
- પર્સનલ કેર પ્રોડક્ટસના ઓનલાઈન ઓર્ડરમાં 100 અને હેલ્થ-ફાર્મામાં 75 ટકાનો વધારો
કો રોના મહામારી અને લોકડાઉનના અમલનાં પગલે સમગ્ર વિશ્વમાં લોકોની રહેણી-કરણી, જીવનધોરણમાં મોટાપાયે બદલાવ જોવા મળ્યો છે. વિશ્વભરમાં સંક્રમણમાં થયેલા વધારાના કારણે વિવિધ દેશો દ્વારા અનલોકના તબક્કા દરમિયાન અઢળક નીતિનિયમો તેમજ દરમિયાન અઢળક નીતિનિયમો તેમજ ગાઇડલાઈન્સ અમલી બનાવાયેલ છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે વિશ્વભરમાં ઓનલાઈન ખરીદીના કલ્ચરમાં વધારો થયો છે. તાજેતરમાં હાથ ધરાયેલ એક અભ્યાસના તારણ મુજબ વિતેલા સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન મોટા શહેરોમાં તો ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ હોટફેવરીટ છે જ. પરંતુ હવે નાના શહેરો એટલે કે ટીયર થ્રી સીટી અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે. અભ્યાસના ડેટા મુજબ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ઓનલાઈન ખરીદીમાં ૯૦ ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.
જો કે જૂન માસથી શરૂ થયેલ અનલોકના વિવિધ તબક્કામાં સરકાર દ્વારા અપાયેલ સંખ્યાબંધ છૂટછાટોના પગલે આર્થિક પ્રવૃત્તિઓએ ધીમે ધીમે વેગ પકડતા લોકોની આવક પર પણ સાનુકૂળ અસર થતા લોકોની ખરીદશક્તિમાં પુનઃ વધારો થયો હતો.
મહામારીના પગલે સરકાર દ્વારા અમલી બનાવાયેલ નીતિનિયમો તેમજ ગાઇડલાઈન્સના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા ઓનલાઈન ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. દેશના મોટા શહેરોમાં તો છેલ્લા એક દાયકાથી ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ અમલી બનેલ છે. તેમાંય છેલ્લા પાંચ વર્ષમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા વિવિધ તહેવારો સમયે રજૂ કરાતી આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરોનો લોકો મોટાપાયે લાભ ઉઠાવતા હતા. મહામારીના સમયમાં પણ શહેરી વિસ્તારના લોકો દ્વારા તમામ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદવા મોટાભાગે ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ અપનાવ્યો હોવાનું જોવા મળ્યું હતું.
જૂન માસ પછી અનલોકના વિવિધ તબક્કા દરમિયાન મોટા શહેરોની સાથોસાથ નાના નાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થતા આ વિસ્તારોમાં પણ આ અંગેના નીતિનિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાયો હતો. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના પગલે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો પણ ઓનલાઈન શોપિંગ તરફ વળતા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી થતી ઓનલાઈન ખરીદીમાં ૯૦ ટકા જેટલો તોતિંગ નોંધપાત્ર વધારો થયો હતો.
ઉપલબ્ધ ડેટા મુજબ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઇ-કોમર્સ ક્ષેત્રે ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યુમાં (જીએમવી) વાર્ષિક ધોરણે ૨૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ક્ષેત્રમાં એવરેજ ઓર્ડર વેલ્યુ પાંચ ટકા જેટલી નીચી હોવા છતાં વોલ્યુમ ગ્રોથમાં ૩૧ ટકા જેટલી વૃધ્ધિ નોંધાઈ હતી. ઓવરઓલ ટીયર થ્રી અને ગ્રામ્ય વિસ્તારમાંથી થતા કામકાજમાં ૯૦ ટકાની વૃધ્ધિ જોવાઈ હતી.
આ સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રમાં ઓનલાઈન ખરીદીના ઓર્ડર થયા હતા. જે પૈકી પર્સનલ કેર પ્રોડક્ટસના ઓર્ડરમાં ૧૦૦ ટકાની વૃધ્ધિ નોંધાઈ હતી. આ વિસ્તારોના બજારોમાં આ ક્ષેત્રની ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ ન હોવાના કારણે આ ક્ષેત્રમાં ઓનલાઈન ખરીદીમાં મોટાપાયે ધસારો જોવા મળ્યો હતો. પર્સનલ કેર પ્રોડક્ટ બાદ હેલ્થ અને ફાર્મા સંબંધિત વસ્તુઓની ખરીદીના ઓર્ડરમાં ૭૫ ટકાનો સૂચક વધારો નોંધાયો હતો. જો કે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફેશનનું પ્રમાણ શહેરો કરતાં નીચું હોવાના પરિબળને જોતા ફેશન અને તેને સંબંધિત ચીજવસ્તુઓના ઓર્ડરમાં ૩૦ ટકાનો જ વધારો નોંધાયો હતો.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HpUu9P
via Latest Gujarati News
0 Comments