્તુઓ મળતી બંધ થઈ જાય. આથી ત્યાં એસસીઆરઆઇ લાગુ કરવામાં આવી. ખાદ્યપદાર્થો, મેડિકલ ચીજવસ્તુઓ, દવાઓ, પાણી, ઇંધણ વગેરે જેવી કેટલીક વસ્તુઓના પુરવઠા પર અસર થાય નહીં એ  દ્રષ્ટિએ આ પગલું ભરવામાં આવ્યું હતું. 

ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને કરેલી  પહેલ વિશે જણાવવાનું કે તેની શરૂઆત જાપાને કરી છે. તેણે પોતાના વેપાર-ઉદ્યોગ મંત્રાલય મારફતે ભારતનો સંપર્ક સાધ્યો અને પહેલનો પ્રારંભ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કોરોનાના વાઇરસ સંબંધે ચીનના વિચિત્ર વલણને લીધે હવે વિશ્વભરમાં તેના પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે. ઓસ્ટ્રેલિયાએ પણ હવે એસસીઆરઆઇમાં જોડાવાનું નક્કી કર્યું   છે અને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો સંકલ્પ લીધો છે. આ પહેલની ઔપચારિક જાહેરાત અને તેના પર શરૂ કરવાના કામકાજ બાબતે ટૂંક સમયમાં આ ત્રણે દેશો એટલે કે ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના અધિકારીઓની બેઠક થવાની છે. દેખીતી વાત છે કે કોરોનાના સમયમાં આ બેઠક ઓનલાઇન જ થશે. 

ચીને હાલમાં લદાખ ખાતે ભારતની સરહદે ઘૂસણખોરી કરવાનું પગલું લીધું તેથી ભારતે પણ એસસીઆરઆઇ બાબતે ગંભીર થવાનું નક્કી કરી લીધું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જાપાન નવેમ્બર ૨૦૨૦ સુધીમાં આ પહેલનું લોન્ચિંગ કરે એવી સંભાવના છે. 

જાપાને એસસીઆરઆઇની પહેલ કરી તેની પાછળનો એક ઉદ્દેશ ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવકારવાનો છે. બીજો ઉદ્દેશ  સહભાગી દેશો વચ્ચે પરસ્પરનો સહયોગ કરવાનો છે. તેણે આસિઆન (અસોસિયેશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) સમૂહના અન્ય ભાગીદાર દેશોને પણ તેમાં સાંકળવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આસિઆન દેશોમાં   બુ્રનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. અહીં જણાવવું રહ્યું કે ચીનમાંથી હિજરત કરી રહેલી કંપનીઓને વિયેતનામમાં વધુ રસ પડયો છે. 

છેલ્લાં થોડાં વર્ષોમાં ચીને વિશ્વના બીજા દેશોને પાંગળા બનાવી દેવાની હદ સુધી પગપેસારો કર્યો છે. આજે ભારતમાં ચીની ચીજવસ્તુઓ એટલી બધી આવે છે કે તેના વગર આપણું ગાડું કેવી રીતે ચાલશે એવો વિચાર આવે છે. ચીનનો વિકલ્પ ઊભો કરવામાં કે દેશને આત્મનિર્ભર બનાવવામાંહજી ઘણો સમય લાગી જશે, પણ જાપાને કરેલી એસસીઆરઆઇની પહેલ ભારતને ઘણી ઉપયોગી થઈ શકે છે. જાપાન ટેકનોલોજીમાં આગળ હોવાથી ભારત તેના સહકાર દ્વારા ટેકનોલોજિકલ કેન્દ્ર બની શકે છે. આ જ રીતે કૃષિપેદાશો અને ડેરી ઉદ્યોગની બાબતે ઓસ્ટ્રેલિયા સાથે સહકાર સાધી શકાય છે. 

જાપાનમાં વડા પ્રધાન શિન્ઝો આબેએ  બે  અબજ ડોલરનું ભંડોળ સ્થાપ્યું છે, જેની મદદથી જાપાની કંપનીઓ ચીનમાંથી કામકાજ સમેટીને ભારત સહિતના બીજા દેશોમાં જઈ શકે છે. 

ટૂંકમાં, ચીન પ્રત્યેનું દુનિયાના સંખ્યાબંધ દેશોનું વલણ હવે સાવ બદલાઈ ગયું છે. તેના પર કોઈને વિશ્વાસ રહ્યો નથી. તેના પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ એ હવે બધાને સમજાઈ ગયું છે. આગામી દિવસોમાં આત્મનિર્ભરતાનું સૂત્ર બધા દેશોમાં ઓછી-વત્તી માત્રામાં અપનાવવામાં આવશે એ હવે નક્કી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QkQecg
via Latest Gujarati News

Post a Comment

0 Comments