ચાલુ નાણાંકીય વર્ષમાં પસંદગીના 39 લાર્જકેપ શેરોમાં 60% સુધીના ઊછાળા

અમદાવાદ, તા. 26  માર્ચ, 2019, મંગળવાર

વિવિધ સાનુકૂળ પરિબળો વચ્ચે ચાલુ ૨૦૧૯ના નાણાંકીય વર્ષમાં પસંદગીના ૩૦ લાર્જકેપ શેરોમાં ૬૦ ટકા સુધીના ઊછાળા નોંધાયા છે. જો કે સૂચિત સમયમાં બજારમાં ભારે વોલેટાલિટી ઉદ્ભવ્યા બાદ છેલ્લા બે માસમાં બજારમાં સંગીન સુધારો જોવા મળ્યો છે.

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરની વિવિધ ગતિવિધીના પગલે ૨૦૧૯ના નાણાંકીય વર્ષમાં બજારમાં ભારે વોલેટાલિટી જોવા મળી છે. જેમાં વેચવાલીના દબાણ પાછળ આગેવાન ઈન્ડેક્સની સાથોસાથ પસંદગીના શેરો પણ તળિયાની સપાટીએ ઉતરી આવ્યા હતા. તેમાંય વળી સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમાં મોટાપાયે ધોવાણ થતા રોકાણકારોને ભારે નુકસાન થવા પામ્યું હતું.

ચાલુ નાણાંકીય વર્ષના અંતિમ તબક્કામાં એટલે કે ગત જાન્યુઆરી માસના મધ્ય ભાગ પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઉભરતા બજારોમાં ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કરાતા બજારનો ટ્રેન્ડ બદલાઈ જવા પામ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીમાં સ્થિર સરકારની રચનાના આશાવાદની પણ બજાર પર સાનુકૂળ અસર જોવાઈ હતી.

આમ, જાન્યુઆરીના મધ્ય ભાગ પછી નીકળેલ નવી લેવાલી પાછળ તમામ સેગમેન્ટના શેરોમાં એટલે કે, લાર્જકેપ, મિડકેપ તથા સ્મોલકેપ ક્ષેત્રના પસંદગીના શેરોમાં સંગીન સુધારો થવા સામે બેઉ આગેવાન મુખ્ય ઈન્ડેક્સ તેની ઓલટાઈમ હાઈ સપાટીની તરફ આગળ વધ્યા હતા.

૨૦૧૯ના નાણાંકીય વર્ષમાં પસંદગીના ૩૦ જેટલા લાર્જકેપ શેરોમાં ૧૦ થી ૬૦ ટકા સુધીના ઊછાળા નોંધાયા છે. 

જેમાં રિલાયન્સ ઈન્ડ., આઈસીઆઈ બેંક, ડો. રેડ્ડી લેબ, ડાબર, ટીસીએસ, એક્સિસ બેંક સહિત અન્યનો સમાવેશ થાય છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ આગામી સપ્તાહથી શરૂ થનાર નવા ૨૦૨૦ના નાણાંકીય વર્ષના પ્રારંભિક તબક્કામાં શેરબજારમાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળે તેવી સંભાવના છે. તાજેતરમાં લાર્જ તેમજ મિડ-સ્મોલકેપ શેરો જે ઉંચા મથાળે પહોંચ્યા છે તેમાં નફો બુક થવાની સંપૂર્ણ શક્યતા છે. તેથી સામાન્ય રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું હિતાવહરૂપ પૂરવાર થશે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSLcAR
via Latest Gujarati News

Post a Comment

0 Comments