કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈડ રાઈડર્સ વચ્ચે ટક્કર

કોલકાતા, તા.૨૬

રાજસ્થાન સામેની મેચ દરમિયાનના 'માંકડેડ' વિવાદમાં સપડાયેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આવતીકાલે યજમાન કોલકાતા નાઈડરાઈડર્સને તેના હોમગ્રાઉન્ડ પર પડકારશે. કોલકાતાએ પ્રથમ મેચમાં સરરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતુ. જ્યારે પંજાબે વિવાદોની વચ્ચે રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવી હતી. હવે બંને ટીમો આઇપીએલની બારમી સિઝનમાં વિજયી પ્રભુત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ખેલાનારો ટ્વેન્ટી-૨૦ મુકાબલો હાઈસ્કોરિંગ રહેશે તેમ મનાય છે.

કોલકાતા અને પંજાબ એમ બંને ટીમોમાં ધરખમ બેટસમેનો છે, વધુમાં બંને ટીમોમાં જબરજસ્ત સ્પિનરો પણ છે, જેઓ મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે આગામી મુકાબલો ભારે રોમાંચક બનશે તે નક્કી લાગી રહ્યું છે. ઈડન ગાર્ડન્સમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી આ મુકાબલો શરૃ થશે.

દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની ટીમમાં એન્ડ્રે રસેલ અને નિતિશ રાણા તેમજ સુનિલ નારાયણ સહિતના સુપરસ્ટાર્સ સામેલ છે. જ્યારે પંજાબની ટીમમાં ગેલ, અશ્વિન અને મુજીબ જેવા ધરખમ ક્રિકેટરો છે. આ કારણે ઈડન ગાર્ડનમાં જોરદાર મુકાબલો જોવા મળશે તે નક્કી મનાય છે. 

કેરેબિયન ક્રિકેટરો વચ્ચેના મુકાબલાનો ઈંતેજાર

પંજાબ અને કોલકાતા વચ્ચેના મુકાબલામાં ખાસ કરીને કેરેબિયન ક્રિકેટરો વચ્ચેના મુકાબલાનો ઈંતેજાર ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે. કોલકાતાની ટીમમાં ઓલરાઉન્ડર એન્ડ્રે રસેલ અને કાર્લોસ બ્રાથવેઈટની સાથે સાથે દિગ્ગજ સ્પિનર સુનિલ નારાયણ સામેલ છે.જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં દુનિયાનો સૌથી ધરખમ બેટ્સમેન ક્રિસ ગેલ સામેલ છે. ગેલે પ્રથમ મેચમાં જ ઝંઝાવાતી બેટીંગનો પરચો દેખાડી દીધો છે. 

દેશ-વિદેશના સુપરસ્ટાર્સની પ્રતિષ્ઠા દાવ પર

દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના યુવા બેટ્સમેન નિતિશ રાણા અને રસેલે તોફાની બેટીંગથી તેમના ફોર્મનો પરચો દેખાડી દીધો છે. કોલકાતાને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રીસ લીન તેમજ ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન અને ઈંગ્લેન્ડના જોઈ ડેન્લી, ભારતના શુભમન ગીલ અને રોબિન ઉથપ્પા તેમજ કુલદીપ યાદવ અને પિયુષ ચાવલાના શાનદાર દેખાવની આશા છે.

જ્યારે વર્લ્ડકપ પહેલા ફોર્મ બતાવવાનું દબાણ પંજાબની ટીમમાં સામેલ લોકેશ રાહુલ પર છે. પંજાબની ટીમનો મદાર સાઉથ આફ્રિકાના મીલર, ઓસ્ટ્રેલિયાના હેનરિક્સ અને ફાસ્ટર ટાય પર રહેશે. કરૃન નાયર, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી, અફઘાનિસ્તાનના બોલર મુજીબ તેમજ કેપ્ટન અશ્વિનને જીતનો સિલસિલો જાળવવાની આશા છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTbItX
via Latest Gujarati News

Post a Comment

0 Comments