શેર ટ્રાન્સફર માટે હવે કંપનીનો નહીં પણ સરકારનો સંપર્ક સાધવો પડે તેવી શકયતા

મુંબઈ, તા. 26  માર્ચ, 2019, મંગળવાર

શેર ટ્રાન્સફર કરવાની કામગીરી કંપનીઓના હાથમાંથી લઈને સરકારને સોંપવા કંપની બાબતોનું મંત્રાલય કંપનીઝ ધારામાં સુધારો કરવા આગ્રહ ધરાવી રહ્યું છે. આ સુધારાથી શેર ટ્રાન્સફરની કામગીરીનું કેન્દ્રીકરણ થવા ઉપરાંત તેમાં સરળતા આવશે અને અંદાજે રૂપિયા ૨૦૦૦ કરોડના દાવા કર્યા વિનાના બાકી પડેલા ડિવિડન્ડસના મુદ્દાનો પણ ઉકેલ આવી શકશે.

કંપનીઝ ધારામાં સુધારો થઈ ગયા બાદ દાવેદારે પોતાના નામે શેર ટ્રાન્સફર કરાવવા માટે કંપનીનો નહી ંપરંતુ સરકારનો સંપર્ક સાધવાનો રહેશે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં શેર ટ્રાન્સફર કરવાની જવાબદારી કંપનીના માથે છે.

હાલમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ હોવાથી આ દરખાસ્ત હવે નવી સરકાર સમક્ષ રજુ કરાશે. શેરધારકના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોના નામે શેર ટ્રાન્સફર કરવાની સ્થિતિ ઊભી થાય છે. 

જો આ સુધારો દરખાસ્ત પ્રમાણે મંજુર થઈ જશે તો, શેર ટ્રાન્સફરની જવાબદારી ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ફન્ડ ઓથોરિટીને સોંપવામાં આવશે. દાવા કર્યા વગરના ડિવિડન્ડ પણ ઓથોરિટી સમક્ષ જમા કરવામાં આવે છે. 

દાવો કરાયા વગરના ૪૦ કરોડથી વધુ શેરો હાલમાં ઓથોરિટી સમક્ષ પડયા છે. આ શેરોની  કિંમત કરોડો રૂપિયામાં થાય છે એમ પણ અધિકારીએ ઉમેર્યું હતું. જે શેરધારકો પોતાના ડિવિડન્ડ માટે દાવા કરતા નથી તેમની પાસે શેરો યા તો સર્ટિફિકેટના સ્વરૂપમાં પડયા છે અથવા તો તે ગુમાઈ ગયા છે.

એવા ૨૫ લાખ જેટલા રોકાણકારો છે જેમણે પોતાના ડિવિડન્ડ માટે દાવો કર્યો નથી એમ ઓથોરિટીના સુત્રોએ જણાવ્યું હતું.  દરેક ફિઝિકલ શેરોને ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધીમાં ડીમેટમાં રૂપાંતરિત કરાવી લેવાનું  સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ફરજિયાત કરાયું છે. 

સહી ફરકને કારણે શેરો ટ્રાન્સફર થવામાં વિલંબ તથા શેર સર્ટિફિકેટ ગુમાઈ જવાને કારણે પણ ડિવિડન્ડ માટે દાવા કરવાનું શેરધારકો માટે મુશકેલ બની રહ્યું છે. પોતાના ડિવિડન્ડ પેમેન્ટસ માટે દાવો કરવા સંદર્ભમાં રોકાણકારો ખાસ  માહિતગાર હોતા નથી.   કેન્દ્રના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ૨૦૧૬માં ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ફન્ડ ઓથોરિટીની રચના કરી છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uroN5R
via Latest Gujarati News

Post a Comment

0 Comments