અમેરિકાના 24 કરોડ મતદારો માટે નિર્ણાયક ઘડી : બન્ને ઉમેદવારોનો વિજયી થવાનો દાવો
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર
અમેરિકામાં ભારે સુરક્ષા વચ્ચે મંગળવારે મતદાનનો આરંભ થઈ ગયો હતો. કોઈ પ્રકારની ગરબડ ન થાય અને હિંસા ન ફાટી નીકળે એટલા માટે સમગ્ર અમેરિકામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે.
મતદારોએ પણ ભારે ઉત્સાહ દાખવતા મતબૂથ બહાર લાંબી લાઈનો લગાડી હતી. પહેલેથી દસ કરોડ જેટલા મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી ચૂક્યા છે. દરમિયાન બન્ને ઉમેદવાર બિડેન અને ટ્રમ્પે પોતે જ જીતશે એવા દાવાઓ વારંવાર કર્યા હતા.
અમેરિકાના મોટા નગરોમાં તોફાનો ફાટી નીકળશે એવા ડરથી મોટા સ્ટોર-મોલ ધારકોએ પોતાની દુકાનો બહાર પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી દીધી છે. બીજા બધા તો ઠીક ખુદ પ્રમુખ ટ્રમ્પ પણ પોતાની તરફેણમા નિર્ણય ન આવે કે નિર્ણય મોડો આવે તો હિંસા થઈ શકે છે એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. આમેય અમેરિકામાં થોડા સમયથી શ્વેત-અશ્વેત હિંસાનો મામલો જરા ઉગ્ર બન્યો છે.
અમેરિકાના કુલ 23.9 કરોડ મતદાતાઓ છે. તેમાંથી સાડા નવ કરોડ મતદારો અર્લી વોટિંગમાં મત આપી ચૂક્યા છે. બાકીના 14 કરોડ મતદારો આજે રસ્તા પર ઉતર્યા હોય એવું દૃશ્ય સર્જાયું હતું. આ વખતની ચૂંટણી નિર્ણાયક ગણાતી હોવાથી બધા ઉમેદવારોએ મત આપવા અપીલ કરી હતી. એ અપીલ માનીને અમેરિકનો મતબૂથ આગળ ઉમટી પડયા હતા અને લાંબી લાઈનો જોવા મળી હતી.
અમેરિકાના વિવિધ રાજ્યોમાં વિવિધ ટાઈમઝોન હોવાથી મતદાનનો સમય પણ બધા રાજ્યો માટે અલગ અલગ હતો. પૂર્વના રાજ્યો ન્યૂયોર્ક, વર્જિનિયા, ન્યૂજર્સી વગેરમાં સૌથી પહેલા મતદાન આરંભાયું હતું. વિવિધ સર્વેક્ષણોમાં બિડેન અને ટ્રમ્પ બન્ને આગળ હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે 2016માં જે સર્વેક્ષણે ટ્રમ્પને વિજેતા ગણાવ્યા હતા સર્વે પ્રમાણે આ વખતે પણ ટ્રમ્પ જ જીતશે.
બિડેન જીતશે તો?
ટ્રમ્પ જીતે તો કોઈ નવાઈ નથી, તેમની પાસેે રહેણાંક-ઓફિસ તરીકે વ્હાઈટ હાઉસ છે. પણ બિડેન વિજેતા થાય તો? તેમણે ખુરશી પર તો છેક જાન્યુઆરી 2021માં બેસવાનું થશે. ત્યાં સુધી ટ્રમ્પ જ પ્રમુખ રહેશે. પરંતુ એ દરમિયાન અમેરિકી પ્રમુખપદના કાયદા પ્રમાણે બિડેન અને ઉપ પ્રમુખ કમલા હેરિસને ઓફિસ સહિતની જગ્યાઓ ફાળવી દેવામાં આવશે. આ માટે અમેરિકાના જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે.
નવેમ્બરનો પ્રથમ મંગળવાર મતદાનનો અફર દિવસ
અમેરિકામાં છેક 1845થી મતદાન તારીખના આધારે નહીં વાર પ્રમાણે થાય છે. ત્યાં નવેમ્બરના પહેલા મંગળવારે જ મતદાનની પરંપરા છે. એટલે મતદાન માટે તારીખ જાહેર કરવી જ પડતી નથી. આજનું વિકસિત અમેરિકા એક સમયે કૃષિ પ્રધાન રાષ્ટ્ર હતું. મતદારો શનિવાર સુધી કામ કરી રવિવારે મત આપવા રવાના થતાં. ચાલીને જતાં દૂરના મતદારો સોમવાર સુધી મત મથકે પહોંચી ન શકતા. તો બીજી તરફ બુધવારે ખેડૂતો માર્કેટમાં અનાજ આપવા જતા હતા. એટલે બુધવાર કે એ પછીના સપ્તાહના અંત સુધીના કોઈ વાર માફક આવતા ન હતા. છેવટે મંગળવાર ફાઈનલ કરવામાં આવ્યો, જે પરંપરા આજે પણ ચાલુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35WKNb0
via Latest Gujarati News
0 Comments