નવી દિલ્હી, તા.27 માર્ચ 2019,બુધવાર
તૃણમુલના વડા મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે સ્પેસ સેટેલાઇટની સફળતાનો શ્રેય મોદીએ લેવાનો પ્રયાસ કર્યો છે, આમ કરીને મોદીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને તેથી તેમની વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરવામા આવશે.
જ્યારે ડાબેરી પક્ષ સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને આ અંગે સ્પષ્ટતા માગી છે. યેચુરીએ નરેન્દ્ર મોદી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે, જેને પગલે હવે ચૂંટણી પંચે પણ મોદીના ભાષણની કોપી માગી છે.
સિતારામ યેચુરીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે શું મોદીએ આ ભાષણની અનુમતી ચૂંટણી પંચ પાસેથી માગી હતી? આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી હોવા છતા ક્યાં કારણોસર આ ભાષણની અનુમતી આપવામાં આવી? હવે ચૂંટણી પંચ મોદીના ભાષણની તપાસ કરશે અને તેમાં આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેને ચકાસશે. આ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે.
જોકે અગાઉ ચૂંટણી પંચના સુત્રોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પરીક્ષણથી આચાર સંહિતાનો ભંગ થયો છે? એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા અંગેની કેબિનેટ કમીટીની બેઠક મળી હતી, જેના દ્વારા જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ પ્રકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુદ્દાઓ આચાર સંહિતામાં નથી આવતા. અને તેથી તેના માટે અગાઉથી કોઇ અનુમતી લેવાની જરુર નથી રહેતી. જોકે હવે મોદીના ભાષણ અંગે અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WqFIRZ
via Latest Gujarati News
0 Comments