વ્યાપક વરસાદના પગલે વાવેતર વધતાં કૃષિક્ષેત્રે ખાતર સબસીડી વધ્યાના નિર્દેશો


- સબસીડીની ચૂકવણી વિલંબમાં પડવાની તથા આવતા વર્ષમાં રોલઓવર થવાની બતાવાતી ભિતી

દેશમાં આ વર્ષે ચોમાસાની ચાલ અનિયમિત જોવા મળી હતી. ચોમાસાના આરંભમાં વરસાદની ચાલ જોકે ધીમી રહી હતી પરંતુ ત્યારબાદના મહિનાઓમાં દેશના વિવિધ રાજ્યોમાં વ્યાપક વરસાદ થતાં ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હોવાના નિર્દેશો મળ્યા છે. વરસાદ પાછળથી સારો થતાં તથા ચોમાસાની ચાલ પાછોતરા મહિનાઓમાં પણ લંબાતાં ઘણા કૃષી ઉત્પાદક વિસ્તારોમાં પાકને અસર પણ પડી છે. ઘણા વિસ્તારોમાં આના પગલે નવી મોસમના આરંભમાં પણ વિલંબ થતો જોવા મળ્યો છે.

વધુ પડતા પાછોતરા વરસાદના પગલે ઘણા કૃષી ઉત્પાદક વિસ્તારોમાં પાકને નુકસાન થતાં ગુણવત્તા પર પણ અસર પડી છે અને તેના પગલે આગળ ઉપર આવા કૃષી માલોમાં સારા માલોની અછત વર્તાવાની તથા મિડિયમ અને સારા માલો  વચ્ચેનો ભાવ તફાવત પણ વધવાની ગણતરી વિવિધ કૃષી બજારોના જાણકારો હાલ બતાવી રહ્યા છે. દેશમાં વધુ પડતા પાછોતરા વ્યાપક વરસાદના પગલે ખરીફ વાવેતરને પ્રતિકૂળ અસર પડી છે ત્યારે કૃષી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ આ વ્યાપક વરસાદના પગલે જમીનની અંદર પાણીનો વધુ જથ્થો ઉતર્યો છે તથા તેના પગલે હવે પછી લેવાનારા રવિપાક માટે સંજોગો ઉજળા બન્યા છે.

દરમિયાન, દેશમાં એકંદરે વરસાદ વ્યાપક થતાં સરકાર સામે એક નવા પ્રકારનો પડકાર પણ ઉભો થયો હોવાનું કૃષિક્ષેત્રના તજજ્ઞાોએ જણાવ્યું હતું. આવો પડકાર હકીકતમાં કેન્દ્રના નાણાંમંત્રાલય સમક્ષ ઉભો થયો છે અને આ પડકાર છે. ફર્ટીલાઈઝર- ખાતરની સરકાર દ્વારા અપાતી સબસીડીના બિલમાં થનારી વૃધ્ધિના સ્વરૂપનો સર્જાયો છે. આ વર્ષે આવી સબસીડીનો બોજ સરકાર પર વધુ આકરો પડવાની શક્યતા કૃષી ક્ષેત્રમાં બતાવાઈ રહી છે.

કેન્દ્ર સરકારને થતી વિવિધ મહેસુલી આવક આ વર્ષે કોરોના તથા લોકડાઉનના પગલે ઘટી છે ત્યારે બીજી તરફ આવી સબસીડી ચુકવવાનો બોજ વધી રહ્યો છે એ જોતાં સરકારની તથા વિશેષરૂપે નાણામંત્રાલયની સ્થિતિ કફોડી બનવાની ગણતરી બતાવાઈ રહી છે. આવી સ્થિતિમાં આવી છ-આઠ મહિનાની સબસીડીની ચુકવણી કદાચ વિલંબમાં પણ પડી શકે તેમ છે તથા કદાચ આવી ચુકવણી આવતા નાણાંવર્ષમાં પણ રોલઓવર થવાની ભીતી ફર્ટીલાઈઝર બનાવતા ખાતર ઉત્પાદકો દ્વારા તાજેતરમાં બતાવાઈ છે. વર્તમાન નાણાં વર્ષ માટે આવી ફર્ટીલાઈઝર સબસીડીનું બજેટ એસ્ટીમેટ આશરે રૂ.૭૧૩૦૦થી ૭૧૩૧૦ કરોડ આસપાસ રહ્યું છે તથા આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ આ એસ્ટીમેટ પૈકી સરકારે આવી સબસીડી પૈકી આશરે ૬૦ ટકા જેટલી સબસીડી ઓગસ્ટ અંતે પુરા થયેલા પાંચ મહિનાના ગાળામાં ચુકવી દીધી છે. જોકે આવો દાવો સરકારી સૂત્રો કરી રહ્યા છે જ્યારે ખાતર ઉત્પાદકોના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે એપ્રિલ, મે તથા જૂન આ ત્રણ મહિનાની ખાતર સબસીડી આપી છે તથા જુલાઈ- ઓગસ્ટ મહિનાની આવી સબસીડી ખાતર ઉત્પાદકોનો સરકાર તરફથી મળી નથી. આમ આવી સબસીડીના ચુકવણી વિશે પણ મતમતાંતરો પ્રવર્તતા રહ્યા છે.

દરમિયાન, સરકારના નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે બજેટ એસ્ટીમેટની સરખામણીએ હકીકતમાં ફર્ટીલાઈઝરની સબસીડી વધુ ચુકવવી પડશે એવી શક્યતા જણાઈ રહી છે. આવી સબસીડીની માગમાં તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી રહી છે. એવું આ સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૧૯- ૨૦ તથા ૨૦૨૦- ૨૧ના પાક વર્ષમાં દેશમાં વિવિધ કૃષી માલોનું વાવેતર વધ્યું છે અને તેના પગલે આવી ખાતર સબસીડીનું બિલ વધી રહ્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે ખાતર ઉત્પાદકોના સૂત્રોના જણાવ્યા મુજબ આવી સબસીડીની તેમને સરકાર તરફથી થતી ચુકવણી સમયસર થતી નથી. આ પ્રશ્ને સરકાર સાથે હવે વાતચીત શરૂ થવાની પણ શક્યતા છે. ભારતમાં ખાતર માટે બે પ્રકારના સબસીડી મેકેનીઝમ પ્રવર્તતા રહ્યા છે તથા આ બંને પધ્ધતિમાં સરકાર દ્વારા ખાતર ઉત્પાદકોને આવી સબસીડી આપવામાં આવે છે. યુરીયાના સંદર્ભમાં ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા નોટીફાઈડ એમઆરપીના ભાવોએ જથ્થો આપવામાં આવે છે. આવા એમઆરપી ૪૫ કિલોની ગુણીના રૂ.૨૪૨ તથા ૫૦ કિલોની ગુણીના રૂ.૨૬૮ રહ્યા છે.

આની ઉપર નીમ કોટીંગ તથા ટેક્સનો ખર્ચ અલગ લાગતો હોય છે. યુરીયા ઉત્પાદન અથવા આયાતનો ખર્ચ- કોસ્ટ તથા ખેડૂતો પાસેથી લેવાતા દરો વચ્ચેનો તફાવત સબસીડીના સ્વરૂપમાં સરકાર તરફથી ઉત્પાદકો તથા આયાતકારોને ચુકવવામાં આવે છે. દરમિયાન, ફોસ્ફેટીક તથા પોટાલીક ફર્ટીલાઈઝર્સમાં ન્યુટ્રીશનનું પ્રમાણ કેટલું છે તેના આધારે આવી સબસીડીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. દરમિયાન, ખાતર ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ ખાતરની માગ તાજેતરના મહિનાઓમાં આશરે ૨૦થી ૨૫ ટકા જેટલી  વધી છે. આની સામે સરકાર તરફથી અપાતી સબસીડી સમયસર મળતી નથી એવો આક્ષેપ ખાતર ઉત્પાદકો કરી રહ્યા છે. જોકે તાજેતરમાં ત્રિમાસિક સબસીડીની ચુકવણીની ૨૦ ટકાની મર્યાદા દૂર થઈ છે એ વાતે ખાતર ક્ષેત્રે રાહતની લાગણી જન્માવી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mGo2ii
via Latest Gujarati News

Post a Comment

0 Comments