ઇરાનમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની : 19નાં મોત, 94 ઘાયલ


તહેરાન, તા.26 માર્ચ, 2019, મંગળવાર

ઇરાનના મોટા ભાગના વિસ્તારમાં ફરી વળેલા પૂરના પાણીના કારણે ૧૯ લોકોના મોત થયા હતા, ૯૪ ઘાયલ થયેલા અને અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા તેમજ ધસમસતા પાણીના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયેલું.

 હવામાન ખાતાએ વધુ વરસાદની આગાહી કરતાં ઇમર્જન્સી સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ૨૦૧૮ સુધી ઇરાનમાં દુકાળની સ્થિતિ સર્જાતી હતી ત્યારે હેમેંશા  શુષ્ક અને સુકા  દેશમાં પૂરનું આવવું તે ચમત્કાર મનાય છે.

દક્ષિણી શહેર શિરાઝમાં ૧૭ જણા માર્યા ગયા હતા અને ૯૪ ઘાયલ થયેલા તો કરમનશાહ પ્રાંતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઇરાનમાં નવા વર્ષની ઉજવણીનો સમય હોવાથી ઇમર્જન્સી વિભાગના મોટાભાગના કર્મચારીઓ રજા પર ઉતરી ગયેલા. પરિણામે બચાવ અને રાહતની કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ હતી. શિરાઝમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગના રજા માણવા આવનાર પર્યટકો હતા જેઓ પોતાની કાર સાથે જ પાણીમાં તણાયા હતા.

ઇરાનના૩૧ પૈકી ૨૫ પ્રાંતોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અથવા તો પૂરનો સામનો કરી રહ્યા હતા.દેશની નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટિને કેબિનેટ સ્તરે સક્રિય કરી દેવામાં આવી હતી.' તમામ ગવર્નર-જનરલો, પ્રાંતના તમામ મેનેજરો અને સમગ્ર દેશના અધિકારીઓને આગામી ૭૨ કલાકમાં તેમની જગ્યાએ જ રહેવા આદેશ કર્યો હતો'એમ પ્રથમ ઉપ- પ્રમુખ  ઇશાઘ જહાંગીરીએ  કમિટિની પ્રથમ બેઠક પછી ટીવી પર કહ્યું હતું.

રાષ્ટ્ર  પ્રમુખ હસન રૂહાનીએ ભોગ બનેલાઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરતું એક નિવેદન જારી કર્યું હતું. અને  લશ્કર તેમજ ઇમર્જન્સી વિભાગે કરેલી કામગીરી બદલ તેમની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FtBh1U
via Latest Gujarati News

Post a Comment

0 Comments