- અર્થકારણમાં જે અસમાનતા છે તે કુદરતી વ્યવસ્થાનો જ ભાગ છે અને તેને ઓછી કરવા રાજ્યે હસ્તક્ષેપ કરવો નહીં
(ગતાંકથી ચાલુ)
૧૯૧૪થી ૧૯૪૫ના સમગ્ર ગાળામાં જગતનું વૈશ્વિકીકરણ અટકી ગયું. ભારત માટે પણ ૧૮૭૦થી ૧૯૧૪ સુધીનો વૈશ્વિકીકરણનો ગાળો ભારતમાં ઉદ્યોગોની સ્થાપનાની દ્રષ્ટિએ સુવર્ણયુગ સાબિત થયો.
ઈ.સ. ૧૯૮૦ પછીનો ગાળો પણ વૈશ્વિકીકરણનો સુવર્ણ યુગ નંબર ૨ ગણાય છે પરંતુ ૨૦૧૭માં અને તે પછીના વર્ષોમાં ટ્રમ્પની અતિરાષ્ટ્રવાદ, અમેરિકા ફર્સ્ટની નીતિને કારણે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થઇ અને કોવિદે તો વૈશ્વિકીકરણની અત્યારે કેડ જ ભાગી નાખી છે.
ડીગ્લોબલાઇઝેશન :
ઈ.સ. ૨૦૦૭માં જગતના તમામ દેશોની નિકાસ જગતની કુલ આવકના ૨૮ ટકા હતી. ઈ.સ. ૨૦૧૭માં તે ઘટીને ૨૨.૫ ટકા થઇ ગઇ. ઈ.સ. ૨૦૧૭માં વર્લ્ડ ઈન્કમ ૩.૧ ટકા વધી પરંતુ જગતનો માલસામાનનો વેપાર ૪.૭ ટકા વધ્યો જે વૈશ્વિકીકરણમાં વધારો સુચવે છે. ઈ.સ. ૨૦૧૮માં વર્લ્ડ ઈન્કમ ૨.૯ ટકા વધી અને વર્લ્ડ ટ્રેડ પણ ૨.૯ ટકા વધ્યો જે વૈશ્વિકીકરણની સ્થગિતતા સૂચવે છે. ૨૦૧૯માં વર્લ્ડ ઈન્કમ ૨.૩ ટકા વધી પરંતુ વર્લ્ડ મર્ચન્ડાઇઝ (માલસામાનનો) ટ્રેડ વધ્યો તો નહીં જ પરંતુ .૧ ટકા ઘટી ગયો જે જગતમાં વૈશ્વિકીકરણ ઘટયું તેમ દર્શાવે છે. હજી ૨૦૨૦નું વર્ષ પૂરું થયું નથી પરંતુ એક આશાવાદી અંદાજ પ્રમાણે ૨૦૨૦માં જગતની આવક ૧૨.૯ ટકા ઘટી જશે અને નિરાશાવાદી અંદાજ પ્રમાણે તે ૩૧.૯ ટકા ઘટી જશે જે જગતનું ડીગ્લોબલાઇઝેશન દર્શાવે છે.
જમણેરી જગત :
જગત સર્વત્ર જમણેરી દિશામાં આગળ વધી રહ્યું છે. જમણેરી આર્થિક અને રાજકીય નીતિઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ હોઇ શકે.
૧) રાષ્ટ્રવાદનો અતિરેક ઃ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિ અખત્યાર કરીને રાષ્ટ્રવાદી કોચલામાં ભરાઇ ગયું છે. ભારતમાં મોદી આત્મનિર્ભરતાની વાતો કરે છે તે સ્વનિર્ભરતા અને સ્વાવલંબનની નીતિથી જુદી લાગતી નથી.
૨) ધર્મનું આધિપત્ય ઃ અતિરાષ્ટ્રવાદીઓ સમાજ જીવનમાં ધર્મને કેન્દ્ર સ્થાને રાખે છે, ધાર્મિક લાગણીઓને ઉશ્કેરે છે, રાજકારણમાં ધર્મના સીમ્બોલ્સ (જેમ કે ભારતમાં ત્રિશૂળ, ગાય, હનુમાન, જયશ્રીરામ, જય સિયારામ) ઊભા કરે છે જ્યારે પશ્ચિમ જગતમાં એથ્નીક રેસીઝમ ચાલે છે. ભારતમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ શ્રેષ્ઠ છે તેવું માનવા અને મનાવવા પ્રયત્નો થઇ રહ્યા છે.
૩) ઈમીગ્રન્ટ્સ લોકો સામે અમેરિકા અને યુરોપમાં સખત અણગમો જોવા મળે છે. આના 'સરદાર' ટ્રમ્પ છે જેમણે મેકસીકો સામે મોટી દીવાલ ઊભી કરી છે અને કરી રહ્યા છે.
૪) રાજ્ય પર મૂડીવાદીઓ, વ્યાપારીઓ અને અન્ય રીતે ધનિક થયેલા લોકોની હેજીમોની (પ્રભુત્વ), રાજકારણ અને અર્થકારણમાં તેમની જબરજસ્ત લોબીઝને કારણે કાયદાઓ પણ તેમને ફાયદાઓ થાય તેમ બને છે અથવા કાયદાનું અર્થઘટન તેમના પક્ષે કરવામાં આવે છે.
૫) પોતાનું રાષ્ટ્ર સૌથી મહાન, સૌથી શક્તિશાળી અને સૌથી સાચું છે તેવી માન્યતાને કારણે પાડોશી દેશ વચ્ચે સંઘર્ષ થાય છે. રાષ્ટ્ર માટેનો આંધળો પ્રેમ પ્રિયંકા કલ્પિતની એક કાવ્ય પંક્તિ સારી રીતે રજૂ કરે છે ''મૃગજળના ઝાંઝર પહેરી હું રણમાં ઊભી''.
૬) અર્થકારણમાં જે અસમાનતા છે તે કુદરતી વ્યવસ્થા (નેચરલ ઓર્ડર)નો જ ભાગ છે અને તેને ઓછી કરવા રાજ્યે અર્થકારણમાં હસ્તક્ષેપ કરવો નહીં. ડાર્વીનના સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટના નિયમ મુજબ જે હોશિયાર અને મહેનતુ હશે તે જ આગળ આવશે. મહેનતુ અને ઓછો આઇ.ક્યુ. ધરાવનારા ગરીબ રહેશે. આ 'નેચરલ જસ્ટીસ' છે.
યાદ રાખો કે કેપીટાલીઝમ અને નેશનાલીઝમના મીશ્રણનું અત્યંતિક (એક્સ્ટ્રીમ) સ્વરૂપ આ નાઝીવાદ - ફાંસીવાદ છે. સામ્યવાદનું આત્યંતિક સ્વરૂપ નક્ષલવાદ અથવા સ્ટાલીનવાદ છે અને રાજકારણમાં ધર્મનું આત્યંતિક સ્વરૂપ તાલીબાનીઝમ કે ઈસ્લામીક ફન્ડામેન્ટલીઝમ અને હોમીનીવાદ છે.
૭) ડાબેરીઓ, લેફ્ટીસ્ટો, લેફ્ટ ઓફ ધ સેંટર લોકો, ગરીબો અને વંચિતો માટે ચળવળ ચલાવનારાઓ, ટ્રેડ યુનિયનીસ્ટો, વગેરે માટે ભદ્ર સમાજનો અને જમણેરીઓનો પ્રગટ કે છૂપો અણગમો ધિક્કારનું રૂપ લે છે.
૮) પોતાના રાષ્ટ્રમાં જગતના સૌથી ભવ્ય ભૂતકાળની વાતોમાં વિશ્વાસ તે અતિરાષ્ટ્રવાદનું લક્ષણ છે. આ પ્રકારના રોમાન્ટીક નોસ્ટેલજીમાં વાસ્તવિકતા ઓછી અને કલ્પના વધુ હોય છે. રોમાન્ટીક ભૂતકાળ જો સજીવ કરનારી ઈચ્છા ભારતમાં (રીલીજીઅસ રીવાઇવલીઝમ) તે એક ભ્રમણા છે. તે આપણને રીઆલીટીથી દૂર લઇ જાય છે. (સંપૂર્ણ)
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GoMQvS
via Latest Gujarati News
0 Comments