સોયાબીન બજારમાં દેશ- વિદેશમાં ઝડપી તેજીઃ વૈશ્વિક ભાવ ઉછળી અઢી વર્ષની ટોચે


- ઘરઆંગણે વાયદાબજાર ટૂંકા ગાળામાં નોંધપાત્ર ઉછળતાં સટ્ટાના અતિરેકને અંકુશમાં રાખવા પણ માગ કરાઈ

દે શમાં તાજેતરના વર્ષોમાં સોયાબીનનું ચલણ વધ્યું છે. આ પૂર્વે વિદેશોમાં સોયાબીનનું ઉત્પાદન તથા વપરાશ વિશેષરૂપે જોવા મળતો હતો પરંતુ તાજેતરના વર્ષોમાં ભારતમાં પણ હવે સોયાબીનનું ઉત્પાદન તથા વપરાશમાં વિશેષ વૃધ્ધિ જોવા મળી છે. સોયાબીનમાંથી બનતા સોયાતેલનો વપરાશ પણ વધ્યો છે. ઉપરાંત સોયાબીનનો લોટ તથા સોયાબીનમાંથી બનતી વિવિધ વાનગીઓની માગમાં પણ તાજેતરના વર્ષોમાં ખાસ્સી વૃધ્ધિ જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભારતમાં શરૂઆતમાં સોયાબીનનો પાક ખાસ કરીને મધ્ય પ્રદેશમાં વિશેષરૂપે લેવાતો હતો અને ત્યાર પછીના ગાળામાં મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર તથા રાજસ્થાન ખાતે પણ સોયાબીની ખેતીનો વિસ્તાર તાજેતરના વર્ષોમાં વધ્યો છે.

આ ઉપરાંત તેલંગણા, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત વિ. રાજ્યોના ખેડૂતો પણ આ ગાળામાં વધુ સોયાબીન ઉગાડતા થયા છે. વૈશ્વિક સ્તરે સોયાબીનનો પાક મુખ્યત્વે બ્રાઝીલ, અમેરિકા તથા આર્જેન્ટીનમાં નોંધપાત્ર પ્રમાણમાં થાય છે જ્યારે સોયાબીનનો સૌથી વધુ વપરાશ ચીનમાં થાય છે. આવા સોયાબીનના ભાવમાં તાજેતરમાં ટૂંકા ગાળામાં જોવા મળેલી નોંધપાત્ર તેજીએ ખાસ્સી ચકચાર વિશ્વભરમાં જગાવી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, તાજેતરમાં ટૂંકા ગાળામાં સોયાબીનના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવતાં હાજર તથા વાયદા બજારમાં ખાસ્સી તેજી જોવા મળી છે. બજારનો અમુક વર્ગ આ માટે અમુક અંશે વધુ પડતા સટ્ટાને પણ જવાબદાર ગણી રહ્યો છે. આવા સટ્ટાને કાબુમાં રાખવા પણ રજૂઆતો સપાટીએ આવી છે. સોયાબીન તથા સોયાતેલના ભાવ તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વધી આવ્યા છે. વધતી બજારે ભાવ હજી વધુ ઉંચા જશે એવી ગણતરીના પગલે સોયાબીન ઉગાડતા ખેડૂતો અપેક્ષા કરતાં ઓછો જથ્થો મંડીઓમાં લાવી રહ્યા હોવાના વાવડ પણ તાજેતરમાં વહેતા થયા છે.

ઝડપી તેજીને કાબુમાં રાખવા સોયાબીન તથા સોયાતેલમાં ચાલતા વાયદાના વેપારમાં અંકુશો મુકવા સેબીને રજૂઆત થયાના પણ નિર્દેશો મળ્યા છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસીએશન દ્વારા તાજેતરમાં આ પ્રશ્ને સેબીને રજૂઆત કરાયાના નિર્દેશો મળ્યા છે. વધુ પડતા સટ્ટાકીય વેપારોના કારણે સોયાબીનનું પિલાણ કરતો ઉદ્યોગ વિમાસણમાં મુકાયો છે. એવી રજૂઆત સેબી સમક્ષ કરવામાં આવી છે. કાચોમાલ મેળવવા તથા ફિનિશ્ડ માલ વેંચવાના સંદર્ભમાં આના કારણે વિવિધ સમસ્યાઓ સર્જાઈ રહી હોવાનું એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. વાયદા બજારમાં થતી ઉથલપાથલની બિનજરૂરી અસર હાજર બજાર તથા હાજર ભાવો પર પડતી થઈ છે. એવી ગણતરી વ્યક્ત કરાઈ છે. વાયદામાં માર્જીન વધારવાની પણ માગણી સપાટીએ આવી છે.

જોકે તાજેતરમાં વિશ્વબજારમાં પણ સોયાબીન તથા સોયાતેલના ભાવમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સોયાબીનના વૈશ્વિક ભાવ તાજેતરમાં ઉછળી એકતબક્કે અઢી વર્ષની ટોચે પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકાના કૃષી બજારોમાં તાજેતરમાં સોયાબીન બજારમાં વિશેષરૂપે ચીનની ખરીદી વધ્યાના વાવડ મળ્યા હતા.  આ પૂર્વે અમેરિકાના કૃષી વિભાગે અમેરિકામાં સોયાબીનનો પુરવઠો અપેક્ષાથી ઓછો રહેશે એવો અંદાજ બહાર પાડયો હતો અને તેના પગલે બજારમાં ખાસ્સી તેજી જોવા મળી હતી. જોકે ત્યાર પછી સોયાબીનના વાવેતરમાં પ્રગતીના અહેવાલો બહાર આવતાં સોયાબીનના વૈશ્વિક ભાવ ઉંચા મથાળેથી ગબડયાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, બ્રાઝીલમાં પણ તાજેતરમાં સોયાબીનના ભાવમાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી છે. આના પગલે બ્રાઝીલથી થતી સોયાબીનની નિકાસને પણ અસર પડી છે. આવી પરિસ્થિતિથી ચિંતીત બનેલા બ્રાઝીલના પ્રમુખે આ પ્રશ્ને તાજેતરમાં ત્યાં સોયાબીન ઉગાડતા ખેડૂતો સાથે ચર્ચા વિચારણા પણ કર્યાના નિર્દેશો મળ્યા હતા. બ્રાઝીલના અર્થતંત્રમાં સોયાબીનની નિકાસ મહત્ત્વનું પરીબળ મનાય છે. યુએસમાં તાજેતરમાં સોયાબીનના ભાવ ઉછળી માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચી ટોચે પહોંચ્યા હતા. બ્રાઝીલના નિકાસકારોને આ પૂર્વે એડવાન્સમાં જે નિકાસ સોદાઓ કર્યા હતા તે પેટે માલની ડિલીવરી આપવા માટે બ્રાઝીલના આવા નિકાસકારોએ દરીયાપારથી સોયાબીનની આયાત કરવી પડી હતી એવી ચર્ચા પણ તાજેતરમાં વિશ્વબજારમાં સંભળાઈ હતી.

વિશ્વબજારમાં સોયાબીન તથા સોયાતેલના ભાવ ઉછળતાં તેના પગલે પામતેલના ભાવ પણ ઉંચા જતા જોવા મળ્યા છે. સોયાખોળના વૈશ્વિક ભાવ પણ ઉંચકાયા છે. દરમયિાન, ભારતમાં સોયાબીનનો પાક ૯૩.૦૬ લાખટનથી વધી આશરે ૧૦૪.૫૫ લાખ ટન જેટલો આવવાનો અંદાજ તાજેતરમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. વિશ્વબહજારમાં સોયાતેલ ઉપરાંત પામતેલ તેના સનફલાવર તેલના ભાવ પણ તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર ઉંચકાયા છે. યુક્રેનમાં સનફલાવરના પાક- પુરવઠાનો અંદાજ પણ જોવા મૂકાયો છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jC3fL3
via Latest Gujarati News

Post a Comment

0 Comments