નવી દિલ્હી, તા.27 માર્ચ 2019,બુધવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગરીબોના ખાતામાં વર્ષે ૭૨ હજાર રૃપિયા જમા કરવાનું વચન આપ્યું છે અને આ માટે ન્યાય નામની યોજના લોંચ કરી છે જેના વખાણ પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજન પણ કરી ચુક્યા છે.
આ સ્થિતિ વચ્ચે પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ન્યાય યોજનાને તબક્કાવાર લાગુ કરવામાં આવશે, યોજના તૈયાર કરવા માટે અનેક અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે અને તેમાંના મોટા ભાગના આ યોજનાથી સહમત હતા, સાથે આ નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓએ એમ પણ જણાવ્યું હતું કે આ યોજનાનો અમલ કરવાની ભારતમાં ક્ષમતા છે.
ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ કહ્યું હતુ કે આ યોજનાનો અમલ કરવો શક્ય છે. આ યોજનાને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. અમલીકરણ માટે એક એક્સપર્ટ કમિટીની રચના પણ કરવામાં આવશે.
જ્યારે અમે મનરેગા યોજનાને ૨૦૦૯માં લોંચ કરી હતી ત્યારે પણ તે સમયે ભાજપે ભારે વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ યોજનાનો અમલ શક્ય જ નથી, જેટલીએ ત્યારે કહ્યું હતુ કે મનરેગા યોજના અશક્ય છે. જોકે હાલ આ યોજના સૌથી સફળ સાબીત થઇ છે. તેવી જ રીતે અમારી આ ૭૨ હજાર રૃપિયા જમા કરવાની યોજનાની પણ ભાજપ ટીકા કરવા લાગ્યું છે પણ તેનો અમલ થશે જ.
ચિદમ્બરમે કહ્યું હતંુ કે જો આ યોજનાનો અમલ ન કરવામાં આવ્યો તો દેશમાંથી ગરીબી હટાવવી અશક્ય બની શકે છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ પરિવારમાં મહિલાના નામે ખાતા ખોલાવે, આ પૈસા ઘરની મહિલાના ખાતામાં પણ જમા કરવામાં આવશે. તેનાથી મહિલાઓમાં પણ સશક્તિકરણ આવશે.
ગરીબી હટાવવી દરેક સરકારની ફરજ છે, વર્તમાન સરકારે ગરીબો માટે કઇ જ નથી કર્યું જો કોંગ્રેસની સરકાર રચાશે તો દેશમાંથી આ યોજના દ્વારા ગરીબી સંપૂર્ણપણે નાબુદ કરવામા મદદ મળશે. કોંગ્રેસના નેતાએ સાથે એવા સંકેતો પણ આપ્યા હતા કે આગામી બીજી એપ્રીલે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OuS0Ga
via Latest Gujarati News
0 Comments