અરુણાચલને ભારતનો ભાગ દર્શાવતા 30 હજાર નક્શાઓનો ચીને નાશ કર્યો


આ નક્શાઓમાં તાઇવાનને એક અલગ દેશ બતાવવામાં આવ્યો હોવાનો પણ ચીને વિરોધ કર્યો   

બેઇજિંગ, તા.26 માર્ચ, 2019, મંગળવાર

ચીનની અવળચંડાઇ હજુ પણ જારી છે, તિબેટને હડપી લેનારુ ચીન હવે ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ પર મેલી નજર રાખીને બેઠુ છે જેને પગલે આ રાજ્યને પોતાનું ગણાવી રહ્યું છે. હાલ ચીને એવા ૩૦ હજાર નક્શાઓનો નાશ કર્યો છે કે જેમાં અરુણાચલને ભારતમાં બતાવવામાં આવ્યું છે. 

ચીનના અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સમાં આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ચીન સરકારે આશરે ૩૦ હજાર નક્શાઓનો નાશ કર્યો છે કે જેમાં અરુણાચલ પ્રદેશને ભારતને ભાગ દર્શાવવામાં આવ્યો છે અને તાઇવાનને અલગ દેશ બતાવવામાં આવ્યો છે. 

ચીન ન માત્ર અરુણાચલ પ્રદેશ તાઇવાનને પણ પોતાનું ગણાવી રહ્યું છે.  માત્ર સરકારી વિભાગો સાથે નક્શાના માર્કેટોમાં પણ ચીને તપાસ કરીને આ નક્શાઓને શોધ્યા હતા અને તેનો નાશ કર્યો હતો. ચીની મીડિયાએ ચીન સરકારના આ પગલાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે આ નક્શાઓને સુધારવા જરુરી હતા. તેથી હવે ચીનમાં એવા નક્શાઓને જ સ્થાન મળશે કે જેમાં અરુણાચલ પ્રદેશ અને તાઇવાન ચીનના દર્શાવવામાં આવ્યા હોય.

જોકે આવું શક્ય નથી, કેમ કે વિશ્વના નક્શાઓમાં અરુણાચલ ભારતનું અને તાઇવાન અલગ દેશ છે. ચીને કાગળ કે પ્લાસ્ટિકના નક્શાઓનો તો નાશ કર્યો છે પણ ગૂગલ મેપ જેવા ડિજિટલ નક્શાઓમાં ફેરફાર કરવો તેના માટે અશક્ય છે. ચીન દાવો કરી રહ્યું છે કે અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તિબેટને ચીને હડપી લીધુ છે.  

ચીનની વિદેશી બાબતોની યુનિ.ના આંતરરાષ્ટ્રીય કાયદા વિભાગના પ્રોફેસર લુ વેંઝોંગે જણાવ્યું હતું કે બન્ને તાઇવાન અને દક્ષીત તિબેટ ચીનની સરહદનો જ ભાગ છે અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે તેને અન્ય દેશનો ભાગ ન બતાવી શકાય. અરુણાચલ પ્રદેશમાં કોઇ ભારતીય નેતા મુલાકાત લે તો પણ ચીન તેનો વિરોધ કરે છે. અગાઉ પણ આ જ પ્રકારની અવળચંડાઇઓ ચીન કરી ચુક્યું છે. તેમના સરકારી દસ્તાવેજોમાં પણ ચીન અરુણાચલને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ublcat
via Latest Gujarati News

Post a Comment

0 Comments