ઈપોહ, તા.૨૩
ભારતીય મેન્સ હોકી ટીમે શાનદાર પ્રારંભ કરતાં અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટની સૌપ્રથમ મેચમાં એશિયન ચેમ્પિયન જાપાનને ૨-૦થી પરાજય આપ્યો હતો. ભારતના ટોચના સાત ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી આ મુકાબલામાં યુવા ટીમ ઉતારવામાં આવી છે, આમ છતાં ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં વિજયી શરૃઆત કરી હતી.
જાપાન સામેના બરોબરીના મુકાબલામાં ભારત તરફથી વરૃણ કુમાર અને સિમરનજીત સિંઘે ગોલ ફટકાર્યા હતા. હવે ભારત આવતીકાલે બીજી મેચમાં સાઉથ કોરિયા સામે ટકરાશે. મનપ્રીતની આગેવાની હેઠળની ટીમમાં અનુભવી ગોલકિપર શ્રીજેસ પણ સામેલ છે.
સાઉથ કોરિયાએ ટુર્નામેન્ટમાં ધમાકેદાર પ્રારંભ કરતાં ૬-૩થી કેનેડાને હરાવ્યું હતુ. છ ટીમો અંદરોઅંદર ગૂ્રપ મેચો રમશે અને ત્યાર બાદ ટોચના બે સ્થાન ધરાવતી ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમની ટીમો બ્રોન્ઝ મેડલ માટે ટકરાશે.
ટુર્નામેન્ટમાં ભારત, જાપાન,સાઉથ કોરિયા અને કેનેડાની સાથે સાથે પોલેન્ડ અને યજમાન મલેશિયા ભાગ લઈ રહ્યા છે.
મલેશિયાની ટીમે ૫-૧થી પોલેન્ડને હરાવીને પોઝિટીવ શરૃઆત કરી હતી. નોંધપાત્ર છે કે, મલેશિયાએ એશિયન ગેમ્સમાં ભારતની મેન્સ ટીમને સેમિ ફાઈનલમાં પેનલ્ટી શૂટ-આઉટના કરો યા મરોના મુકાબલામાં હરાવ્યું હતુ.
ભારત અને મલેશિયા વચ્ચે તારીખ ૨૬મી માર્ચે મુકાબલો ખેલાશે. જ્યારે ૨૭મી માર્ચે ભારત અને કેનેડા ટકરાશે. તારીખ ૨૯મી માર્ચે ભારત અને પોલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CAIE74
via Latest Gujarati News
0 Comments