- દક્ષિણમાં હજી ધીમી રહેલી ખરીદી
દે શમાં ૨૦૨૦ના વર્તમાન વર્ષમાં કોરોનાના વધતા ઉપદ્રવ વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં બાંધકામ ક્ષેત્રમાં ખાસ્સી પ્રતિકુળ અસર પડી છે અને તેના પ્રત્યાઘાત દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ જગતમાં પણ જોવા મળ્યા છે. લોકડાઉનના પગલે દેશના વિવિધ નાના- મોટા શહેરોમાં રેસીડન્શીયલ પ્રોજેક્ટો તથા કોમર્શિયલ પ્રોજેક્ટોના સંદર્ભમાં બાંધકામ ક્ષેત્રે ચહલપહલને વ્યાપક અસર જોવા મળી છે.
એક તરફ કામદારો તથા મજૂરો કોરોનાના પગલે મોટાભાગનો આવો વર્ગ પોતાના વતનમાં થતો રહ્યો છે તથા તેના પગલે આવા બાંધકામના પ્રોજેક્ટોમાં કામદારો- મજૂરોની અછત વર્તાતી જોવા મળી છે જ્યારે બીજી તરફ કોરોનાનો ઉપદ્રવ તથા લોકડાઉનના પગલે આ ક્ષેત્રમાં નાણાંપ્રવાહીતા પણ ઘટી ગઈ છે તથા આ ક્ષેત્રે ફાઈનાન્સના પ્રોબલેમો જોવા મળી રહ્યા છે. અધુરામાં પુરું લોકડાઉનના પગલે આ ક્ષેત્રે આવતા ગ્રાહકોને પણ નાણાં વિષયક ખેંચ વધી છે અને તેના પગલે આ ક્ષેત્રે આવતા નવા ગ્રાહકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બધાની અસર તેના પગલે સિમેન્ટ બજાર પર પણ આ પૂર્વે જોવા મળી હતી. બાંધકામના ઘણા પ્રોજેક્ટોની પ્રગતિ અધવચ્ચે અટકી ગયાના કિસ્સાઓ પણ વધ્યા છે.
બાંધકામ ક્ષેત્રના ઘણા નાના- મોટા ખેલાડીઓ નાણાંભીડમાં આવ્યા છે તથા ગ્રાહકોને આકર્ષવા વિવિધ સવલતો આપવા છતાં આ ક્ષેત્રે નવી માગ અપેક્ષા કરતાં નોંધપાત્ર ઓછી રહી છે. જોકે હવે આ ચિત્રમાં બદલાવ આવી રહ્યાના વાવડ પણ મળ્યા છે. આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે એપ્રિલ, મે તથા જૂન મહિના દરમિયાનના ગાળામાં બાંધકામ ક્ષેત્રે તેમજ સિમેન્ટ ક્ષેત્રે ચહલપહલ ધીમી રહ્યા પછી જુલાઈ, ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં આ ક્ષેત્રે અગાઉની સરખામણીએ ચહલપહલ વધ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા છે. અગાઉના ત્રિમાસિકની સરખામણીએ સપ્ટેમ્બર અંતે પુરા થયેલા ત્રિમાસીક ગાળામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સિમેન્ટની માગ વધ્યાના વાવડ મળ્યા છે. જોક ેદેશના પશ્ચિમ, પૂર્વીય તથા ઉત્તરીય વિસ્તારોમાં આવી માગમાં વિશેષ વૃધ્ધિ જોવા મળી છે જ્યારે આની સરખામણીએ દેશના દક્ષિણના વિસ્તારમાં આવી માગ વૃધ્ધિ ધીમી રહ્યાના નિર્દેશો મળ્યા છે.
તાજેતરના ત્રિમાસિક ગાળામાં લેસરની ઉપલબ્ધતા પણ વધી છે. ઉપરાંત તહેવારોની મોસમને અનુલક્ષીને વ્યક્તિગત હોમ ક્ષેત્રમાં માગ તથા પુછપરછો વિશેષરૂપે વધી હોવાનું સિમેન્ટ તથા બાંધકામ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું. મધ્ય ભારતના વિસ્તારોમાં પણ આવું ચિત્ર જોવા મળ્યું છે. જોકે પશ્ચિમ ભારતના અમુક વિસ્તારોમાં પણ આવી માગ વૃધ્ધિ ધીમી રહી છે તથા આવી જ સ્થિતિ સાઉથ તરફ પણ રહી છે. આ ઉપરાંત શહેરી વિસ્તારો તથા અર્ધ- શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામિણ વિસ્તારોમાં તથા અર્ધ- ગ્રામિણ વિસ્તારોમાં આવી માગ વિશેષ ઊંચી જતી હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર- ભારતના વેપારીઓના જણાવ્યા મુજબ લેબરની ઉપલબ્ધતા હવે વધી છે. જુલાઈ- ઓગસ્ટ તથા હવે સપ્ટેમ્બરમાં આવી ઉપલબ્ધતા આશરે ૪૦ ટકા જેટલી આવી છે તથા તેના પગલે આ ક્ષેત્રે હવે ચહલપહલ પણ પાછી ફરી છે. જ્યારે મોટા પ્રોજેક્ટોમાં આળી લેબરની ઉપલબ્ધતા વધી નોર્મલની સરખામણીએ આશરે ૭૦થી ૮૦ ટકા સુધી પહોંચી છે. જોકે દક્ષિણ ભારતમાં આ દરમિયાનના ગાળામાં ખાસ કરીને તામિલનાડુ તથા કેરળ વિસ્તારમાં લોકડાઉન સખત રહેતાં આ વિસ્તારમાં આવી માગ વૃધ્ધિ ધીમી રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. તામિલનાડુ તથા કેરળના વિસ્તારોમાં લેબરની ઉપલબ્ધતા હજી પણ ઓછી રહી છે. આવી પરિસ્થિતિમાં સાઉથ ખાતે આવેલી સિમેન્ટ ઉત્પાદક કંપનીઓમાં સિમેન્ટની માગ સરખામણીએ ઓછી રહી છે. આની સામે દેશના અન્ય વિસ્તારોમાં સિમેન્ટની માગ તાજેતરના ત્રિમાસિકમાં પાછલા વર્ષના આ ગાળાની સરખામણીએ આશરે ૫થી ૧૦ ટકાની વૃધ્ધિ દેખાઈ છે. જોકે પરિસ્થિતિમાં બદલાવ છતાં સપ્ટેમ્બર અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સિમેન્ટના બજાર ભાવ એકંદરે સૂસ્તાઈ બતાવતા જોવા મળ્યા છે.
જોકે પાછલા ત્રિમાસિકની સરખામણીએ જુલાઈ, ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં ભાવ એકંદરે નરમ રહ્યા છે. પરંતુ પાછલા વર્ષના આ ગાળાની સરખામણીએ જોકે ભાવ સાધારણ ઊંચા રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. સાઉથમાં માગ પાંખી રહેવા છતાં સાઉથના સિમેન્ટ ઉત્પાદકોએ ભાવમાં મક્કમતા જાળવી રાખી હોવાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ છે. દરમિયાન, તાજેતરમાં સિમેન્ટ ઉત્પાદનનો ખર્ચ પણ વધ્યો છે. પેટ્રોલીયમ કોક તથા કોલસાના ભાવ તાજેતરના મહિનાઓમાં ઉંચા ગયા છે તથા તેના પગલે સિમેન્ટ ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. દરમિયાન, શેરબજારમાં તાજેતરના ગાળામાં વિવિધ સિમેન્ટ ઉત્પાદક કંપનીઓના શેરોના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oORtAw
via Latest Gujarati News
0 Comments