નિરવ મોદીએ જામીન માટે કુતરાની દેખરેખ રાખવી છે જેવી હાસ્યાસ્પદ દલિલો કરી હતી


નિરવ મોદીનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરવા ગયો હોવાથી એકલુ ન લાગે માટે તેઓ પોતાની પાસે કુતરો રાખે છે : વકીલ

લંડન, તા.30 માર્ચ, 2019, શનિવાર

લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં નિરવ મોદીનો કેસ પણ ચાલી રહ્યો છે. અગાઉ નિરવ મોદીને જામીન માટે અરજી કરી હતી જેને ફગાવી દેવાતા બીજો પ્રયાસ કર્યો હતો જોકે બીજી અરજીને પણ ફગાવી દેવામાં આવી હતી. દરમિયાન નિરવ મોદીએ જામીન માટે અનેક એવી દલીલો પણ કરી હતી કે જે ઘણી જ હાસ્યાસ્પદ પણ હતી.

 એક દલિલમાં નિરવ મોદીએ કહ્યું હતું કે મારે મારા કુતરાનું પણ ધ્યાન રાખવાનંુ છે તેથી પણ મારી જામીન અરજીને મંજૂર કરવામા આવે. આ ઉપરાંત પોતાના પુત્રના અભ્યાસ સહીતની દલિલો નિરવ મોદીએ કરી હતી જેને વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજ એમાએ ફગાવી દીધી હતી અને બીજી વખત જામીન અરજી રદ કરી હતી. જેથી નિરવ મોદી જેલમાં જ રહેશે. 

જ્યારે કોર્ટમા જામીન અરજીની સુનાવણી ચાલી રહી હતી ત્યારે મોદીના વકીલ ક્લેર મોન્ટગોમેરીએ અનેક દલિલો કરી હતી, જેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે નિરવ મોદીનો પુત્ર લંડનના ચાર્ટરહાઉસ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને હવે યુનિ.માં વધુ અભ્યાસ માટે ગયો છે. જેને પગલે નિરવ મોદીએ હુંફ મળી રહે તેથી કુતરાને પાળ્યું છે, આ પ્રકારની લાગણી ધરાવતી વ્યક્તિ કોઇ દિવસ દેશ છોડીને ન જાય. બ્રિટનમાં પ્રાણીઓને પ્રેમ કરનારાઓના અધિકારોનું ધ્યાન રાખવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. નિરવ મોદીએ અન્ય કોઇ પણ દેશમાં નાગરીક્તા માટે પણ અરજી નથી કરી.

જોકે નિરવ મોદીના વકીલની આ દલિલોને ભારત વતી કેસ લડી રહેલા ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ)ના વકીલે એવી દલીલ કરી હતી કે નિરવ મોદી પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કેમ કે અગાઉ પણ તેઓ અનેક વખત જુદા જુદા દેશમાં જતા આવતા રહ્યા છે. અને આ બધુ ભારતે પાસપોર્ટ રદ કર્યો તે બાદ કર્યું છે. નિરવ મોદીએ એક સાક્ષીને હત્યાની પણ ધમકી આપી હોવાના પુરાવા કોર્ટમાં રજુ કરાયા હતા તેથી નિરવ મોદીની કોઇ પણ દલીલ ન ચાલી અને જામીન અરજી રદ કરી ફરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCm02K
via Latest Gujarati News

Post a Comment

0 Comments