'વન નેશન-વન ગોલ્ડ પ્રાઇસ' પોલિસીની જરૂર


દિવાળી નજીકમાં હોવાથી સોના-ચાંદીમાં પણ વધતી જતી ડિમાન્ડને સામે ભાવોમાં પણ વધારો થઇ રહ્યો છે. મોદી સરકારે વન નેશન વન ટેક્ષ ફોર્મ્યુલાની જેમ બુલિયન સેકટરમાં પણ સોના-ચાંદીના ભાવો સમગ્ર દેશમાં એકસમાન રહે તે માટે વન નેશન વન ગોલ્ડ પ્રાઇસ ફોર્મ્યુલા દાખલ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે. દેશમાં આયાત થતા સોનાના ભાવો એક હોય છે પરંતુ વેચાણ થતા સોનાની કિંમતો દરેક પ્રાંતમાં અલગ અલગ હોય છે જેમ કે ૨૨ કેરેટ સોનાના દાગીનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામે દિલ્હીમાં ૪૯૧૦૦ રૂપિયા હોય તો કેરળમાં ૪૬૮૫૦ હોય અને મુંબઇમાં ૪૯૬૮૦ હોય જ્યારે ચેન્નાઇમાં ૪૭૩૮૦ હોય છે. વન ઈન્ડીયા વન ગોલ્ડ રેટ પોલિસી લાગુ કરવાથી ગ્રાહકોને તેમજ જ્વેલરી બજારને પણ ફાયદો રહે તેમ છે. ઉત્તર ભારતમાં જ્વેલરીઓ વધુ માર્જિન વસુલે છે જેથી કિંમતો વધી જાય છે. GST ની જેમ સોનામાં આ પ્રકારે દેશભરમાં એક સમાન ભાવે દાગીના મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તે બુલિયન સેકટર માટે આવશ્યક છે. આ ઉપરાંત જ્વેલર્સોએ બાય બેક રેટ પણ ડિસપ્લે કરવા જોઇએ કેમ કે રીસાયકલિંગથી સોનાની શુધ્ધતા ઉપર કોઇ ફરક પડતો હોતો નથી. આ મામલે દક્ષિણ ભારતમાં સોનાના ભાવો અન્ય પ્રાંત કરતાં ઉચિત  હોય છે.

દિવાળીના તહેવારો માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોના-ચાંદીથી લઇને એગ્રી કોમોડિટીમાં પણ મસાલા, તેલીબીયાં, દાળો તેમજ શાકભાજીની બજારોમાં પણ તેજીનો માહોલ રહ્યો છે. વૈશ્વિક વેપારોમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થઇ રહી છે. ખાસ કરીને મગફળી તથા તેલ તથા એરંડિયાની ચીન દ્વારા ઊંચા ભાવોએ પણ થઇ રહેલી મોટી ખરીદીને લઇને ચીનની મથરાવટી સામે આશંકા સાથે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ભારતીય સીમા ઉપર ચીનની મુરાદ સફળ નહિ થતાં હવે વેપારમાં પણ પ્રોક્સી યુધ્ધ ખેલી ભારતીય અર્થતંત્રને હંફાવવા કોશિશ કરાઇ રહી હોવાની આશંકા સાથે દેશને મુખ્ય ખાદ્યતેલો એસોસિએશનોએ તેલીબીયાંના ચીન સાથેના વેપારમાં કંઇક ગરબડ હોવાનું અનુરોધ વ્યક્ત કર્યો છે.

સોલ્વંટ એક્સટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CSA) ને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીન દ્વારા મગફળી તથા એરંડાના તેલ તથા સીડની ઉંચા ભાવે પણ મોટા પાયે થઇ રહેલી ખરીદી અનેક શંકાઓ ઊભી કરી રહી છે. જેનાથી સાવધાન રહેવું જરૂરી બની રહ્યું છે. ચીન દ્વારા કાચો માલ ભારતથી ખરીદીને ચીનમાં પ્રોસેસીંગ કરવા પ્રયત્ન કરે તો સ્થાનિક સ્તરે મોટું જોખમ ઊભું થવાની શક્યતા છે. આ સંદર્ભે સરકાર દ્વારા ઔદ્યોગિક કાચા માલની નિકાસ માટે લઘુત્તમ નિકાસ ડયુટી જેવા ફેકટર્સમાં અભ્યાસ કરી જરૂરી પ્રતિબંધો સત્વરે લેવામાં આવે તેવી પણ માંગ ઊઠી છે. કેસ્ટર ઓઇલની કુલ વૈશ્વિક માંગ પૈકી ૮૦ થી ૯૦ ટકા માંગ ભારત પૂરી કરે છે. કેસ્ટર ઓઇલની નિકાસમાંથી ભારતને વાર્ષિક સરેરાશ છ હજાર કરોડની વિદેશી મુદ્દાની આવક થાય છે. એરંડાની સાથે સાથે ભારતીય મગફળી ઉપર પણ ચીનની નજર છે.

સીંગતેલના ઊંચા ભાવો છતાં ચીનની સતત ખરીદી જોતાં અનેક તર્કવિતર્ક પ્રશ્નાર્થ બન્યા છે. થોડાક સમય અગાઉ સીંગતેલની નિકાસના ઓર્ડર ચીન સાથે ૧૬૦૦ ડોલરની આસપાસ થતા હતા. આજે ભાવો ૨૦૦૦ ડોલર પ્રતિ ટન થવા છતાં સારા પ્રમાણમાં ઓર્ડરન ચીન આવી રહ્યું છે. ૨૧૦૦ ડૉલરમાં પણ ચીન ખરીદી કરવા તૈયાર હોવાનું વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ રહેતાં ચીન સાથેનો વૈશ્વિક વેપારનો મામલો શંકાના દાયરામાં આવી ગયો છે. આ વર્ષે સરેરાશ ૯૦ હજાર ટન સીંગતેલની નિકાસ ચીનમાં થઇ હોવાની ધારણાઓ છે. જે સામાન્ય રીતે ૫૦ હજાર ટનની આસપાસ નિકાસ રહેતી હતી. એટલે કે ચાલુ સાલે સીંગતેલની નિકાસ ચીનમાં ડબલ થઇ રહી છે.

ચીનની સતત ખરીદી પાછળ ગમે તે કારણ હોય પરંતુ ચાલુ સાલે ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ વર્ષો બાદ મળ્યા છે. મગફળીના નબળા માલોના પણ ૯૦૦થી ૯૫૦ની રેન્જમાં અને સારા માલોના ૧૧૦૦થી ૧૧૫૦ની રેન્જમાં યાર્ડોમાં તથા મીલરો દ્વારા મળી રહ્યા છે. ખેડૂતો મગફળી યાર્ડ તથા મીલરોને વેચાણ કરવા પ્રથમ પ્રાયોરિટી આપી રહ્યા છે કેમ કે ત્યાં રોકડા નાણાં તુરંત મળે છે. આ વર્ષે ત્રીસેક લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવાની ગણત્રી છે. નિકાસના વધતા જતા કામકાજને કારણે સીંગતેલ બજાર તેજી સતત આગળ વધી રહી છે.

હાલમાં કૃષિ વાયદા બજારોમાં તેજીનો માહોલ રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસોમાં ૧૦૦થી ૯૦૦ રૂપિયે ઊછાળો પ્રતિ ક્વિન્ટલે થયો છે. સફેદ તલ અને જીરામાં ૯૦૦ના વધારા સાથે ભાવો અનુક્રમે ૮૭૦૦થી ૯૬૦૦ અને ૧૩૬૦૦થી ૧૪૫૦૦ થયા છે. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34LvUsE
via Latest Gujarati News

Post a Comment

0 Comments