ટ્રમ્પની દાદાગીરી: ઇમર્જન્સી લાદી મેક્સિકોની દિવાલ માટે એક અબજ ડોલર મંજૂર કરાવી લીધા


૯૨ કિમી લાંબી અને ૧૮ ફૂટ ઉંચી ફેંસિંગવાળી દિવાલ બનાવવા ટ્રમ્પ હજુ ૪.૭ અબજ ડોલર એકઠા કરશે

હાલ મેળવેલું ફંડ અમેરિકાના સૈન્ય માટે મંજૂર કરાયું હતું, તેને હવે દિવાલ માટે ટ્રન્સફર કરાતા વિપક્ષનો ભારે વિરોધ 

ટ્રમ્પે ૫.૭ અબજ  ડોલરની માગ કરી હતી, જેને અમેરિકન કોંગ્રેસે ફગાવી દેતા ઇમર્જન્સી લાગુ કરી હતી 

વોશિંગ્ટન, તા.26 માર્ચ, 2019, મંગળવાર

અમેરિકા અને મેક્સિકો વચ્ચે દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકાએ સંસદમાં જાણકારી આપી હતી કે આ દિવાલ બનાવવા માટે અમેરિકાની સરકારે આશરે એક બિલિયન ડોલર એટલે કે ૬૮.૯૩ અબજ રૂપિયાને મંજૂરી આપી દીધી છે. આ રૂપિયાનો ખર્ચ અમેરિકા અને મેક્સિકો વચ્ચે દિવાલ ઉભી કરવા માટે થશે.

 અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે તે મેક્સિકોમાંથી અમેરિકામાં થતી ગેરકાયદે ઘુસણખોરીને રોકવા માટે બન્ને દેશો વચ્ચે એક વિશાળ દિવાલ બનાવશે. તેમણે આ વચનને પુરુ કરી બતાવ્યું, જોકે બીજી તરફ હવે આ દિવલનો ભારે વિરોધ થઇ રહ્યો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે એવી માગણી કરી હતી કે આ દિવલના પૈસા પાડોશી દેશ મેક્સિકો આપશે. જોકે મેક્સિકોએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. ટ્રમ્પ આ દિવાલને બિગ બ્યૂટિફૂલ વોલ તરીકે ઓળખાવે છે, સાથે દાવો કરી રહ્યા છે કે દિવાલ બની ગયા બાદ મેક્સિકોથી જે ગેરકાયદે સરહદ પાર કરીને અમેરિકામાં અવર જવર તેમજ ડ્રગ્સની હેરાફેરી વધી ગઇ છે તેને અટકાવવામાં આવશે.

આ વિશાળ દિવાલ આશરે ૯૨ કિમી લાંબી હશે અને તેમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે. સાથે રોડ રસ્તા પણ બનાવવામાં આવશે. અમેરિકાના સંરક્ષણ વિભાગે પણ સૈન્યને આ દિવાલ બનાવવાની છુટ આપી દીધી હતી. 

આ દિવાલની ઉંચાઇ ૧૮ ફુટ રાખવામાં આવી છે કે જેથી તેને કોઇ કુદીને પણ ન આવી શકે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસ પાસે માગણી કરી હતી કે આ પ્રોજેક્ટ માટે ૫.૭ બિલિયન ડોલરનું ફંડ મંજૂર કરવામાં આવે, જોકે અમેરિકન કોંગ્રેસે ના પાડી દીધી હતી,

પરીણામે ટ્રમ્પે ઇમર્જન્સી જાહેર કરી દીધી હતી, અને કોંગ્રેસને બાજુમાં મુકીને સૈન્યના ફંડ સાથે આ દિવાલ બનાવવાની માગણી કરી હતી. અમેરિકન કોંગ્રેસમાં હાલ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકનની સત્તા નથી, તેથી ઇમર્જન્સી જાહેર કરીને અલગ અલગ ક્ષેત્રોમાંથી ફંડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલ આર્મી ક્ષેત્રના ૬૮.૯૩ અબજ રૂપિયાને મંજૂરી મળી ગઇ છે. ટ્રમ્પ હજુ અન્ય ક્ષેત્રો જેમ કે ટ્રેજરી ફોરેસ્ટ ફંડ, સંરક્ષણ વિભાગની દવા વિરોધી પ્રવૃત્તિ વગેરે. બીજી તરફ અમેરિકાના વિપક્ષ ડેમોક્રેટ્સે વિરોધ કર્યો હતો. સેનેટરો દ્વારા જારી એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ પગલાનો આકરા શબ્દોમાં વિરોધ કરીએ છીએ.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Opg9ha
via Latest Gujarati News

Post a Comment

0 Comments