
(પીટીઆઈ) તિરુચિરાપલ્લી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
તમિલનાડુના ૧૧૧ ખેડૂતોએ પોતાનો વિરોધ પ્રદર્શીત કરવા માટે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે. તમિલનાડુના ખેડૂત નેતા પી. અય્યાકન્નુએ રાજ્યના ૧૧૧ ખેડૂતો વારાણસીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવશે તેમ જણાવ્યું.
તમિલનાડુના ખેડૂત નેતા અને નેશનલ સાઉથ ઈન્ડિયન રિવર્સ ઈન્ટરલિન્કિંગ ફાર્મર્સ અસોશિએશનના અધ્યક્ષ પી. અય્યાકન્નુએ જણાવ્યા મુજબ ખેડૂતોએ ભાજપ પોતાના ઘોષણા પત્રમાં ખેડૂતોની પાકનું યોગ્ય વળતર સહિતની વિવિધ માંગોને સમાવિષ્ટ કરે તે માટે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે ૨૦૧૭ની સાલમાં પોતાની વિવિધ માંગોને લઈને ૧૦૦ દિવસ સુધી દિલ્હીમાં આંદોલન કર્યુ હતું.
અય્યાકન્નુએ જણાવ્યા મુજબ જો ભાજપ પોતાના ઘોષણા પત્રમાં ખેડૂતોની માંગ પૂરી કરાશે તેવું આશ્વાસન આપે તો તેઓ વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી લડવાના નિર્ણયને છોડી શકે છે. પરંતુ જો ભાજપ આશ્વાસન નહી ંઆપે તો ખેડૂતોને આગળ વધીને મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા પ્રોત્સાહિત કરાશે અને આ માટે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ તરફથી પણ સમર્થન મળ્યું છે.
અય્યાકન્નુને કોંગ્રેસ કે અન્ય પક્ષો નહીં પરંતુ ફક્ત ભાજપના ઘોષણા પત્રમાં જ ખેડૂતોની માંગ સમાવિષ્ટ કરવા શા માટે દબાણ કરાઈ રહ્યું છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે હાલમાં ભાજપ સત્તારુઢ પાર્ટી છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે માટે તેમનાથી વધારે આશા છે.
સાથે જ તેમણે તેઓ ભાજપ કે મોદીના વિરોધમાં નથી તેવો ખુલાસો કરતા કહ્યું કે સત્તા પર આવ્યા બાદ વડાપ્રધાને અમારી માંગ સંતોષવાનું વચન આપ્યું હતું. અય્યાકન્નુએ જણાવ્યા મુજબ દ્રમુક અને અમ્મા મક્કલ મુનેત્ર વગેરે પાર્ટીઓએ ખેડૂતોને સંપૂર્ણ દેવામાફીનું આશ્વાસન આપ્યું છે અને તેને પોતાના ઘોષણા પત્રમાં સ્થાન આપ્યું છે.
અય્યાકન્નુએ જણાવ્યા મુજબ તેમણે વારાણસી જવા માટે ટ્રેનની ૩૦૦ ટિકિટ બુક કરાવી છે તથા રાજ્યના તિરુવન્નામલાઈ અને તિરુચિરાપલ્લીના ખેડૂતો વારાણસી પહોંચશે. કેન્દ્રમાં ભાજપનું નેતૃત્વ ધરાવતી સરકારે ખેતીને લાભદાયક બનાવવાનું વચન આપ્યું હતું.
ખેડૂતોની માંગ છે કે રાષ્ટ્રીયકૃત સહિત તમામ બેંકમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તથા ૬૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતા ખેડૂતોને ૫,૦૦૦ રુપિયાનું પેન્શન આપવામાં આવે. જો તમિલનાડુના ભાજપના સાંસદ પોન રાધાકૃષ્ણન ખેડૂતોની માંગને ઘોષણા પત્રમાં સમાવિષ્ટ કરવાનું આશ્વાસન આપે તો તેઓ તેમના નિર્ણય અંગે પુન:વિચાર કરી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OozH5f
via Latest Gujarati News
0 Comments