આં તરરાષ્ટ્રીય બજારમાં અમેરિકાની ચૂંટણીના પડઘા સોનાના ભાવ પર પડે છે અને ટ્રમ્પ તથા બીડનની પ્રમુખપદે ચૂંટાવાની અનિશ્ચિતતાએ સોનાને ૧૯૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવની અંદર ઉતારીને ૧૮૮૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરે છે. અમેરિકાની ચૂંટણી તથા કોરોનો વાયરસ ડોલરને મજબૂત બનાવે છે ત્યારે સોનાને મંદીની ખાઈમાં ધકેલવા પ્રયત્ન કરે છે અને ગુરુવારે સોનું ૧૮૭૬ ડોલર પ્રતિ ઔંસના ભાવ દાખવી શુક્રવારે સોનાના ભાવ ૧૮૮૮ ડોલર નોંધાયા હતા. બજારની નાણાકીય પરિસ્થિતિ સામાન્ય કરવા વિશ્વની દરેક સેન્ટ્રલબેન્કો નાણા જે છાપી રહી છે તેમાં ફેડરલ બેન્ક અત્યાર સુધીમાં ૩.૫ ટ્રીલીયન ડોલર છાપીને બજારને નાણાથી રેલંછેલમ કર્યું છે. અહીં શાણા ઈન્વેસ્ટરોએ પોતાના નાણાની સલામતી માટે હેજીંગ કરવા હાજર સોનાની તથા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ખરીદી કરી રહ્યા છે અને સોનાને સ્વર્ગ સમુ રોકાણ સમજીને ખરીદી પર બ્રેક નથી લગાવતા.
નવા સમાચાર મળે છે કે વિશ્વબજારમાં સેન્ટ્રલ બેન્કો ૨૦૧૦ના વર્ષથી સોનું વેચવાને બદલે ખરીદતી હતી પરંતુ આ કોરોના વાયરસને કારણે ૨૦૨૦માં સોનાના રેકોર્ડ તોડ ઉંચા ભાવો ૨૦૬૧ ડોલર પ્રતિ ઔંસ ક્વોટડ થતાં અમુક દેશોની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદવાને બદલે સોનું વેચવા લાગી છે. તેમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ જણાવે ચે કે ૨૦૨૦ના બીજા ક્વાટરમાં ૧૨.૧ ટન સોનું વિશ્વબજારમાં વેચાયું છે.
રશીયા, ટર્કી અને ઉઝબેકીસ્તાને ૧૩ વર્ષ બાદ સોનું વિશ્વબજારમાં વેચ્યું છે. ટર્કીએ આ વર્ષના ૩જા કવાટરમાં ૨૨.૩ ટન અને ઉઝબેકીસ્તાને ૩૪.૯ ટન સોનું વેંચ્યું છે. આમ નીચા ભાવે ખરીદેલા સોનાને ઉંચા ભાવે વેચીને સેન્ટ્રલ બેન્કોને સોનામાંથી નફો કેમ કરવો તેની દીશા દાખવી છે. છતાં આ કોવિડ-૧૯ના પેન્ડામીકમાં સેન્ટ્રલ બેન્કો સહીત દરેક રોકાણકારો સોનું ખરીદશે અને ગણીગાંઠી બેન્કો પોતાના સ્ટોકમાંથી સોનું વેચે તો અપવાદ ગણાશે જે સોનાના ભાવ પર કશો મોટો પ્રભાવ નહીં પાડે.
વિશ્વની સૌથી મોટી બેન્ક સોનામાં હજુ ૫૭ ટકાનો ઉછાળો થશે તેવી આગાહી કરે છે ત્યારે સીટી ગુ્રપના ભૂતપૂર્વ અબજપતિ થોમસ કેપલાન આગાહી કરતા જણાવે છે કે સોનામાં ૧૬૩ ટકાનો ઉછાળો આવશે ત્યારે અન્ય રીસર્ચરો જણાવે છે કે સોનામાં ૪૨૬ ટકાનો ઉછાળો આવે. સોનું એકવાર ૨૩૦૦ ડોલરથી વધીને ૨૭૦૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવી શકે. સોનાના ભાવમાં ૧% તેજી આવતા સોનાની ખાણના શેરમાં ૧૦%થી ૨૦%નો ઉછાળો આવે છે તેવામાં ઈન્વેસ્ટરો ઓસ્ટ્રેલીયાની બીજા નંબરની સોનાની ખાણ ન્યુ સાઉથ વેલ્સ સ્થિતની ખાણ પર મીટ માંડીને શેર કેટલા ઉછળે છે તેની વાટ જોઈ રહ્યા છે. એકંદરે સોનું અમેરીકાના પ્રમુખ ચૂંટાઈ નહીં આવે ત્યાં સુધી કિંમતી ધાતુમાં મોટી વધઘટ નહીં દેખાય અને જો ટ્રમ્પ આવશે તો સોનામાં મોટી તેજી આવશે ત્યારે બીડન સ્ટીમ્યુલસની નીતિમાં કેવો ફેરફાર કરે છે અને નાણાની નીતિમાં કેવું વલણ અપનાવે છે તેની સમીક્ષા કરીને સોનું તેજી કે મંદી તરફ વલણ અપનાવશે.
પરિણામે ચાંદી કરતા સોના પર સૌની પસંદગી ઉતરે છે. ચાંદીમાં ભલે મોટી વધઘટ રહે પણ લાંબા ગાળે ચાંદી ૩૦ ડોલર પ્રતિ ઔંસને આંબશે અને ત્યારબાદ તેજીને રસ્તે ફંટાશે. સ્થાનિક સોના બજારમાં તહેવારોની માગ નીકળી હોવાથી તથા રીટેલ દાગીનાના શોરૂમની ધીમી માંગ નીકળી હોવાથી વિશ્વની સોનાની ૩૦-૪૦ ડોલર પ્રતિ ઔંસની નરમાઈની મોટી અસર નથી પડી અને સોનાના ભાવમાં માત્ર રૂ.૩૦૦થી રૂ.૩૫૦ પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
બુલીયનના વેપારીઓ ચાંદીના ભાવમાં મોટી વધઘટ હોવાને કારણે રૂ.૫૦૦ પ્રતિ કિલો ભાવ ફેરમાં લે-વેચ કરે છે. ટ્રેનો આંશીક રીતે ચાલુ થતા ચાંદીના શોરૂમમાં ઘરાકી સળવળી છે અને નીચા ભાવે ચાંદીમાં સારી ઘરાકી રહેશે અને શોરૂમવાળાની દીવાળી સુધરે. આયાતી ચાંદી વાયદા કરતાં રૂ.૧૦૦ પ્રતિ કિલો ઉંચી ક્વોટ થાય છે. જુની ચાંદીની આવક નહિવત છે અને તહેવારોના દિવસોમાં ઘરાકો ચાંદી વેચવા નહીં આવે. એકંદરે ચાંદી રૂ.૬૧૫૦૦ અને રૂ.૬૨૫૦૦ પ્રતિ કીલોના ભાવો બોલાશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kQc6Kb
via Latest Gujarati News
0 Comments