નાટકની સ્ક્રિપ્ટ લખવામાં 10% આઇડિયા અને 90% પેન-કાગળની કાળીમજુરી હોય છે


રંગમ થિયેટર ખાતે 'વર્લ્ડ થિયેટર ડે'ની ઉજવણી નિમિત્તે 'લેટ્સ સેલિબ્રેટ થિયેટર ટુ ગેધર'ના ઉદ્દેશ્ય સાથે રંગોત્સવનું આયોજન કરાયું, જેમા આર્ટિસ્ટ દ્વારા મેકઅપ, ફોટોગ્રાફી, રાઇટર એન્ડ થિયેટર એકટર, લાઇટ ડિઝાઇનિંગ જેવા વિષય પર બે દિવસીય એક્સપર્ટ ટૉકનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે સનમ કબીર, ગૌરાંગ આનંદ અને અંકિત ગૌરે થિયેટરને લગતી વિવિધ ટેકનિક, કરન્ટ ટ્રેન્ડ, પહેલા અને હાલના થિયેટરનું ટ્રાન્સફોર્મેશન અને ચેલેન્જિસ જેવા મહત્વના વિષય પર વાત કરી હતી. 

ફોટોગ્રાફી કરો ત્યારે અર્જુન નહિં ભીમ બનવું પડે

મહાભારતમાં અર્જુનને માત્ર માછલીની આંખ દેખાતી હતી પરંતુ જ્યારે તમે ફોટોગ્રાફી કરો ત્યારે તમારે અર્જુન નહિં ભીમ બનવું પડે. ફોટોગ્રાફી માટે તમે કોઇ સ્ટ્રોંગ મોડેલ કે સુપર સ્ટારને સામે ઊભા રાખો તેનાથી કામ પતી જતું નથી. તમે ફ્રેમ તૈયાર કરો ત્યારે કોસ્ચ્યુમ, થીમ, કલર, લાઇટ જેવી દરેક ઝીણામાં ઝીણી વસ્તુ જોવી પડે. - ગૌરાંગ આનંદ, આર્ટિસ્ટ-ફોટોગ્રાફર

સૌથી ઝડપી નાટક લખવામાં ૫ મહિના લઉ છું

જ્યારે હું નાટક લખું ત્યારે રાઇટર હોવું છું પરંતુ જ્યારે નાટક ડાયરેક્ટ કરવા બેસું ત્યારે મારામાં રહેલા રાઇટરને સુવાડી દઉં છું, આ બાબત ખૂબ ચેલેન્જિંગ લાગે. સ્ક્રિપ્ટ લખતી વખતે દસ હજાર લાઇન લખું જેમાંથી શ્રેષ્ઠ દસ લાઇન રાખું છું. એક વાર્તામાં ત્રણ પાત્રોની વાત કરવા ત્રણ અલગ કેરેક્ટરમાં વિચારીને ત્રણ વખત સ્ટોરી લખું છું. સૌથી ઝડપી નાટક લખવામાં પાંચ મહિના લઉં છું. કારણકે નાટકની સ્ક્રિપ્ટ લખવામાં ૧૦ ટકા આઇડિયા અને ૯૦ ટકા પેન અને કાગળની કાળીમજુરી હોય છે. - અંકિત ગૌર, થિયેટર એેક્ટર-રાઈટર

ડિરેક્ટરે હાથમાં ધબકતું હૃદય બતાવવાનું કહ્યું હતું તે મોટી ચેલેન્જ હતી 

થિયેટર પ્રોડક્શન અને ફિલ્મમાં કેવી રીતે મેકઅપ કરવામાં આવે છે તે દરેકે જોયું હશે પરંતુ તેમાં પણ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોય છે. બેક સ્ટેજથી તમારે મેકઅપ અંગે ધ્યાન રાખવાનું હોય છે. મારું માનવું છે કે એક આર્ટિસ્ટ માટે મેકએપ એ બાહ્ય ટૂલ્સ છે જો તમારે સુંદર દેખાવું હોય તો તમારી આંતરિક સુંદરતાને બહાર લાવો. કેરેક્ટર સ્ટડી અને પોતાની જાતમાં વિકસાવવાની કળા તમારા કામ સાથે જોડી રાખશે. મને એક વખત કોઇ ફિલ્મમાં ડાયરેક્ટરે હાથમાં ધબકતું હૃદય બતાવવાનું કહ્યું હતું જે મારા માટે મેજર ચેલેન્જ હતી. આ માટે મેં મટીરિયલ અંગે ધ્યાન રાખી તે વધારે વાસ્તવિક લાગે તે રીતે કામ કર્યું. - સનમ કબીર, મેકઅપ આર્ટિસ્ટ




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uk7aDk
via Latest Gujarati News

Post a Comment

0 Comments