૩૧મી ઑક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એક્તા દિવસ તરીકે ઉજવાય છે. સરદાર પટેલને દેશી રજવાડાઓના એકીકરણ (Integration of Princely States) અને લોખંડી પુરૂષ તરીકે (Iron man of India) ઓળખવામાં આવે છે. આ તો તેમના ગુણો અને કાર્યોને કારણે વિશિષ્ઠ પ્રદાન છે. પરંતુ તે સિવાય ઘણી એવી બાબતો છે કે, જેમ ગાંધીજીએ જણાવેલ કે મારા આદર્શોને (Ideals) હું, જો સરદાર ન હોત તો પરિપૂર્ણ ન કરી શકત. આમ સરદાર સાહેબ માટે એવું કહી શકાય કે What he preached, he practised and put into action.
આવુ સંમિશ્રણ ઓછી વ્યક્તિઓ પાસે હોય છે. જેથી સરદારની આગવી ઓળખ છે. સરદાર સાહેબે તેમના જાહેર જીવનની કારકીર્દી અમદાવાદ મ્યુનિસિપાલીટીથી શરૂ કરેલ અને આજના કોરોના કાળમાં સ્મરણ કરીએ તો અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળેલો ત્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલીટીના સેનીટેશન કમિટીના અધ્યક્ષ હતા અને તેઓએ જાતે સફાઈ, સ્વચ્છતા, જાહેર આરોગ્યની જે કામગીરી કરી તે આજના ચુંટાયેલ કાઉન્સીલર અને કમિશનર માટે અનુકરણીય છે.
તેઓ જાતે સ્થળે મુલાકાત લેતા અને રાત દિવસ જોયા વગર કામગીરી કરેલ અને તેના કારણે બ્રિટીશ કમિશનરે તેમજ મુંબઈના ગવર્નરે પણ તેની નોંધ લીધેલ, તે જ રીતે મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે અમદાવાદના રીલીફ રોડ ઉપરના દબાણો દૂર કરાવી રોડ ખુલ્લો કરાવેલ અને તેઓના સમયગાળામાં વી.એસ. હૉસ્પિટલ શરૂ કરાવેલ અને એલિસબ્રીજ એરીયામાં તે સમયે ટાઉન પ્લાનીંગ જેવી સ્કીમનું આયોજન કરેલ, સરદાર સાહેબના અંગ્રેજ કમિશનર સામેના વિરોધને કારણે શહેરની પ્રાથમિક શાળાઓની ગ્રાન્ટ બંધ કરાવેલ, જે સરદાર સાહેબે ફાળો એકત્ર કરીને શહેરની પ્રાથમિક શાળાઓ ચાલુ રાખેલ હતી. જ્યારે અમદાવાદની શહેર નાગરિક સમિતિએ જ્યારે તેમનું સન્માન કરેલ ત્યારે જણાવેલ કે મને અમદાવાદ નગરપાલિકામાં જે કામગીરીનો સંતોષ મળ્યો છે.
જે દેશના નાયબ વડાપ્રધાન કરતાં વિશેષ છે અને એ પણ ઉલ્લેખ કરેલ કે, I Could remove dirt from City but could not remove dirt of politics. આમ પ્રવર્તમાન સમયમાં શહેરની મહાનગરપાલિકા / નગરપાલિકાના પ્રશ્નો અંગે નાગરિકોને જે યાતનાઓ ભોગવવી પડે છે તે અંગે નગરસેવકો અને વહીવટદારો માટે સરદાર સાહેબની અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકેનો ૧૯૨૪ થી ૧૯૨૮ સમયગાળાની કામગીરી શ્રેષ્ઠ અને અનુકરણીય છે.
સરદાર પટેલના નેતૃત્વમાં ૧૯૧૮નો ખેડા સત્યાગ્રહ અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ જેમાં અંગ્રેજો સામેની લડત અને સત્યાગ્રહના નેતૃત્વના ગુણોના દર્શન થાય છે. કેમ કે આજકાલના આંદોલન, દેખાવો, ધરણાંના સ્વરૂપની સરખામણી કરીએ તો તે સમયે ગાંધીજીએ જેમ ચંપારણ સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં ખેડૂતોને જે અન્યાય થતો હતો તેની પ્રત્યક્ષ ખાત્રી અને ખેડૂતોના નિવેદનો ‘Testamentary Evidence' પુરાવા તરીકે ૨૫૦૦ ખેડૂતોના નિવેદનો લીધેલ જેને કારણે અંગ્રેજોની સામે સત્યાગ્રહની સફળતા હતી, તે જ સિધ્ધાંતોને અનુસરીને બારડોલી સત્યાગ્રહમાં ગાંધીજીનું માર્ગદર્શન હતું. પરંતુ નેતૃત્વ સરદાર સાહેબે સંભાળેલ અને તે પણ કોઈપણ પ્રકારના હિંસાના આચરણ સિવાય મક્કમતાથી અંગ્રેજો સામે ખેડૂતોનો પ્રતિકાર અને તે નેતૃત્વના ગુણોને કારણે મક્કમતાથી અંગ્રેજો સામે જીત મેળવી અને બારડોલીના સત્યાગ્રહ બાદ સરદાર વલ્લભભાઈને 'સરદાર'નું બિરૂદ આપવામાં આવ્યું.
શાસનના ક્ષેત્રે જોઈએ તો હાલની આઈએએસ / આઈપીએસ સિવીલ સર્વીસ શરૂ કરવાનું શ્રેય સરદાર પટેલને જાય છે. (Creator of Civil Service of IAS / IPS) આમ જનતામાં આ ખબર હશે નહી, કારણ કે બ્રિટીશ શાસન વ્યવસ્થામાં તેને આઈસીએસ તરીકે સનદી સેવાના અધિકારીઓ ઓળખાતા ૧૯૪૬માં જ્યારે વચગાળાની સરકાર interim Govt. રચાઈ ત્યારે અંગ્રેજોએ નિર્ણય લીધો કે આઈસીએસ અધિકારીઓને બ્રિટનમાં પરત બોલાવી લેવા, તે સમયે બહુ ઓછા અધિકારીઓએ ભારતમાં રહેવાની પસંદગી આપી. સરદાર પટેલે કુનેહ વાપરી, તેઓએ દીર્ધદ્રષ્ટિ વાપરી હતી કે Committed Civil Service સિવાય આટલા મોટા દેશનું સંચાલન અશક્ય છે અને અંગ્રેજો વિદેશમાં રહી આઈસીએસ અધિકારીઓના માધ્યમથી દેશ ચલાવતા હતા. જેથી સરદાર સાહેબે જે તે સમયના મુખ્યમંત્રીઓનો વિરોધ હતો તેમ છતાં સમજાવીને All India Character ધરાવતી સિવીલ સવસ આઈએએસ / આઈપીએસ શરૂ કરી, એટલે તેઓ સનદી સેવાના સર્જનહાર તરીકે ઓળખાય છે અને આઈએએસની પ્રથમ બેચને ૧૯૪૮માં જે સરદાર પટેલે સંબોધીને ઉપદેશ આપ્યો તે અવિસ્મરણીય છે. દેશના સૌ સનદી અધિકારીઓએ તેઓએ જે વિભાવના વ્યક્ત કરેલ તે મુજબ દેશ સેવા નિષ્ઠાપૂર્વક બજાવવાની છે અને કોઈના ભય કે પક્ષપાત વિના (Without fear and favour) દેશના હિતમાં સેવા કરવાની છે અને તે માટે તેઓએ બંધારણીય દરજ્જો આપી કાયમીપણું તેમજ રક્ષણ આપ્યું છે. તેઓએ રાજકીય હસ્તક્ષેપ અને તેનાથી પર રહીને તટસ્થાપૂર્વક સેવા કરવાનો અનુરોધ કરેલા અને તેઓના નાયબ વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાનના અનેક પ્રસંગો છે કે તેઓએ રાજકારણથી પર રહી દેશહિતમાં નિર્ણયો લીધેલ છે અને એટલા માટે તેઓના મૃત્યુ સમયે આઈસીએસ એસોસીયેશને જે શોકદર્શક ઠરાવ કરેલ તેમાં જણાવેલ કે, If Statute Bust of Sardar is placed in chair, the country can be ruled' આમ દેશના આઈએએસ / આઈપીએસ અધિકારીઓએ સરદાર પટેલે જે વિભાવના વ્યક્ત કરેલ તે સિધ્ધાંતોને અનુસરીને દેશની સેવા કરવાની છે.
આઝાદી સમયના ૫૬૫ દેશી રજવાડાઓનું એકીકરણ એ સરદાર સાહેબની અભૂતપૂર્વ કામગીરીને કારણે આજે ભારત દેશનો નકશો Integrated Bharat જોઈ શકીએ છીએ. કલ્પના કરો કે બ્રિટીશ શાસન હેઠળનો વિસ્તાર જો એકલો સ્વતંત્ર ગણીએ તો દેશના જે રજવાડા સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં હોત તો આખો દેશ વિભાજીત સ્વરૂપે કેટલા પ્રદેશોમાં વહેંચાયેલો હોત.
સરદાર પટેલની આગવી કુનેહથી અને દ્રઢ ઈચ્છાશક્તિથી અને જરૂર જણાયે ત્યાં બળ અને સત્તાનો ઉપયોગ કરીને ૫૬૫ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને સાર્વભૌમત્વ અને અખંડિતતા આપવાનું શ્રેય સરદાર પટેલને જાય છે. ઘણીવાર સરદાર પટેલને જર્મનીના બીસ્માર્ક સાથે સરખાવવામાં આવે છે. પરંતુ જર્મની અને ઈટાલીનું જે એકીકરણ થયું તે તો થોડાક રાજ્યોનું વિલીનીકરણ છે.
જ્યારે ૫૬૫ રજવાડાઓનું એકીકરણ કરવું અને હૈદરાબાદ, જૂનાગઢ, ત્રાવણકોર જેવા રાજ્યો કે જે હાલના અમુક દેશો કરતાં પણ મોટા છે તેવા રાજ્યોને પણ દ્રઢ ઈચ્છાશક્તિથી ભારતના સંઘમાં (Indian union) જોડયા. આમ ઉક્ત મહત્વના પ્રસંગોનું વર્ણન આજના શાસકો / વહીવટદારો અને નાગરિકો માટે પણ પ્રેરણા સ્વરૂપે છે અને તેમના આદર્શો અને કાર્યોનું પાલન એજ સાચી સ્મરણાંજલી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oQM1NQ
via Latest Gujarati News
0 Comments