(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.23 માર્ચ 2019,શનિવાર
એસએસસીની છેલ્લી પરીક્ષાના દિવસે ડોકયાર્ડ રોડ અને સેન્હર્સ્ટ રોડ સ્ટેશન વચ્ચે શુક્રવારે ટ્રેનમાંથી પટકાતા ૧૭ વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
ઝુબેર સિદ્ધિકી પરીક્ષા આપીને પાછો ફરી રહ્યો હતો ત્યારે સીએસએમટીથી વડાલા જવા લોકલમાં મુસાફરી કરી રહ્યો હતો. જીઆરપી (ગવર્મેન્ટ રેલવે પોલીસ)ના અધિકારીએ જણાવ્યું હતું કે આ બનાવ શુક્રવારે બપોરે બે વાગ્યે બન્યો હતો. અમે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે.
આ બનાવ અંગે જાણ થતાંની સાથે જ જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તે લોકલની અડફેટે આવી ચૂક્યો હતો. યુવકને સાયન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ ડોક્ટરે તેને તપાસતાં મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું.
મોબાઈલ ફોનમાં યુવકના પિતાનો નંબર મળી આવતાં તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો ખૂબ જ સારો ફૂટબોલ પ્લેયર છે. પરંતુ મેં તેને હાલમાં ભણવા પર ધ્યાન આપવાનું જણાવ્યું હતું. અમે આ સમાચારથી ખૂબ જ આઘાતમાં છીએ.
ઝુબેર અને તેના મિત્રોએ શુક્રવારે ફોર્ટમાં આવેલાં સેન્ટરમાં છેલ્લી પરીક્ષા આપ્યાં બાદ શુક્રવારે અંજુમન ઇસ્લામમાં નમાઝ અદા કરી હતી.
ત્યારબાદ ઘરે જવા લોકલ પકડી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મળી એ અનુસાર અકસ્માત થવાનું કારણ જણાઈ આવ્યું નથી. પરંતુ સ્ટંટ કરવા દરમિયાન નિયંત્રણ ગુમાવતાં બનાવ બન્યો હોવાની શક્યતા વર્તાવાઈ રહી છે.
જીઆરપી અને આરપીએફ દ્વારા જાગરૂકતા અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે અને સ્ટંટબાજી કરવો નહીં એવું પણ આહવાન કરવામાં આવતું હોય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQI2gQ
via Latest Gujarati News
0 Comments