બ્રિટનની કોર્ટ ટૂંક સમયમાં માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી અંગે સુનાવણી હાથ ધરશે


લંડન, તા. ૨૭

વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપવાના હોમ સેક્રેટેરીના ચોથી ફેબુ્રઆરીના આદેશની વિરુદ્ધ પિટિશન કરવાની અરજી અંગે હોમ ઓફિસે પોતાનું વલણ સુપ્રત કરી દેતા આ અરજીની સુનાવણી ટૂંક સમયમાં શરૃ થશે. 

૯૦૦૦ કરોડ રૃપિયાની નાણાકીય અનિયમિતતાઓના આરોપોનો સામનો કરી રહેલા માલ્યાએ મંગળવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે બિઝનેસ નિષ્ફળ જવાના કારણે તે બેંક લોનની સમયસર ચૂકવી શક્યા ન હતાં. 

માલ્યાના પ્રત્યાર્પણનો કેસ વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે. ડિસેમ્બર, ૨૦૧૮માં આ જ કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. 

બ્રિટનના ન્યાય વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ કેસના તમામ દસ્તાવેજો મળી ગયા છે. હવે આ કેસ સિંગલ જજની ખંડપીઠને સુપ્રત કરવામાં આવશે. 

માલ્યાએ ૧૪ ફેબુ્રઆરીના પ્રત્યાર્પણ વિરુદ્ધ  અપીલ કરી હતી અને સંબધિત સરકારી વિભાગે ૨૦ દિવસની અંદર પોતાનો અહેવાલ સુપ્રત કરવાનો હતો. 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વિજય માલ્યાએ  જેટ એરવેઝને બચાવવા બદલ સરકારી બેંકો પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. માલ્યાએ વર્તમાન એનડીએ સરકારને પણ નિશાન બનાવી હતી.

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝને બચાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વમાં સરકારી બેંકો દ્વારા મેનેજમેન્ટ પોતાના હાથમાં લેવામાં આવ્યા પછી વિજય માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે મારી ઇચ્છા હતી કે કિંગફિશર એરલાઇન્સને પણ આવી જ રીતે બચાવી લેવામાં આવી હોત.

જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોકરીઓ બચાવવા, કનેક્ટિવિટી જાળવવા પીએસયુ બેંકોએ જેટ એરવેઝને બચાવી લીધી તે સાંભળીને આનંદ થયો છે. 

માલ્યાએ આક્ષેપ કર્યો છે કે દેશની આ જ બેંકોએ વધુ સારા કર્મચારીઓ અને સંપર્ક સુવિધા ધરાવતી દેશની શ્રેષ્ઠ એરલાઇન્સન કેસમાં આવું ન કર્યુ અને તેને પતન માટે છોડી દીધી. આ એનડીએ સરકારના બેવડા માપદંડ છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UYRC57
via Latest Gujarati News

Post a Comment

0 Comments