ડિજિટલ પેમેન્ટસમાં વધારાને ટકાવી રાખવા નક્કર વ્યૂહરચના ઘડવી જરૂરી


- જનધન ખાતેદારોને ઓનલાઈન તરફ વાળવાના પ્રોત્સાહન ઈ-પેમેન્ટસમાં મોટી સફળતા સાબિત થઈ શકે

તા જેતરમાં આવેલા એક અહેવાલ પ્રમાણે દેશમાં કોરોના વાઈરસના કાળમાં પીએમ જન ધન યોજના એકાઉન્ટસની સંખ્યામાં વર્તમાન નાણાં વર્ષના પ્રારંભથી જોરદાર વધારો થયો છે. ખાતાની કુલ સંખ્યા વધી ૪૧.૦૫ કરોડ રહી છે જેમાં રૂપિયા ૧.૩૧ લાખ કરોડની રકમ જમા પડી છે. ૧લી એપ્રિલથી અત્યારસુધીમાં  ૩ કરોડ નવા એકાઉન્ટ ખોલાયા છે. ગયા વર્ષના ૧લી એપ્રિલથી ૧૪ ઓકટોબરના ગાળામાં  ૧.૯૦ કરોડ નવા એકાઉન્ટસ ખોલાયા હતા. આમ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ   વર્તમાન વર્ષમાં ૬૦ ટકા વધુ ખાતા ખોલાયા છે.  રોકડ વ્યવહાર કરવા જતા કોરોનાનું ઈન્ફેકશન લાગી જવાના ડરને કારણે નવા ખાતાની સંખ્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, એટલે કે ચમત્કાર ત્યાં નમસ્કાર જેવો ઘાટ જોવો મળી રહ્યો છે.  ડિજિટલ પેમેન્ટસ તરફ વધેલા ઝોકને કારણે ખાતાની સંખ્યામાં વધારો થયો હોવો જોઈએ. ડિજિટલ પેમેન્ટસ માટે બેન્ક ખાતું હોવું જરૂરી છે. 

૨૦૧૬ની નોટબંધી બાદ  દેશને કેશલેસ ઈકોનોમિ તરફ વાળવાના  સરકારના પ્રયાસોને  કારણે  છેલ્લા ચાર વર્ષમાં આ ડિજિટલ પેમેન્ટસના વોલ્યુમમાં વધારો જોવા મળ્યો છે. નાણાં વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ના ગાળામાં ડિજિટલ પેમેન્ટસના વોલ્યુમમાં વાષક ૫૫.૧૦ ટકાની ચક્રવૃદ્ધિ થઈને ૫.૯૩ અબજ પરથી વધી ૩૪.૩૫ અબજ પર પહોંચ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ પેમેન્ટસનો આંક રૂપિયા ૯૨૦.૩૮ ટ્રિલિયન પરથી વધી રૂપિયા ૧૬૨૩.૦૫ ટ્રિલિયન રહ્યું છે. જે વાષક ૧૫.૨૦ ટકાની ચક્રવૃદ્ધિ દર્શાવે છે. કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉન તથા રોકડ વ્યવહાર કરવાનું ટળાતા વર્તમાન નાણાં વર્ષમાં ડિજિટલ પેમેન્ટસમાં વોલ્યુમ તથા મૂલ્ય બન્નેની દ્રષ્ટિએ જોરદાર વધારો થવા સંભવ હોવાનું રિઝર્વ બેન્કના  અવારનવાર આવી રહેલા આંકડાઓ પરથી સંકેત મળી રહ્યા છે. જો કે ભારત જેવા વિશાળ દેશમાં ડિજિટલ પેમેન્ટસની માત્રા હજુપણ નીચી છે એમ કહી શકાય.   

ડિજિટલ પેમેન્ટસને  આકર્ષક તથા સલામત બનાવવા રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાં પણ લેવાઈ રહ્યા છે જેને કારણે વપરાશકારોનું સ્તર વધી રહ્યું છે. હાલના કોરોના ના કાળમાં ડિજિટલ પેમેન્ટસ એકદમ સુરક્ષિત પેમેન્ટસ બની રહ્યું છે. કોવિડ ૧૯ના સમયગાળામાં ડિજિટલ પેમેન્ટસની માત્રા નોટબંધીના સમયગાળા કરતા પણ ઘણી ઊંચી જોવા મળી રહી છે.   

મહામારીને કારણે દેશમાં ઈ-કોમર્સ મારફત ખરીદીમાં થયેલા વધારાને કારણે પણ ડિજિટલ પેમેન્ટસની માત્રા વધી છે. જો કે  આ માત્રા સ્થિર રહેશે અથવા તો તેમાં અહીંથી વધારો થશે કે કેમ તે સામે શંકા ઊભી થાય તેવા એક અહેવાલમાં    સપ્ટેમ્બરના મધ્યમાં   રૂપિયા ૨૬ ટ્રિલિયનના મૂલ્ય સાથેની કરન્સી  દેશના લોકોના હાથમાં હોવાનું જોવા મળ્યું હતું.  સ્વતંત્રતા બાદ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)થી કેશ ઈન હેન્ડનું પ્રમાણ પ્રથમ વખત આટલા  ઊંચા સ્તરે જોવા મળ્યું હતું.  વર્તમાન વર્ષમાં દેશના જીડીપીનો આંક દસ ટકા ઘટશે તેવી ધારણાં રાખીએ તો પણ જાહેર જનતા પાસે કેશનું પ્રમાણ વધીને જીડીપીના ૧૫ ટકા જેટલુ જોવા મળી શકે છે. ૨૦૧૬માં જ્યારે ઊંચા મૂલ્યની ચલણી નોટસ રદ કરવામાં આવી હતી ત્યારે જાહેર જનતાના હાથમાં રહેલી રોકડનો આંક રૂપિયા ૧૭ ટ્રિલિયન જેટલો હતો . કોરોનાને કારણે ઉપભોગ માગ ઘટતા લોકોના હાથમાં રોકડની માત્રામાં વધારો જોવા મળ્યો છે. કોરોનાને કારણે મનોરંજન, મોજશોખ તથા અન્ય લકઝરી ખર્ચમાં ઘટાડો થયો છે. આવા પ્રકારના ખર્ચ સામાન્ય રીતે રોકડમાં થતા હોય છે.    

વાપરવામાં સરળ હોવાથી ડિજિટલ પેમેન્ટસ તરફનો વર્તમાન ઝોક ચાલુ રહે તેવી  અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે નોટબંધીના કાળમાં પણ ડિજિટલ પેમેન્ટસમાં વધારો જોવા મળ્યો હતો અને તે ચાલુ રહેશે તેવી ધારણાં રખાતી હતી પરંતુ સમય જતા આ ધારણાં ઠગારી નીવડી હતી, એટલે કે તેમાં અપેક્ષા પ્રમાણે વધારો જોવા મળ્યો નથી. 

 ભારતમાં  નાણાં વર્ષ ૨૦૧૪માં માથા દીઠ ડિજિટલ ટ્રાન્ઝકશન્સનો  આંક જે ૨.૪૦ હતો તે માર્ચ ૨૦૧૯ના અંતે  વધીને ૨૨ થયો હતો અને  માર્ચ ૨૦૨૨ સુધીમાં ૨૨૦ થવાની રિઝર્વ બેન્ક  દ્વારા આશા રખાઈ રહી છે.  સામાન્ય સંજોગોમાં ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝકશન્સનનો સ્વીકાર  મંદ રહેવાનું કારણ  તેમાં સલામતિની ચિંતા તથા છેતરપિંડી થવાનો ભય રહેલો છે.   

દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપને હાલના સ્તરે એટલે કે કોવિડ - ૧૯ બાદ થયેલા વધારાને  ટકાવી રાખી તેમાં વધુ વધારો કરવો હશે તો  વપરાશકારોને ખાસ કરીને ગ્રામ્ય સ્તરે પ્રોત્સાહનો મળી રહે તે જરૂરી છે.  દેશમાં કેશલેસ ઈકોનોમી બનાવવી હશે તો સરકારે જ આગેવાની અને જવાબદારી લેવાની રહેશે.  રોકડા  રૂપિયાની એક ખાસિયત એ છે કે તે કોઈપણ  સ્થળે ચાલી શકે  છે. ચાના સ્ટોલથી  લઈને  પંચતારક  હોટેલમાં રોકડા સ્વીકારવામાં આવે છે આ હકીકતને કારણે જ રૂપિયામાં વ્યવહાર કરવાની માનસિકતા હજુ ઓછી થતી નથી.  

ડીમોનિટાઈઝેશન બાદ કોરોનાવાઈરસે  ફરી એક વખત દેશમાં ડિજિટલ પેમેન્ટસની માત્રામાં વધારો કરાવ્યો છે. આ માત્રા ટકી રહે અને તેમાં વધારો થાય તે જરૂરી છે, પરંતુ ચોક્કસ વ્યવહારોમાં  ખાસ કરીને ગ્રામ્ય સ્તરે પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં નહીં આવે ત્યાંસુધી ભારત જેવા વિશાળ દેશમાં તેને પ્રચલિત બનાવવાનું સરળ નહી બને. જનધન ખાતાની સંખ્યામાં જે રીતે વધારો થયો છે તેને ધ્યાનમાં રાખી આ ખાતા કોરોના પછીના કાળમાં પણ સક્રિય રીતે ચાલુ રહે  તે  માટે  સરકારે પહેલ કરવી રહી. જન ધન ખાતામાં ડિજિટલ પેમેન્ટસ માટે પ્રોત્સાહનો પૂરા પાડવા રહ્યા, અન્યથા કોવિડ-૧૯ પછીના યુગમાં પણ ભારત  કેશલેસ ઈકોનોમી બની જશે કે કેમ તે કહેવું હાલમાં  કઠીન છે. કોરોનાવાઈરસે લોકોના મનમાં ભલે ઈન્ફેકશનનો ભય ઊભો કર્યો હોય પરંતુ ડિજિટલ પેમેન્ટસ કોઈપણ રીતે જોખમી નથી તે જો ગ્રામ્ય પ્રજાને સમજાવી દેવામાં આવે તો દેશને કેશલેસ ઈકોનોમી બનતા વાર નહીં લાગે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mFUYre
via Latest Gujarati News

Post a Comment

0 Comments