GST : રાજ્યો અને કેન્દ્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલાશે ખરી ?


- જીએસટીના અમલની સાથે જ છેલ્લા ચાર વર્ષથી અર્થતંત્રની વૃધ્ધિ રૂંધાતા તેમજ કોરોનાના કારણે તેની વસુલાત મુદ્દે અનેક અવરોધ

૧ જુલાઈ ૨૦૧૭થી દેશમાં જીએસટીનો (ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ) અમલ કરાયો ત્યારે સરકાર સૌ સારા વાના થશે તેવા ગાણા ગાતી હતી. આ ટેક્સ માળખાના અમલ બાદ વેપારીઓને કોઇ તકલીફ પડશે નહીં. બધું જ કામકાજ સંપૂર્ણ સરળ બની જશે તેમ કહેવાયું હતું. બીજી તરફ રાજ્યોને પણ જીએસટીના અમલ બાદ તેમની વેરાની આવકમાં જે તુટ પડશે તે તૂટ પાંચ વર્ષ સુધી કેન્દ્ર સરકાર ભરપાઈ કરશે. પરંતુ આજે વાસ્તવિક્તા એ છે કે આ બેઉ મોરચે સરકાર નિષ્ફળ ગઇ છે. જીએસટીના અમલ બાદ વેપારીઓની તકલીફો આજદિન સુધી યથાવત જ છે. તો બીજી તરફ રાજ્યોને પણ વેરાની વસુલાતમાં પડેલી તૂટ ભરપાઈ કરવાના મુદ્દે પણ વિવાદ સભર પ્રતિકૂળ માહોલ ઉદ્ભવ્યો છે.

જીએસટીના અમલ વેળા એવું કહેવાતું હતું કે દર વર્ષે જીએસટી થકી વેરાની આવકમાં ૧૪ ટકાના દરે વૃધ્ધિ જોવાશે. પરંતુ, કઠણાઈ એ છે કે દેશમાં જીએસટીના અમલની શરૂઆત થઇ ત્યારથી વિવિધ પ્રતિકૂળ પરિબળોના પગલે અર્થતંત્રની વૃધ્ધિ રૂંધાઈ છે. જેની જીએસટી કલેકશન પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આટલું ઓછું હોય તેમ ચાલુ વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઈ જતા જીએસટીની વસુલાતને જબરજસ્ત ફટકો પડયો છે.

ઉદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે રાજ્યોની વેરાની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો (તૂટ) થયો છે. ઉપલબ્ધ ડેટા મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો સરકારોને જીએસટીની તુટ પેટે અંદાજે રૂ. ૨.૩૫ લાખ કરોડ ચૂકવવાના છે. પરંતુ અર્થતંત્રની નબળાઈ અને કોરોનાના કારણે પડેલા જબરજસ્ત આર્થિક ફટકાના કારણે કેન્દ્ર આ રકમ ચૂકવવા શક્તિમાન નથી. આ પ્રતિકૂળતા દૂર કરવા સરકારે રાજ્યોને આ રકમ માટે ઉધાર લેવા જણાવ્યું છે. પરંતુ, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ઉધારની રકમ પર વ્યાજ કોણ ચૂકવશે ? જીએસટીના અમલ પહેલા દરેક રાજ્યો પોતપોતાની રીતે ટેક્સ વસુલતા હતા. તેઓ તેમની જરૂરીયાત મુજબ સેલ્સ ટેક્સના દરમાં વધારો-ઘટાડો કરી શક્તા હતા. પરંતુ, જીએસટીના અમલ બાદ તેઓ હવે આવો કોઇપણ વધારો ઘટાડો કરી શક્તા નથી. આમ, એક તરફ રાજ્ય સરકારોની જીએસટીની વસુલાતમાં તુટ પડી રહી છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી પણ તે પેટે રકમ મળી નથી. મહત્ત્વની બાબત એ છે કે પાંચ વર્ષ પછી કેન્દ્ર સરકાર આ રકમ આપવાની બંધ કરશે તે પછી તો વેરાની આવકના મોરચે રાજ્ય સરકારોની મુશ્કેલીમાં વધારો થશે. રાજ્યોની આવક ઘટશે અને ખર્ચામાં વધારો થશે જેના કારણે ભારે પ્રતિકૂળ માહોલ ઊભો થશે.

આ પ્રતિકૂળતાના ઉકેલ માટે એટલે કે આ મડાગાંઠને દૂર કરવા રાજ્યોને જીએસટીના દરમાં ફેરફાર કરવાની સત્તા આપવા માટે વિચારણા કરવી જોઇએ. વિશ્વના કેટલાક દેશોમાં આ પ્રકારની સિસ્ટમ અમલી છે જ. જેમ કે, કેનેડામાં ત્રણ પ્રકારે સેલ્સ ટેક્સ વસુલાય છે. આ ત્રણ પ્રકારમાં કેન્દ્રીય, રાજ્ય અને સંયુક્ત રીતનો સમાવેશ થાય છે. આમ, ત્રણ રીતે ટેક્સ વસુલાતો હોવા છતાં ત્યાં તમામ પ્રકારના બિઝનેસ સરળતાથી થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે કેનેડામાં તો આવકવેરાની વસુલાતમાં પણ રાજ્યોને સ્વતંત્રતા આપવામાં આવી છે. આમ, વેરા થકીની આવકમાં સરળતાનો પ્રવાહ જળવાઈ રહે તે માટે ભારતમાં પણ આ પ્રકારના માળખાની વિચારણા કરવી જોઇએ.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TqsuVK
via Latest Gujarati News

Post a Comment

0 Comments