ઘણી બધી ચર્ચાઓને અંતે છેવટે દેશમાં જટિલ શ્રમ કાયદાઓ (લેબર લોઝ)માં સરકાર ધરમૂળથી ફેરફાર કરવા આગળ વધી રહી છે અને નવા લેબર લોઝને સંસદમાં પસાર કર્યા બાદ આ માટેના નિયમો આગામી ૩૧મી માર્ચ સુધીમાં કેન્દ્ર તથા રાજ્ય સ્તરે તૈયાર કરી લેવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. દેશના જટિલ શ્રમ કાયદાઓએ આર્થિક વિકાસની ગતિને ભલે અવરોધી ન હોય પરંતુ ઔદ્યોગિક સાહસિકો તથા રોકાણકારો માટે તે એક માથાનો દુખાવો તો બની જ રહ્યા હતા. દેશમાં આર્થિક પ્રવૃત્તિ પર નિયમન ધરાવતા ૧૫૩૬ કાયદામાંથી ૩૫ ટકા જેટલા કાયદા કર્મચારીઓને લગતા છે.
ઉદ્યોગોને લાગુ થતા ફરજપાલનના ધોરણોમાંથી પચાસ ટકા ધોરણો તો કર્મચારીઓ સંદર્ભના રહે છે. દેશમાં કુલ કાર્યબળમાંથી દસ ટકાથી પણ ઓછા સંગઠીત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અવ્યવહારુ શ્રમ કાયદા જે કેન્દ્ર તથા રાજ્યો બન્ને દ્વારા પોત પોતાની રીતે અમલી બનાવાયા છે તેમાં હવે સાફસફાઈ કરવા કેન્દ્ર તથા રાજ્યો બન્ને તૈયાર છે અને જો બધુ સમુસૂતરુ પાર પડશે તો આગામી નાણાં વર્ષથી દેશમાં નવા લેબર લોઝ લાગુ થતા વાર નહીં લાગે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.
તાજેતરના વર્ષોમાં ભારતના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સુધારો થયો છે છતાં દેશમાં ખાનગી અથવા વિદેશી ઈન્વેસ્ટમેન્ટસનો ધોધ જોવા મળ્યો નથી. કેન્દ્રના સૂચિત નવા સરળ શ્રમ કાયદા એક સાનુકૂળ સ્થિતિ બનાવશે પરંતુ તેનો આધાર આ કાયદા કેટલા સ્પષ્ટ અને વ્યવહારુ હશે તેના પર રહેશે. હાલમાં કેન્દ્રના જે ૪૪ શ્રમ કાયદા અને તેની ૧૪૫૮ કલમો છે અને તે હેઠળ જે ૯૩૭ ફરજ પાલનો અને ૧૫ ફાઈલિંગ કરવાના રહે છે તે દરેક માત્ર ચાર કોડસમાં ભેળવી દેવાશે અને તેની કલમો ઘટીને ૪૮૦ સુધી સીમિત રહેશે. નવ કાયદાને એકત્રિત કરી તૈયાર કરાયેલા સોશ્યલ સિક્યુરિટી કોડ હેઠળ કંપનીઓએ ૧થી બે જ રજિસ્ટર જાળવવાના રહેશે જે હાલમાં વીસ જેટલા જાળવવા પડે છે. જો કે આ જે ફેરબદલ કરાયા છે તે કેન્દ્રના કાયદામાં જોવા મળ્યા છે. દેશમાં શ્રમ કાયદામાં ખરા અર્થનો સુધારો કરવો હશે તો રાજ્ય સ્તરના કાયદાઓમાં પણ સમકક્ષ સુધારા થાય તે જરૂરી છે.
કંપનીઓ વિવિધ રાજ્યોમાં કામ કરી શકે તે માટે કેન્દ્ર તથા રાજ્યોના શ્રમ કાયદામાં બને એટલી સુસંગતતા રહે તે આવશ્યક છે. વિવિધ રાજ્યોના શ્રમ કાયદાઓ તથા કેન્દ્રના કાયદાઓને કારણે ઉદ્યોગો માટે કામ કરવાનું મુશકેલ બની રહે છે. પરંતુ ફરજપાલનના બોજાને હળવા કરતા નવા લેબર લોઝ એક હકારાત્મક પગલું છે. જો કે શ્રમ કાયદામાં સુધારામાં માલિકો તથા કર્મચારીઓ બન્નેના હિતો જળવાઈ રહે તે પણ જોવાનું રહેશે. જો બેમાંથી એક પણ પક્ષને અન્યાય જેવું લાગશે તો આ સુધારા માત્ર કાગળ પર જ રહી જશે. કેટલાક રાજ્યોમાં કર્મચારીઓની વધુ પડતી સલામતિને હળવી કરી દેવાઈ છે.
જટિલ શ્રમ કાયદાઓને કારણે ભારત આજે બંગલાદેશ અને ચીન સાથે સ્પર્ધામાં પાછળ પડી રહ્યું છે ખાસ કરીને ગારમેન્ટસ તથા મોબાઈલ ફોનના ઉત્પાદન ક્ષેત્રમાં. બંગલાદેશ તથા ચીનમાં કંપનીઓ માટે કર્મચારીઓની સંખ્યા બાબતમાં સરકારની નીતિ ઉદાર હોવાથી તેઓ એકજ સ્થળે મોટી સંખ્યાના કામદારોને રોકી શકે છે જેને કારણે સંબંધિત ઉત્પાદન એકમમાં ઉત્પાદન ખર્ચ નીચો રાખવામાં જે તે કંપનીને લાભ મળી રહે છે.
પોતાની પ્રથમ મુદતમાં મોદી સરકારે દેશના જટિલ શ્રમ કાયદાઓમાં ફેરબદલ કરવા વ્યાપક દરખાસ્તો તૈયાર કરી હતી અને દેશમાં પ્રવર્તતા ૩૫ જેટલા કેન્દ્રીય શ્રમ કાયદામાંથી અનેક કાયદાઓ રદ કરવાની પણ વિચારણા વહેતી મૂકી હતી. જુના કાયદા રદ કરી વર્તમાન સમયને અનુરૂપ કાયદામાં રૂપાંતરિત કરવાની યોજના હતી પરંતુ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર્મચારી સંગઠનોનો જરૂરી પ્રતિસાદ નહીં મળી રહેતા પાછલા પાંચ વર્ષમાં સરકાર તેમાં આગળ વધી શકી નહોતી. સામાજિક સલામતિના મુદ્દાને લઈને કર્મચારી સંગઠનો વધુ આક્રમક રહ્યા હતા.
ભારતમાં જટિલ શ્રમ કાયદા તથા કર્મચારી યુનિયનોની મનમાનીથી બચવા ઉદ્યોગોના માલિકો નાના અને છૂટાછવાયા એકમોની રચના કરવાનું વધુ પસંદ કરે છે. ઉદ્યોગોમાં રહેલી આ સમશ્યાને દૂર કરવી હશે તો શ્રમ કાયદામાં સુધારાને ઝડપથી આગળ ધપાવવા પડશે જેથી અવરોધો દૂર કરી વિકાસ હાંસલ કરવામાં મદદ મળી શકે.
ભારતમાં લેબર લોઝમાં એકરાગતા રહે તેવી અપેક્ષા રાખવી વધુ પડતું ગણાશે કારણ કે, રાજ્યો વચ્ચે આપસમાં ઔદ્યોગિક સ્પર્ધા થતી હોય છે અને માટે પોતાને સાનુકૂળ નીતિ જતી કરવામાં રાજ્યો જલદી તૈયાર થતા નથી. શ્રમલક્ષી ક્ષેત્રોમાં સામાન્ય વેપાર કરતા પણ વધુ આગળ જોવાની આવશ્યકતા છે. એવું તે ુશું કરી શકાય એમ છે જેનાથી ઉદ્યોગોમાં રોજગારનુું ચિત્ર બદલાઈ શકે. ખુલ્લા અર્થતંત્રમાં વૈશ્વિક બજારમાં સફળ થવા માટે ઘરેલું બજારમાં સફળ થવું પ્રથમ આવશ્યક છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34L4K56
via Latest Gujarati News
0 Comments