નાણાંકીય સેવા કંપનીઓને પૂરા પડાતા ધિરાણ પણ જોખમી બનવાના સંકેત...


- કોરોનાના કાળમાં દેશની માઈક્રો ફાઈનાન્સ સંસ્થાઓના કામકાજ પર નિયામકો નજર સખત બનાવે તે જરૂરી

ડી એચએફએલ, આઈએલએન્ડએફએસ, યસ બેન્ક તથા ફ્રેન્કલિન જેવી નાણાંકીય  સેવા  ક્ષેત્રની કંપનીઓના પ્રકરણ દેશના અસંખ્ય બચતકારો-રોકાણકારોના નાણાંનું ધોવાણ કરી નાંખ્યાના અહેવાલો હજુ ભુલાયા નથી ત્યાં ઓરિસ્સાસ્થિત એક મધ્યમ કદની નાણાંકીય સેવા ક્ષેત્રની  કંપની માં ગેરરીતિના આવેલા અહેવાલે દેશની નાણાંકીય વ્યવસ્થામાં સલામતિ સામે ફરી એક વખત પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. જો કે આ કંપનીમાં થયેલી ગેરરીતિની અસર કેટલી છે તે હજુ બહાર આવ્યું નથી. આમછતાં નાણાં ક્ષેત્રમાં નિયામકો કોઈપણ પ્રકારની જવાબદારી છટકી શકે નહીં એ પણ એક હકીકત છે. બેન્કો હોય કે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી) કે માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટયૂશન્સ  અથવા  મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ડસ્ટ્રીઝ સરકારે આ ક્ષેત્રના વહીવટ પર હવે સખત નજર નાખવાનો સમય પાકી ગયો છે. તાજેતરમાં બહાર આવેલી ગેરરીતિમાં પણ અન્ય કૌભાંડોની જેમ વાડ ચીભડાં ગળી ગયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. 

રેટિંગ એજન્સી દ્વારા કંપનીના ઋણ સાધનને જન્ક રેન્ક અપાતા સમગ્ર પ્રકરણ હાલમાં સપાટી પર આવ્યું છે.  આ કંપની એનબીએફસી-માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટયૂશન્સ તરીકે રજિસ્ટર્ડ થયેલ છે. આનો અર્થ એવો થાય કે, આ કંપની રિઝર્વ બેન્કના નિયમન હેઠળ છે.   બેન્કો તથા એનબીએફસી મળીને ૩૪ જેટલી નાણાં સંસ્થાઓએ આ કંપનીને નાણાંનું ધિરાણ કરેલું છે. દેશમાં માઈક્રોફાઈનાન્સ ક્ષેત્રે અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જેમાંની અનેક કંપનીઓની હાલત નાણાંકીય રીતે નબળી હોવાના અહેવાલો છે. આ નબળાઈ પર સમયસર પગલાં નહીં લેવામાં આવે તો કોરોના પછીના કાળમાં સ્થિતિ વણસી શકે છે.  નવા પ્રકરણને એક નાનાકડા પ્રકરણ તરીકે જોવો ન જોઈએ.  કોરોનાના કાળમાં આ પ્રકરણે દેશની નાણાં વ્યવસ્થામાં વહીવટી ધોરણોને સખત બનાવવાની આવશ્યકતા સામે અંગુલીનિર્દેશ કર્યો છે, જેને રિઝર્વ બેન્ક જેવા નિયામકોએ એક ચેતવણી સમાન લેવો રહ્યો. 

દેશમાં નાણાંકીય ક્ષેત્રે પ્રવૃત્ત કંપનીઓ ખાસ કરીને નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ  (એનબીએફસીસ) પ્રત્યેનો રોકાણકારોનો વિશ્વાસ  આમપણ ડગમગી ગયો છે. માત્ર સામાન્ય રોકાણકારો જ નહીં પરંતુ એનબીએફસીસને નાણાં ધીરતી  બેન્કો પણ આમાંથી બાકાત રહી નથી. કોવિડ-૧૯ના ફેલાવા બાદ રિઝર્વ બેન્કે બોરોઅરો માટે જાહેર કરેલી મોરેટોરિઅમની વ્યવસ્થાનો લાભ બેન્કોએ એનબીએફસીસને પૂરો પાડવાનું પ્રારંભમાં ટાળ્યું હતું. મોરેટોરિઅમના અભાવ તથા  લિક્વિડિટીની ખેંચને પરિણામે એનબીએફસીસ પોતાની ઋણ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જશે એમ સત્તાવાળાઓને જણાતા તેમની દરમિયાનગીરી બાદ કેટલીક બેન્કોએ મને-કમને મોરેટોરિઅમનો લાભ પૂરો પાડયો હતો. 

જેમ આઈએલએન્ડએફએસમાં ફન્ડ હાઉસોની મોટી માત્રામાં રકમ અટવાઈ હતી, તેમ દેશમાં કાર્યરત માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટિટયૂશન્સમાં દેશની કમર્સિઅલ બેન્કોના જંગી નાણાં ઠલવાયેલા છે. કોવિડ-૧૯ને કારણે ઊભી થયેલી દેશની હાલની ડામાડોળ નાણાં સ્થિતિને વેળાસર હાથ નહીં ધરાય તો ૨૦૦૮માં વિશ્વમાં જોવા મળેલી નાણાંકીય કટોકટી જેવી કટોકટી ભારતમાં જોવા મળતા વાર નહીં લાગે એમાં બેમત નથી.  દેશમાં ધિરાણ મોરચે બેન્કોની મર્યાદા તથા ઊંડી  બોન્ડ માર્કેટની ગેરહાજરીથી ઊભી થતી એસેટ-લાયાબિલિટીની ગેરહાજરીને પૂરવા  માઈક્રોફાઈનાન્સ કંપનીઓ  ટૂંકા ગાળાનું બોરોઈંગ કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રને લાંબા ગાળા માટે ધિરાણ પૂરા પાડે છે. 

કોરોનાવાઈરસને કારણે  આવી પડેલી મંદીથી  વિવિધ ક્ષેત્રને અપાયેલી લોન્સ  અટકી પડતાં માઈક્રો ફાઈનાન્સ  કંપનીઓ  માટે રોલિંગ અટકી પડવાની સ્થિતિ ઊભી થઈ છે. નવા નાણાં ઊભા કરવાનું મુશકેલ બની ગયું છે.  છેલ્લા અનેક વર્ષોથી  એનબીએફસી - માઈક્રો ફાઈનાન્સ  ઈન્સ્ટિટયૂશન્સ દેશની ધિરાણ બજારમાં બેન્કોના એક ં વિકલ્પ રહી છે. જો કે  તંદૂરસ્ત  બેલેન્સ શીટસ સાથેની એનબીએફસી આજે પણ નાણાં ઊભા કરી શકે છે પરંતુ નીચા રેટિંગ સાથેની અને વેપાર મેળવવા વધુ પડતા જોખમ ઉઠાવી હાલમાં અટવાઈ પડેલી એનબીએફસી માટે દેશમાંથી નાણાં  ઊભા કરવાનું  મુશકેલ બની ગયું છે.   

 કોરોનાવાઈરસના ફેલાવા વચ્ચે સરકારે  તથા રિઝર્વ બેન્કે દેશની નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવાના પ્રયાસો હાથ ધર્યા છે ખરા, પરંતુ જંગી નાણાંનું ધિરાણ કરી ચૂકેલી બેન્કો તથા નાણાં સંસ્થાઓના નાણાં કેટલા સલામત છે તે તો  આવનારા સમયમાં જ  જાણી શકાશે.  દેશના એનબીએફસી ક્ષેત્રમાં  સ્થિતિ આજે એટલી બધી ધૂંધળી  બની ગઈ છે કે  ટૂંકા ગાળાના સમયાંતરે આ ક્ષેત્રની કોઈને કોઈ કંપની માટે અવનવી અફવાઓ ફેલાતી રહે છે.  નાણાં અટવાઈ પડવાની ચિંતાને કારણે નાના-મોટા રોકાણકારો એનબીએફસીમાં રોકાણ કરવાથી દૂર થવા લાગ્યા છે. લિક્વિડિટીની કટોકટી ધીરે ધીરે નાદારીની કટોકટી તરફ આગળ વધતા વાર નથી લાગતી. સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા નાની ફાઈનાન્સ કંપનીઓની મેનેજમેન્ટ પર સખત નજર રાખી તેમાં રહેલા ધિરાણદારો તથા અન્ય રોકાણકારોના પૈસાને સલામત બનાવી લેવાની નિયામકોની જવાબદારી રહેલ ી છે. 

એનપીએની તાણમાંથી બેન્કોને બહાર કાઢવા દેશમાં અમલી બનેલા ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડનો હાલમાં ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. આવી સ્થિતિમાં કોવિડ-૧૯ પછીના સમયમાં એનબીએફસી, માઈક્રોફાઈનાન્સ  ઈન્સ્ટીટયૂશન્સ,  મ્યુચ્યુઅલ ફન્ડસ તથા બેન્કો સહિતની નાણાં સંસ્થાઓની સમશ્યા વધુ ઘેરી ન બની જાય તે જોવાની સરકારની જવાબદારી બની રહે છે. કોરોનાને કારણે કંપનીઓની ડીફોલ્ટ જવાની શકયતા વધી ગઈ છે, ત્યારે નાણાં સંસ્થાઓની મજબૂતાઈ જળવાય રહે તે આવશ્યક છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kve4zI
via Latest Gujarati News

Post a Comment

0 Comments