ઈપોહ, તા.૨૬
ભારતીય મેન્સ હોકી ટીમે યજમાન મલેશિયાને ૪-૨થી હરાવીને સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. એશિયન ગેમ્સની સેમિ ફાઈનલમાં મલેશિયા સામેની હાર બાદ ભારતે અંહી જીતવું અત્યંત જરુરી હતી અને કોચ વિના રમી રહેલી યુવા ટીમે તેમાં કોઈ ભુલ કરી નહતી. ભારત તરફથી સુમિત, સુમિત કુમાર, વરૃણ કુમાર અને મનદીપ સિંઘે ગોલ ફટકાર્યા હતા. જ્યારે મલેશિયા તરફથી મુહમ્મદ રાઝી અને મુહમ્મદ ફિરહાને ગોલ ફટકાર્યા હતા.
સાત દેશોની એલિટ હોકી ટુર્નામેન્ટમાં ભારતે આ જીતની સાથે સાત પોઈન્ટ્સ મેળવ્યા છે અને ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. સાઉથ કોરિયાની ટીમના પણ સાત પોઈન્ટ્સ છે. જોકે તેઓએ વધુ ગોલ ફટકાર્યા હોવાને કારણે પોઈન્ટ ટેબલમાં આગળના સ્થાને છે. ભારતે અગાઉ ૨-૦થી એશિયન ગેમ્સના ફાઈનલીસ્ટ જાપાનને હરાવ્યું હતુ. જોકે ત્યાર બાદ ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો થી હતી. હવે ભારત આવતીકાલે બપોરે ૩.૩૦થી કેનેડા સામે ટકરાશે.
આજના મુકાબલામાં ભારતને સુમિતના ૧૭મી મિનિટના ગોલથી સરસાઈ મળી હતી. જોકે ચાર મિનિટ બાદ રાઝીના ગોલને સહારે મલેશિયાએ બરોબરી પ્રાપ્ત કરી હતી. આ પછી ૨૭મી મિનિટે સુમિત કુમારે અને ૩૬મી મિનિટે વરૃણ કુમારે ગોલ ફટકારતાં ટીમને ૩-૧થી સરસાઈ અપાવી હતી. જ્યારે આખરી ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ફિરહાને ગોલ ફટકારીને મલેશિયાનો ઉત્સાહ વધાર્યો હતો. જોકે તે પછીની મિનિટે જ મનદીપે ગોલ ફટકારતાં ભારતને ૪-૨થી જીત અપાવી હતી.
અન્ય મુકાબલામાં સાઉથ કોરિયાએ ૩-૨થી પોલેન્ડને હરાવ્યું હતુ. જ્યારે કેનેડાએ ૨-૧થી જાપાન સામે જીત હાંસલ કરી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uw5Pe8
via Latest Gujarati News
0 Comments