મહાસત્તાનો મહારથી કોણ ? અમેરિકામાં આજે મતદાન


મતદાનની સાંજે જ પરિણામ જાહેર નહીં થાય તો કોર્ટમાં જવું પડશે : ટ્રમ્પ

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

મંગળવાર, 3 નવેમ્બરના દિવસે અમેરિકામાં મતદાન થનાર છે. અમેરિકાના આગામી મહારથી ટ્રમ્પ કે બિડેન એ મતદાન દરમિયાન નક્કી થશે. જોકે પહેલેથી જ 9.3 કરોડ મતદારોએ અર્લી વોટિંગ સ્કીમ હેઠળ પોસ્ટલ મતદાન કરી દીધું છે. 3જી નવેમ્બરે મુખ્ય મતદાન થશે. પોસ્ટલ બેલેટને કારણે ચૂંટણી પરિણામ આવતા વાર લાગી શકે છે.

સામાન્ય રીતે મંગળવારે મતદાન થાય અને તે જ દિવસેે સાંજે વિજેતા કોણ તેનો અંદેશો મળી જતો હોય છે. ટ્રમ્પે કહ્યું હતું કે મત ગણવામાં વાર લાગવાથી ગરબડ થવાની શક્યતા છે. પરિણામ આવતા જો અસાધારણ હદે મોડું થશે તો પછી મારા વકીલો તૈયાર જ છે અને એ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવશે.

બિડેને વધુ એક ચૂંટણી વચન આપતા કહ્યુ હતુ કે જો હું પ્રમુખ બનીશ તો પહેલા જ દિવસે કોરોના કાબુમાં લેવા માટે એક્શન પ્લાન રજૂ કરીશ. કોરોના કાબુમાં લેવા માટે ટ્રમ્પે કોઈ પ્લાન જાહેર કરવાની વાત તો દૂર રહી ડોક્ટરોની સૂચના પણ માની નથી.

એટલે ટ્રમ્પ અને તેમની જ સરકારના ચેપી રોગ નિષ્ણાત ડો.ફૌસીના વિધાનો સતત અલગ અલગ જોવા મળે છે. હવે ટ્રમ્પે કહ્યું છે કે પરિણામ આવ્યા પછી પહેલું કામ ફૌસીને કાઢી મુકવાનું કરીશ. કેમ કે ફૌસીએ વારંવાર ટ્રમ્પની કોરોના અંગે બેદરકારીની ટીકા કરી છે.

ભારતીયો સહિત 1100થી વધારે એશિયનોએે બિડેન-હેરિસની જોડીને પ્રમુખ-ઉપ પ્રમુખ તરીકે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અમેરિકી ચૂંટણીમાં એશિયનોના મતો મહત્ત્વના છે.

આ સમર્થકોમાં કેટલાક ગુજરાતી નામો પણ છે. બિડેને પોતાને ફંડ આપનારા 800 મોટા વ્યક્તિના નામો જાહેર કર્યા હતા, જેમાં પણ ઘણા ભારતીયો છે. જોકે એ બધી સ્થિતિ વચ્ચે અમેરિકામાં અત્યારે ટ્રમ્પ આગળ હોવાનું મનાય છે. 

અમેરિકામાં અશ્વેત મતો પણ બિડેનને સમર્થન આપે એવી શક્યતા છે. બન્ને નેતાઓ પોતપોતાની રીતે મતોને અંકે કરવા પ્રયાસ કરી રહ્યા છે. જો કટોકટ પરિણામ આવે તો પછી કાનૂની જંગની શક્યતા રહે છે.

માટે કમલા હેરિસે મતદારોને અપીલ કરી હતી કે મતદાન નિર્ણાયક રીતે કરજો. જેથી એક જ ધડાકે ફેંસલો થઈ શકે. તો વળી ટ્રમ્પે પોતાની વિવિધ રેલીઓમાં ચીનને દુશ્મન ગણાવી પોતે સત્તામાં આવશે પછી ચીનને પાઠ ભણાવશે એવો વાયદો કર્યો હતો. 

ટ્રમ્પે કહ્યું હતું કે જેટલું પરિણામ આવતા મોડું થશે એટલી ગરબડ થવાની શક્યતા વધારે છે. સામાન્ય રીતે મતદાનના બીજા દિવસે જ પરિણામ જાહેર થઈ જતું હોય છે. 2016ની ચૂંટણી વખતે સરળતાથી મતદાન થયું હતું અને સાંજ પડતા સુધીમાં જ મતદાનની તારીખ 8મી નવેમ્બરે ટ્રમ્પ જીતે છે એ સ્પષ્ટ થઈ ગયું હતું. 

હોર્ન વગાડીને સમર્થન

આ વખતે મતદારો પોતાનું સમર્થન કે આનંદ હોર્ન વગાડીને જાહેર કરી રહ્યા છે. કોરોનાને કારણે ઘણી રેલીઓમાં મતદાતાઓ કારમાં જ બેસીને રેલી સાંભળતા હોય છે. એ વખતે જ્યારે તેમને તાળી પાડવાનું કે ચીચીયારી પાડવાનું મન થાય ત્યારે હોર્ન વગાડેે છે. કેમ કે બિડેન અને હેરિસે કોરોનાકાળમાં સાવધાની માટે હોર્ન વગાડવા અપીલ કરી હતી. 

ઈડલી-સાંભર, ટીક્કા ફેવરિટ ફૂડ :  હેરિસ

મતદારોને લલચાવવા આખા જગતમાં નેતાઓ પોશાકથી માંડીને ખોરાક સુધીનો રસ્તો અપનાવતા હોય છે. ભારતિય મૂળના ઉપ-પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે પણ એ રસ્તો અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈડલી-સાંભાર અને ટીક્કા મારો ફેવરિટ ખોરાક છે. મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકી ચૂંટણીમાં મતદાન કરવાના છે. એટલે જ્યારે ફેવરિટ ઈન્ડિયન ખોરાક અંગે પૂછવામાં આવ્યું ત્યારે હેરિસે સાઉથ ઈન્ડિયનમાં ઈડલી-સંભાર, નોર્થ ઈન્ડિયનમાં ટીક્કાનું નામ આપ્યું હતું.

ગણતરીમાં વાર લાગશે 

કોરોનાથી સાવધાન રહેવા કરોડો મતદારોએ રૂબરૂ જવાને બદલે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી દીધું છે. કરોડો મતને અલગ કરવા, ચેપ ન લાગે એ પ્રકારે સાફ કરવા, કવર ખોલવા અને પછી ગણતરી કરવી.. એ બહુ જ લાંબી પ્રક્રિયા છે.  અમેરિકામાં અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં પોસ્ટલ મતદાન થયું નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jq2UOR
via Latest Gujarati News

Post a Comment

0 Comments