
- નવા વધુ પ્રોટીન ધરાવતા ઘઉંની જાત વિકસાવાઈ જેમાં પ્રોટીનનું પ્રમાણ વધીને ૧૫ ટકા સુધી મળશે એવા વહેતા થયેલા નિર્દેશો
દેશમાં સરકાર દ્વારા ઘઉંની ખરીદી ઉંચી રહી છે. વર્તમાન ૨૦૨૦- ૨૧ના માર્કેટિંગ વર્ષ (એપ્રિલથી માર્ચ)માં જુલાઈમાં આવેલા આંકડાઓ મુજબ સરકાર દ્વારા ઘઉંની ખરીદી વધી આશરે ૩૮૯થી ૩૯૦ લાખ ટનની સપાટીએ પહોંચી જતાં આવી ખરીદીમાં નવો રેકોર્ડ જોવા મળ્યો છે. આ દરમિયાનના ગાળામાં સરકાર દ્વારા પંજાબમાંથી ઘઉંની જેટલી ખરીદી કરવામાં આવી છે તેનાથી વધુ ઘઉંની ખરીદી સરકાર દ્વારા મધ્ય- પ્રદેશ ખાતેથી કરવામાં આવી હોવાના વાવડ આ દરમિયાન મળ્યા હતા. સરકાર દ્વારા આ પૂર્વે ઘઉંની ખરીદીનો અગાઉનો રેકોર્ડ ૩૮૧થી ૩૮૨ લાખ ટનનો ૨૦૧૨- ૧૩ની ઘઉં મોસમમાં નોંધાવ્યો હતો અને આ વર્ષે આ રેકોર્ડ તૂટી જતાં સરકારી ખરીદીએ નવો રેકોર્ડ બનાવ્યો હોવાનું ઘઉં બજારના જાણકારોએ જણાવ્યું હતું.
આ વર્ષે જુલાઈ પછી ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં પણ આવી ખરીદી આગળ ઘટી છે. સરકાર દ્વારા પાછલા વર્ષે ૨૦૧૯- ૨૦માં ઘઉંની ખરીદી આશરે ૩૪૭થી ૩૪૮ લાખ ટન જેટલી કરવામાં આવી હતી. દેશમાં ઘઉંનું માર્કેટિંગ વર્ષ એપ્રિલથી માર્ચ દરમિયાન ગણવામાં આવે છે પરંતુ સામાન્યપણે સરકાર દ્વારા ઘઉંની મોટાભાગની ખરીદી એપ્રિલ, મે તથા જૂન આ ત્રણ મહિના દરમિયાન કરી લેવામાં આવતી હોય છે. આ વર્ષે સરકાર દ્વારા ઘઉંની ખરીદીનો ટારગેટ ૪૦૭ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. ફૂડ કોર્પોરશન ઓફ ઈન્ડિયા તથા અન્ય સરકારી એજન્સીઓ દ્વારા સરકાર વતીથી ઘઉંની ખરીદી કરવામાં આવે છે તથા સરકારે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવોએ આવી ખરીદી કરવામાં આવે છે.
દરમિયાન, જુલાઈ સુધીના આંકડાઓ મુજબ સરકારે મધ્ય- પ્રદેશ ખાતેથી આશરે ૧૨૯થી ૧૩૦ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે જ્યારે પંજાબ ખાતેથી આ ગાળામાં આવી સરકારી ખરીદી આશરે ૧૨૭થી ૧૨૮ લાખ ટન જેટલી નોંધાઈ છે. આમ આ ગાળામાં આ પ્રશ્ને પંજાબને પાછળ રાખીને મધ્ય પ્રદેશ આગળ નિકળી ગયું છે. દરમિયાન, આ ગાળામાં સરકારે હરીયાણા ખાતેથી આશરે ૭૪ લાખ ટન ઘઉં ખરીદ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશ ખાતેથી આ ગાળામાં સરકાર દ્વારા ઘઉંની ખરીદી આશરે ૩૫થી ૩૬ લાખ ટન જેટલી થઈ છે. રાજસ્થાન ખાતેથી આવી ખરીદી આશરે ૨૨થી ૨૩ લાખ ટન જેટલી નોંધાઈ છે.
દરમિયાન, આ ગાળામાં સરકાર પાસે ગોદામોમાં અનાજનો સ્ટોક આશરે ૮૧૨થી ૮૧૩ લાખ ટન જેટલો સિલ્લક નોંધાયો છે. આ પૈકી ઘઉંનો સ્ટોક આશરે ૫૪૫થી ૫૪૬ લાખ ટનનો તથા ચોખાનો સ્ટોક આશરે ૨૬૭થી ૨૬૮ લાખ ટનનો નોંધાયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં ૨૦૧૯- ૨૦ના વર્ષમાં ઘઉંનો પાક આશરે રેકોર્ડ ૧૦૭૧થી ૧૦૭૨ લાખ ટન નોંધાયો છે. જે પાછલા વર્ષે ૧૦૩૬ લાખ ટન જેટલો થયો હતો.
દેશમાં વર્ષો પૂર્વે ઘઉં- ચોખામાં ઘરઆંગણે માગ સામે ઉત્પાદન ઓછું થતું હતું તથા તેના પગલે એ દરમિયાનના વર્ષોમાં દેશમાં જોકે ત્યાર પછીના ગાળામાં વિશેષરૂપે પંજાબ તથા હરીયાણા ખાતે હરીયાળી ક્રાંતિનો દોર શરૂ થતાં ઘરઆંગણે ઘઉં- ચોખાનું ઉત્પાદન વધવા માંડયું હતું અને ત્યાર પછીના ગાળામાં આના પગલે દરીયાપારથી થતી આયાત પરનો આધાર ઘટવા માંડયો હતો તથા એ બાદનો ગાળામાં એવી સ્થિતિ શરૂ થઈ હતી જેમાં દેશમાં આયાત કરવાના બદલે આપણે નિકાસ કરવાની સ્થિતિમાં આવ્યા હતા.
હવે ઘઉંનું વિપુલ ઉત્પાદન થવા માંડતા સરકાર દ્વારા ખરીદી વધારવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે તથા આના પગલે સરકારી ગોદામો ઘઉંના માલ ભરાવાથી છલકાતા પણ જોવા મળી રહ્યા છે. ઘઉંમાં દેશમાં ઉત્પાદન વધવા ઉપરાંત વિવિધ પ્રકાર અને વિવિધ જાતોના ઘઉંનું દેશના કૃષી વૈજ્ઞાાનિકો આ દિશામાં સતત કાર્યશીલ રહ્યા છે. તાજેતરમાં બહાર આવેલા સમાચાર મુજબ વૈજ્ઞાાનિકોએ એવા ઘઉં વિકસાવ્યા છે. જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ રહ્યું છે.
ઘઉં બજારના સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્યપણે ઘઉંમાં મળી આવતા પ્રોટીનનું પ્રમાણ દસ ટકા અથવા તો દસ ટકાથી સહેજ ઓછું રહે છે પરંતુ તાજેતરમાં વૈજ્ઞાાનિકોએ ઘઉંની જે જાત વિકસાવી છે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધી આશરે ૧૫ ટકા સુધીનું જોવા મળશે એવા નિર્દેશો વહેતા થયા છે. આવા ઘઉંનું વિપુલ ઉત્પાદન હાથ ધરાશે તો આગળ ઉપર દેશમાં કુપોષણને લગતી સમસ્યાઓ નિવારી શકાશે એવું જાણકારો જણાવી રહ્યા છે. આ સમાચાર તાજેતરમાં સીએસઆઈઆરની પાલમપુર ખાતેની પ્રયોગશાળા હિમાલય જૈન સંપદા ઔદ્યોગિકી સંસ્થાન આઈએમબીટીમાં કાર્યશીલ વૈજ્ઞાાનિકો દ્વારા આ પ્રકારના ઘઉં વિકસાવવામાં આવ્યાના સમાચાર મળ્યા છે.
મેરઠ ખાતે ચૌધરી ચરણસિંહ વિશ્વ વિદ્યાલય ખાતે આ ઘઉં વિષયક પ્રયોગો તાજેતરમાં કરવામાં આવ્યા હતા જેમાં હવે સફળતા મળી છે. હવે આ પ્રકાપરના ઘઉં ખેડૂતો સુધી પહોંચાડવામાં આવનાર છે. આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ ઘઉંની સામાન્ય જાતોમાં એક નવું જીવ જીપીસી-બી-૧ ઉમેરવામાં આવ્યું છે તથા બ્રીડીંગ પ્રક્રિયા મારફત આ પ્રક્રિયા કરવામાં આવી છે. આના પગલે નવા વિકસીત થયેલા ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ વધુ મળનાર છે. આવા પ્રકારના ઘઉંનું વાવેતર કરવાથી ખેડૂતોની આવક પણ વધવાની શક્યતા ઘઉં બજારના જાણકારો બતાવી રહ્યા છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35BiaQz
via Latest Gujarati News
0 Comments