
- દેશના એકંદર આર્થિક વિકાસ માટે વિદેશી મૂડી રોકાણકારોની મોટી ભૂમિકા રહેલી છે
તાજેતરમાં જ પ્રકાશિત થયેલા આંકડાઓ પ્રમાણે દેશમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ઈન્ફલોસ વર્તમાન વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધી ૩૫.૩૭ અબજ ડોલર રહ્યો હતો. ગયા વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં દેશમાં એફડીઆઈનો આંક ૩૧.૬૦ અબજ ડોલર રહ્યો હતો. ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટમાં ઈક્વિટી, રિઈન્વેસ્ટેડ અર્નિંગ્સ તથા અન્ય કેપિટલ ફલોસનો સમાવેશ થાય છે. પ્રથમ પાંચ મહિનામાં ઈક્વિટી ફલોસનો આંક ૨૭.૧૦ અબજ ડોલર રહ્યો હતો. જે ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૬ ટકા વધુ હતો. દેશમાં આર્થિક વિકાસ માટે એફડીઆઈનો ઈન્ફલોસ મહત્વનો બની રહે છે. એપ્રિલથી જુન ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો, એફડીઆઈ ઈક્વિટી ઈન્ફલોસ વાર્ષિક ધોરણે ૬૦ ટકા ઘટીને ૬.૫૬ અબજ ડોલર રહ્યું હતું. ૨૦૧૯ના જુન ત્રિમાસિકમાં આ આંક ૧૬.૩૩ અબજ ડોલર રહ્યો હતો.
સૌથી વધુ એફડીઆઈ મેળવનારા ક્ષેત્રોમાં સર્વિસીસ, કોમ્પ્યુટર સોફટવેર તથા હાર્ડવેર, ટેલિકમ્યુનિકેશન, ઓટોમોબાઈલનો મુખ્યત્વે સમાવેશ થાય છે. જુન ત્રિમાસિક ગાળામાં એફડીઆઈ ફલોસ ઘટવા પાછળનું કારણ કોરોનાવાઈરસની વિશ્વભરમાં પડેલી અસર જણાવાઈ રહ્યું છે, પરંતુ એફડીઆઈમાં ઘટાડો દેશને અનેક મોરચે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. દેશના માળખાકીય ક્ષેત્રના વિકાસ તથા કેપિટલ એકાઉન્ટ બેલેન્સ વધારવા એફડીઆઈ ઈન્ફલોસ વધે તે જરૂરી છે. એફડીઆઈમાં ઘટાડા માટે કોવિડ-૧૯ ઉપરાંત સરકારની બદલાતી વિદેશ વેપાર નીતિ પણ થોડેઘણે અંશે જવાબદાર રહેલી છે. વર્તમાન વર્ષમાં એફડીઆઈમાં જોવા મળેલા વધારા માટે રિલાયન્સ જુથમાં આવેલા જંગી વિદેશી રોકાણનો પણ સમાવેશ થાય છે.
ચીન સાથેના સરહદી વિવાદ બાદ ભારત સરકારે ચીન સાથે વેપાર ધોરણો સખત બનાવવાના લીધેલા પગલાંને કારણે ચીન ખાતેથી આવતા રોકાણમાં જોરદાર ફટકો પડયો છે હોવાનું જોવા મળી રહ્યું છે. પોતાનો વેપાર ખોરવાઈ જતા ચીન એશિયાના પોતાના પડોશી દેશો નેપાળ, મલેશિયા, શ્રીલંકા, પાકિસ્તાન સાથેના વેપાર તથા રાજદ્વારી સંબંધો વધારવાની વેતરણમાં છે. અને પોતાના એફડીઆઈનો ફલોસ આ દેશો તરફ વાળવા યોજના ધરાવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નેપાળના વર્તમાન નાણાં વર્ષ જે ૧૫ જુલાઈથી શરૂ થયું છે તેના પ્રથમ ત્રિમાસિકમાં નેેપાળે તેના એફડીઆઈની પ્રાપ્ત કરેલી ખાતરીમાંથી ૯૦ ટકા ચીન પાસેથી મેળવી છે. નેપાળે પ્રાપ્ત કરેલી ખાતરીમાંથી કુલ ૯.૫૦ કરોડ ડોલરના એફડીઆઈમાંથી ૮.૮૦ કરોડ ડોલર ચીન પાસેથી મેળવી છે.
બીજી બાજુ ભારત સરકાર દ્વારા લેવાઈ રહેલા પ્રોત્સાહક પગલાં છતાં દેશમાં વર્તમાન વર્ષમાં એફડીઆઈ ફલોસમાં જોરદાર ઘટાડો થવાની ધ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટે તાજેતરમાં જણાવ્યું હતું. કોરોનાને કારણે ઊભી થયેલી ખલેલ તથા આર્થિક મંદીને આ માટે કારણભૂત ગણાવાઈ રહ્યા છે.
કોરોનાની અસરને બાદ કરીએ તો પણ દેશમાં એફડીઆઈના નીચા આંક માટેના અનેક કારણો રહેલા છે જેમાનું એક કારણ સરકારની છાશવારે બદલાતી વિદેશ વેપાર નીતિ પણ રહેલું છે. હજુ નજીકના ભૂતકાળમાં જ ઈ-કોમર્સ માટેની પોલિસીને સખત બનાવવાની હિલચાલનો ભારે વિરોધ થયો હતો. આ વિરોધને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ પોલિસીમાં વિદેશી ઈ-કોમર્સ ખેલાડીઓની ચિંતાને દૂર કરવાના પ્રયાસ કરવા પડયા હતા. ૧૯૯૦ના દાયકાથી જ્યારથી દેશના અર્થતંત્રને ખુલ્લું મૂકી દેવાયું છે ત્યારથી અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં અબજો ડોલરનું એફડીઆઈ કર્યું છે. એમાંય છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ઈ-કોમર્સ ક્ષેત્રે પણ જંગી એફડીઆઈ જોવાયું હતું.
વર્તમાન સરકાર જ્યારે ૨૦૧૪માં સત્તા પર આવી ત્યારે નવી સરકાર પાસે ઘણી અપેક્ષા રાખીને વિદેશી રોકાણકારોએ અગાઉની સરકારના સમયગાળાની સરખામણીએ દેશમાં નોંધપાત્ર રોકાણ પ્રવાહ વધાર્યો હતો. તે સમયે નવી સરકારે આનો શ્રેય પોતે લીધો હતો. હવે જ્યારે પ્રવાહ બદલાયો છે અને આ સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો જેમ કે જીએસટી તથા આઈબીસી જે હાલમાં કોરોનાના કાળમાં બુમરેંગ થઈ રહ્યા છે તેને લઈને ભારત સરકારના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ સામે પ્રશ્ન ઊભો થઈ શકે છે અને આમ થાય તો રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડને પણ ઘટાડી નાખતા વાર નહીં લાગે.
ઈન્વેસ્ટમેન્ટ મથક બનવા માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથોસાથ અન્ય ઈન્ડેકસોમાં પણ ભારતે પોતાનો ક્રમ વધારવો પડશે. વિદેશી રોકાણકારોને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે આકર્ષવા હશે તો કોન્ફીડેન્સ ઈન્ડેકસ ઉપરાંત વિશ્વમાં ગ્લોબલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેકસ, ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેકસ સહિતના ઈન્ડેકસમાં દેશનું સ્થાન આગળ રહે તે જરૂરી છે એ સરકાર સારી પેઠે જાણે છે.
હાલની સરકારે દેશવિદેશના રોકાણકારોને આકર્ષવા માટે આર્થિક સુધારા કર્યા હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને કોરોના પછીના કાળમાં એફડીઆઈમાં વધારો જળવાઈ રહે તે જોવાની સરકારની જવાબદારી બની રહે છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતે ભલે આગળ પડતું સ્થાન મેળવ્યું હોય પરંતુ જ્યાં સુધી દેશમાં એફડીઆઈમાં વધારો જળવાઈ નહી રહે ત્યાંસુધી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા પ્રમાણપત્રો શોભાના ગાંઠીયા જેવા બની રહે છે. કોરોનાની અસરને કારણે બદલાઈ રહેલા વિશ્વ વેપાર સંબંધોનો ભારત કેટલો લાભ ઉઠાવી શકે છે તે તો આવનારો સમય જ કહેશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37IcJlA
via Latest Gujarati News
0 Comments