
નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર
કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેમણે અગાઉ પ્રયાગરાજથી નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસી સુધી બોટ દ્વારા ગંગા યાત્રા કરી હતી.
હવે તેઓ અયોધ્યાની પણ મુલાકાત લેવા જઇ રહ્યા છે. આ ઉપરાંત તેઓ અમેઠી અને રાયબરેલીની પણ મુલાકાત લેશે. દરમિયાન ફૈઝાબાદથી અયોધ્યા સુધી આશરે ૫૦ કિમી લાંબો રોડ શો પણ યોજશે, જે દરમિયાન પ્રિયંકા ગાંધીનો આ રોડ શો ૩૦ સ્થળોએ રોકાશે, જ્યાં પ્રિયંકા લોકોનો સંપર્ક કરશે તેમ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું.
દરમિયાન પ્રિયંકા ગાંધી અયોધ્યામાં મંદિરની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે, ફૈઝાબાદના કોંગ્રેસના પૂર્વ સાંસદ નિર્મલ ખત્રીએ જણાવ્યું હતું કે અમારુ આયોજન છે કે પ્રિયંકા ગાંધી અયોધ્યામાં એક મંદિરની મુલાકાત લે અને આ દિશામાં અમે પ્રયાસ પણ કરી રહ્યા છીએ. જ્યારે અયોધ્યા ઉપરાંત પ્રિયંકા અમેઠીની પણ મુલાકાત લેશે, જે બાદ સોનિયા ગાંધીના મત વિસ્તાર રાયબરેલીની પણ તેઓ મુલાકાત લેશે.
પ્રિયંકા ગાંધીની અયોધ્યાની મુલાકાતને વધુ વૈભવી બનાવવામાં આવી શકે છે. અહીં તેઓ મંદિરની મુલાકાત લેશે, અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે પ્રિયંકાની આ મુલાકાતનું પણ ઘણુ મહત્વ માનવામાં આવે છે. આ મુલાકાત કોંગ્રેસના સોફ્ટ હિંદુત્વના પ્રયાસોને વેગ આપી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YqdgBw
via Latest Gujarati News
0 Comments