
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 30 માર્ચ, 2019 શનિવાર
લોકસભા ચૂંટણી પૂરજોશમાં તૈયારી વચ્ચે ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં ફોરેન ફંડો-એફપીઆઈ અને એફઆઈઆઈના જંગી રોકાણ પ્રવાહે શેરોમાં અવિરત ખરીદી ચાલુ રહીને સેન્સેક્સને ૩૮૫૦૦ અને નિફટીને ૧૧૫૦૦ની સપાટી પાર કરાવી છે. ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંત સુધી મંદીવાળાઓને મચક નહીં આપીને ફંડોએ મહારથીઓના સથવારે તેજીના ચક્રને ગતિમાન રાખીને આગામી ચૂંટણીમાં ફરી સ્થિર સરકાર રચાવાની હોવાની અપેક્ષાએ નવા વિક્રમ તરફ બજારને દોરી ગયા છે. તેજીનો આ દોર હજુ કેટલો આગળ વધશે એ વિશે અત્યારે તેજીમાં રહી ગયેલો વર્ગ ઓવરબોટ, કરેકશન ઓવરડયુ થઈ ગયું હોવાનું માનીને બજારથી અળગો થયો છે. જ્યારે તેજીની મજબૂત પકડ ધરાવતાં વર્ગે સતત મજબૂતીમાં ફોરેન ફંડોના સથવારે આક્રમક તેજી કરીને ઈન્ડેક્સ મેનેજમેન્ટ ચાલુ રાખ્યું છે. અલબત ગત સપ્તાહના અંતે ફરી ફોરેન ફંડો ઘણાં દિવસો બાદ એકાએક સપ્તાહના અંતિમ દિવસે નેટ ખરીદદારમાંથી નેટ વેચવાલ બન્યા છે, આ સામે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ઘણાં દિવસો બાદ મોટી ખરીદીના આંકડા આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી સપ્તાહમાં ૨ થી ૪ એપ્રિલ ૨૦૧૯ના યોજાનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગનો નિર્ણય ૪ એપ્રિલના જાહેર થનાર છે, ત્યારે આરબીઆઈ આ વખતે આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેશે કે પછી ચૂંટણીઓ સુધી ફુગાવાને કેન્દ્રમાં રાખીને સાવચેતીનો સૂર આલાપશે એના પર નજર રહેશે. જે હવે સાવચેતીનો સંકેત આપે છે, ચૂંટણીના પ્રચાર યુદ્વ સાથે સાથે ચૂંટણીમાં કોણ મેદાન મારશે અને કોની કેટલી સીટો આવશે એની અટકળોએ જોર પકડવા લાગ્યું હોઈ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે બજાર અથડાઈ જવાની આગામી સપ્તાહમાં પૂરી શકયતા રહેશે.
ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી છતાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાશે
લોકસભા ચૂંટણીમાં પ્રિ-ઈલેકશન શેરોમાં ફોરેન ફંડોની ફરી ભારતમાં સ્થિર સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર રચાવાની અપેક્ષાએ વન સાઈડ તેજી જોવાયા બાદ હવે ફરી એક અંદાજ આ વખતે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં ક્ષેત્રીય પક્ષો મેદાન મારી જઈને કેન્દ્રમાં સ્થિર-સ્પષ્ટ બહુમતીવાળી સરકારને બદલે ક્ષેત્રીય પક્ષો પર નિર્ભર સરકાર રચવા મોટા પક્ષને મજબૂર કરશે એવી એક શકયતા ચર્ચાવા લાગતાં ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ હવે ઉછાળે સાવચેતી જોવાય એવી સંભાવના છે. અલબત હજુ આ સમીકરણો સતત ચૂંટણીના પ્રચાર યુદ્વ સાથે બદલાતાં રહેવાની શકયતા સાથે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ હવે પૂરું થઈ રહ્યું છે, ત્યારે નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની આગામી સપ્તાહમાં થનારી શરૂઆતમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ જળવાઈ રહેવાની સંભાવના છે. જેથી ચૂંટણીના આ ચકરાવ છતાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં ફંડોના વેલ્યુબાઈંગ સાથે રોકાણ કરનારા રોકાણકારોને આગામી દિવસોમાં ઊંચુ વળતર છુટવાની શકયતા રહેશે.
રિઝર્વ બેંકની ૨ થી ૪ એપ્રિલના ધિરાણ નીતિ સમીક્ષા તેમ જ માર્ચના મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ પીએમઆઈ આંક પર નજર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી સપ્તાહમાં ૨ થી ૪ એપ્રિલના યોજાનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ અને આ મીટિંગનો નિર્ણય ૪,એપ્રિલના જાહેર થનારો હોઈ એના પર બજારની મોટી નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં ૨,એપ્રિલના રોજ ભારત માટેના નિક્કી ઈન્ડિયા મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક અને ૪,એપ્રિલના નિક્કી ઈન્ડિયા સર્વિસિઝ પીએમઆઈ આંક જાહેર થનારા હોઈ એના પર નજર રહેશે. જ્યારે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યની વધઘટ અને અમેરિકા-ચાઈના ટ્રેડ વાટાઘાટની આગળ વધેલી મંત્રણામાં આગામી સપ્તાહમાં શું નિર્ણય આવે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. આ ઈવેન્ટસ-પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૯૦૩૯ થી ૩૮૨૩૮ અને નિફટી ૧૧૭૩૩ થી ૧૧૫૧૧ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા છે.
ડાર્ક હોર્સ :Shilchar Technologies Ltd.
માત્ર બીએસઈ(૫૩૧૨૦૧) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૯૦માં સ્થાપિત,૬૫.૮૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, શિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ(Shilchar Technologies Ltd.) ભારતની પ્રમુખ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ અને પાવર તેમ જ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સની મેન્યુફેકચરર્સ છે. આર-કોર ટ્રાન્સફોર્મર્સ મેન્યુફેકચરીંગ માટે સ્થપાયેલી અને તેમાં સારા પ્રતિસાદ બાદ કંપનીએ ફેરાઈટ ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગમાં સાહસ ખેડયું હતું. વિસ્તરણ યોજનાઓના ભાગરૂપ કંપનીએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૭માં તબક્કાવાર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મર્સનું મેન્યફેકચરીંગ શરૂ કર્યું હતું. કંપની અત્યારે વિવિધ ઈન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટ યુટીલિટી થી રીન્યુએબલ એનજીૅ ક્ષેત્રના વિસ્તૃત વર્ગ અને વ્યક્તિગત રીટેલ ગ્રાહકોને વિશ્વભરમાં આવરી લે છે.
કંપની ૫ કેવીએ થી ૩૦૦૦ કેવીએ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ અને ૩૦૦૦ કેવીએ થી ૫૦,૦૦૦ કેવીએ ક્ષમતાના પાવર ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગમાં સક્રિય છે. કંપની રીન્યુએબલ એનજીૅ ક્ષેત્ર માટે સોલાર અને વિન્ડમિલ ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગ પર ફોક્સ કરે છે. અત્યારે ટ્રાન્સફોર્મર ઉદ્યોગ ૬૫ ટકા જેટલી ક્ષમતા વપરાશે કાર્યરત છે. ઘણા સાહસિકોએ અન્ય બિઝનેસો કરવાનું શરૂ કરતાં અને હરીફો પૈકી કેટલાકે ટ્રાન્સફોર્મર્સ પરનું ફોક્સ ઘટાડયું છે. આ છતાં હરીફાઈ સતત જળવાઈ રહી છે. ઉદ્યોગમાં છેલ્લા આઠ વર્ષના નવી ક્ષમતાનો ઉમેરો થયો નથી.સક્ષમતા વધારવા ખાનગી ક્ષેત્રમાં મૂડી ખર્ચ જોવાઈ રહ્યો છે.નવા ધોરણો અને સક્ષમતા વધારવા પર વધુ ફોક્સથી ટ્રાન્સફોર્મર્સ માટેની માંગ કેમિકલ્સ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, ફૂડ પ્રોસેસીંગ, રીફાઈનીંગ વગેરે જેવા ઉદ્યોગોમાંથી વધી રહી છે. આ સિવાય અન્ય ઉદ્યોગોમાંથી પણ માંગ નીકળી રહી છે.સરકારી અને ખાનગી ક્ષેત્રમાંથી સોલાર ટ્રાન્સફોર્મર્સની માંગ વધી રહી છે.જીએસટી સંબંધિત સમસ્યા મોટાભાગે દૂર થઈ છે.
કંપનીના કુલ વેચાણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રીન્યુએબલ એનજીૅ સેગ્મેન્ટનો હિસ્સો જે ૩૦ ટકા હતો, એ હવે વધીને ૫૦ ટકા જેટલો થઈ ગયો છે. કંપનીનું લક્ષ્ય આ હિસ્સો વધારીને કુલ વેચાણના ૬૦ ટકા કરવાનું છે. અન્ય ટ્રાન્સફોર્મર્સની તુલનાએ સોલાર ટ્રાન્સફોર્મર્સમાં સામાન્ય રીતે માર્જિન વધુ રહે છે. કંપનીએ તેની જંબુસર હાઈવે સવલતમાં નવી ઉત્પાદન સવલતો પર મોટું રોકાણ કર્યું છે.આ નવી સવલત અત્યાધુનિક ઈક્વિપમેન્ટસ અને મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ ધરાવે છે. કંપનીએ આ સવલતમાં રૂ.૩૬ કરોડનું રોકાણ કર્યું છે, આ સવલત જ્યારે ૧૦૦ ટકા ક્ષમતા વપરાશે કાર્યરત થશે ત્યારે આવકમાં ત્રણ ગણા જેટલો વધારો થવાની અપેક્ષા છે.
કાચામાલના ભાવોમાં ઘટાડા અને ઓર્ડરોના પ્રવાહમાં વૃદ્વિ સાથે ભારતીય ટ્રાન્સફોર્મર મેન્યુફેકચરર્સની નાણાકીય કામગીરીમાં સુધારો નોંધાઈ રહ્યો છે. પાવર ક્ષેત્રમાં રોકાણોની યોજના અને નિકાસ તકો સાથે ઈન્ટર-રીજીયનલ ક્ષમતાએ નજીક થી મધ્યમગાળામાં ટ્રાન્સફોર્મર્સની માંગ જળવાઈ રહેવાની શકયતા છે. શિલ્ચર ટેકનોલોજી પણ અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોતાની તકનિકી ક્ષમતા અપગ્રેડ કરવા પર ફોક્સ કર્યું છે અને એનાથી તેના બજાર હિસ્સામાં અને નફાકારકતામાં સુધારો આવી રહ્યો છે.
શેર હોલ્ડિંગ પેર્ટન ઃ
પ્રમોટર્સ પાસે ૬૫.૮૫ ટકા હોલ્ડિંગ, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર હય્યાન અલી મલ્લાહ અલ લાવાટી પાસે ૧.૧૦ ટકા સિવાય રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૮.૧૪ ટકા છે.
બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૪ના રૂ.૬૩.૫૪, માર્ચ ૨૦૧૫ના રૂ.૭૭, માર્ચ ૨૦૧૬ના રૂ.૯૭.૮૮, માર્ચ ૨૦૧૭ના રૂ.૧૩૦.૦૧, માર્ચ ૨૦૧૮ના રૂ.૧૪૧.૭૨, અપેક્ષિત માર્ચ ૨૦૧૯ના રૂ.૧૬૭
નાણાકીય પરિણામો ઃ
(૧) સંપૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ ઃ
ચોખ્ખી આવક રૂ.૧૦૯.૧૯ કરોડની તુલનાએ ૨૦ ટકા ઘટીને રૂ.૮૭.૫૩ કરોડ મેળવીને એનપીએમ ૬.૬૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨.૨૯ કરોડની તુલનાએ ૫૨ ટકા ઘટીને રૂ.૫.૮૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૩૨.૩ થી ઘટીને ૧૫.૪ હાંસલ કરી હતી.
(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ ઃ
ચોખ્ખી આવક રૂ.૨૦.૪૭ કરોડની તુલનાએ ૬૭ ટકા વધીને રૂ.૩૪.૧૨ કરોડ મેળવીને એનપીએમ ૧૦.૨૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧.૦૪ કરોડની તુલનાએ ૨૪૩ ટકાના ઉછાળે રૂ.૩.૫૫ કરોડ હાંસલ કરીને શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૯.૩૧ નોંધાવી છે.
(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ ઃ
ચોખ્ખી આવક રૂ.૬૨.૦૨ કરોડની તુલનાએ ૪૩ ટકા વધીને રૂ.૮૮.૭૪ કરોડ મેળવી એનપીએમ ૬.૯૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪.૧૬ કરોડની તુલનાએ ૫૮ ટકા વૃદ્વિએ રૂ.૬.૫૮ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૧૭.૨૫ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ ઃ
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૨૫.૩૭ કરોડ પર એનપીએમ ૭.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૯.૭૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨૫.૨૫ અપેક્ષિત છે.
(૫) વેલ્યુએશન : સિંગલ B ઃ
ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ ઉદ્યોગના સરેરાશ ૧૫નો પી/ઈ સામે કંપનીને આટલો જ પી/ઈ આપીએ તો પણ શેર અપેક્ષિત કમાણીએ રૂ.૩૮૦ને આબીં શકે.જે માટે વેલ્યુએશન સિંગલ B
આમ (૧) ૬૫.૮૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખા નફામાં ૨૪૩ ટકાનો ઉછાળો નોંધાવનાર (૩) પ્રથમ નવ માસિક એપ્રિલ થી ડિસેમ્બર ૨૦૧૮માં ચોખ્ખા નફામાં ૫૮ ટકા વૃદ્વિ હાંસલ કરનાર (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૧૮-૧૯માં ચોખ્ખી આવક રૂ.૧૨૫.૩૭ કરોડ અને ચોખ્ખો નફો રૂ.૯.૭૦ કરોડ થકી અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૨૫.૨૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૬૭ સામે શેર માત્ર બીએસઈ પર રૂ.૩૩૦ ભાવે ૧૩.૦૬ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ :રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ :arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CLJpu6
via Latest Gujarati News
0 Comments