દિવાળી સુધીમાં ચાંદી ઉછળી રૂ. 65 હજાર થવાની શક્યતા


- તહેવારો ટાણે બજારમાં જુના સોનાની આવક ઘટતા હાજર માલની વર્તાતી અછત

વિશ્વબજારમાં સોનાના ભાવમાં ગર્ભીત તેજી ભલે સમાઈ હોય, પણ અઠવાડીયા દરમિયાન સોનાના ભાવમાં ૩૦.૩૦ ડોલર પ્રતિ ઔંસની વધઘટ રોકાણકારોને મુંજવે છે પણ ટુંકા ગાળાની રમત રમનાર વેપારીઓને તથા રોકાણકારોને નફો રળવાની સારી તક સાંપડે છે.

હાલના તબક્કે અમેરીકાની ચૂંટણી અગાઉ સ્ટીમ્યુલ્સની ડીલને કોંગ્રેસ અનુમોદીત આપશે અને ડોલર નરમ થતા સોનાની તેજીને વેગ મળશે. ડોલરનો ઈન્ડેક્સ એક મહિનાની નીચી સપાટી પર ઉતરતા સોનું બીજા દેશોના ચલણમાં ડોલર કરતા સસ્તુ મળશે.

એકંદરે સોનાની માંગ વધતા સોનું ૨૦૨૦ના ડીસેમ્બર સુધીમાં ૨૨૦૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે તેવી ધારણા મૂકાય છે. વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં અઠવાડીયા દરમિયાન ૬૦-૬૫ સેન્ટ પ્રતિ ઔંસની વધઘટ જોવા મળી છે અને ઉંચામાં ચાંદી ૨૫૨૭ સેન્ટ અને નીચામાં ૨૪૬૧ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ જોવા મળે છે.

કોવિડ-૧૯ની આ મહામારીમાં ચીનની ચાંદીની માંગ ચાંદીના ભાવને સુધરવામાં મદદરૂપ બનશે. સોલાર પેનેલ માટે ચાંદીની માંગ ઝડપથી વધશે. પરિણામે ચાંદીની અછત વર્તાય અને ચાંદી ઉછળીને  ૩૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડીને ઉંચા ભાવ દાખવે.

સીલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ચાંદીનો વધી રહ્યો છે અને રોકાણકારો ઈટીએફમાં ચાંદીનું રોકાણ વધારી રહ્યા છે. એકંદરે ચાંદીમાં મંદી નથી અને ધીમી ગતિએ તેજીને અવકાશ છે. સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક સોનાની વધઘટની અસર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

સોનાના ભાવમાં રૂ.૩૦૦ પ્રતિ દસ ગ્રામની નજીવી વધઘટ નોંધાઈ છે. સોનામાં મંદી નહીં રહે તેના કારણોમાં જાણવા મળે છે કે જુના સોનાની આવકમાં વધારો નથી થતો અને માંગ કરતા પૂરવઠો ઓછો રહેતા સોનાની અછત દેખાય છે.

ઉપરાંત આયાતી સોનાની આવક મર્યાદિત બની છે, રીફાઈનરીઓને પુરતા પ્રમાણમાં જુનું સોનું મળતું નથી તથા અમુક રીફાઈનરીઓ ડોરે ગોલ્ડ બાર મંગાવીને રીફાઈનરી ચાલુ રાખે છે. તેમાં શો-રૂમમાં રીટેલ ઘરાકી થોડીક સળવળી છે અને તહેવારોના દિવસોમાં દાગીનાની ઘરાકી નીકળશે તેવી આશા સેવાય છે.

આમ માંગ વધતા સોનામાં મંદી નહીં આવે ત્યારે બજારના અભ્યાસુઓ જણાવે છે કે દરેક દિવાળીએ સોનાના ભાવો ઘટે છે તેથી આ દિવાળીએ ઘરાકી રહે કે નહીં પણ ભાવો ઘટીને એકવાર રૂ.૪૮૦૦૦ પ્રતિ દસ ગ્રામનો ભાવ જોવા મળે. પરંતુ બજારમાં સોનાના પુરવઠાની આવક જોતા સોનાની માગને સંતોષી નહીં શકાય તેવું વાતાવરણ સોનાના ભાવને ઘટવા નહીં દે અને કદાચ સોનું રૂ.૫૩૦૦૦થી રૂ.૫૫૦૦૦ પ્રતિ દસ ગ્રામનો ભાવ ક્વોટ કરે.

શુક્રવારે વાયદાનો ભાવ રૂ.૫૦૯૫૦ પ્રતિ દસ ગ્રામ બોલાતા હતો ત્યારે હાજર સોનું વગર બીલમાં રૂ.૫૨૩૫૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતું હતું. આમ વાયદા કરતાં હાજર સોનું રૂ.૧૪૦૦ પ્રતિ દસ ગ્રામ ઉંચું બોલાતું હતું. સોનાની સીક્કાની માંગ રહેશે તેવી આશાએ મેન્યુફેકચરરો થોડા થોડા સીક્કાઓ સ્ટોક કરી રહ્યા છે. એકંદરે સોનું રૂ.૫૨૦૦૦ અને રૂ.૫૨૮૦૦ પ્રતિ  દસ ગ્રામ વચ્ચે અથડાશે. સ્થાનિક ચાંદીમાં થોડીક ઘરાકી રહેતા તથા વૈશ્વિક મજબૂતાઈના સમાચારે ચાંદી રૂ.૬૨૫૦૦ તથા રૂ.૬૩૭૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાઈ ગઈ છે. શુક્રવારે બપોરે ચાંદીનો વાયદો રૂ.૬૨૯૦૦ પ્રતિ કીલો ક્વોટ થતો હતો ત્યારે વગર બીલમાં હાજર ચાંદી રૂ.૬૩૩૦૦ પ્રતિ કિલો બોલાતો હતો ત્યારે બીલમાં ચાંદી રૂ.૬૨૬૦૦ પ્લસ ૩ ટકા ટેક્સનો ભાવ બોલાતો હતો.

શોરૂમમાં ઘરાકી સળવળી છે અને ટ્રેન ચાલુ થતા ઘરાકો આવશે તેવી વેપારીઓને આશા છે. આયાતી ચાંદીની આવક સાધારણ છે. ચાંદીના વાસણો તથા ગીફટ આર્ટીકલની નિકાસમાં થોડી હલચલ દેખાય છે. દીવાળીમાં ચાંદીના સિક્કાઓ વેચાશે તેવી ગણતરીએ વેપારીઓ પોતપોતાના લોગોના સીક્કાનો સ્ટોક બનાવે છે. એકંદરે ચાંદીમાં મંદી નથી અને દીવાળીમાં ચાંદી રૂ.૬૫૦૦૦ પ્રતિ કિલોનો ભાવ દાખવે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ksAYaY
via Latest Gujarati News

Post a Comment

0 Comments