કોરોના છતાં JEE, NEETની પરીક્ષા સપ્ટેમ્બરમાં જ યોજાશે : સુપ્રીમ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2020, સોમવાર

જેઈઈ અને એનઈઈટીની પરીક્ષા સૃથગિત કરવાની માગણી સાથે સુપ્રીમમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટે એ અરજી ફગાવી દીધી હતી અને નિયત સમયે જ સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજવાનો આદેશ કર્યો હતો. 11 રાજ્યોમાંથી પરીક્ષા રદ્ કરવાની માગણી થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના વાલીઓએ પરીક્ષા યોજવાની તરફેણમાં અરજી કરી હતી.

કોરોના મહામારીના ભય હેઠળ વિદ્યાર્થીઓને સંક્રમણ થવાનું જોખમ હોવાથી જેઈઈ અને એનઈઈટીની પરીક્ષાઓ રદ્ કરવાની માગણી સાથે સુપ્રીમમાં 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ અરજી થઈ હતી. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના વાલીઓએ પરીક્ષા લેવાની તરફેણમાં અરજી કરી હતી. સરકાર સહિતના તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમે પરીક્ષા રદ્ કરવાની અરજીને ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે શું કોરોના હોવાથી દેશમાં બધું જ રોકી શકાય? વિદ્યાર્થીઓનું મૂલ્યવાન એક વર્ષ બગડશે એનું શું? પરીક્ષા રોકવાની દલીલમાં વકીલે કહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખતરો વધશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાથી પરીક્ષા લેવાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના વાલી સંગઠનોએ પણ પરીક્ષા યોજવાની તરફેણમાં પક્ષ રજૂ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે નિયત સમયે જ જેઈઈ મેઈન, એનઈઈટી અને જેઈઈ એડવાન્સની પરીક્ષા યોજવાનો આદેશ કર્યો હતો. જેઈઈ મેઈનની પરીક્ષા 1લીથી 6ઠ્ઠી સપ્ટેમ્બરે લેવાશે. એનઈઈટીની પરીક્ષા 13મી સપ્ટેમ્બરે લેવાશે અને જેઈઈ એડવાન્સની પરીક્ષા 27મી સપ્ટેમ્બરે યોજાશે.

દેશભરમાં જેઈઈની પરીક્ષા નવ લાખ વિદ્યાર્થીઓ આપશે. એનઈઈટીની પરીક્ષામાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ બેસશે. ગુજરાતમાં જેઈઈ મેઈનમાં 60 હજારથી વધારે અને એનઈઈટીમાંં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે વખત આ પરીક્ષાઓ પાછળ ઠેલાઈ ચૂકી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DSqAcx
via Latest Gujarati News

Post a Comment

0 Comments